• શનિવાર, 27 જુલાઈ, 2024

વધુ એક વિનાશક ચક્રવાત

બંગાળની ખાડીમાં સર્જાયેલા ચક્રવાત મિચોંગે દક્ષિણ ભારતમાં તબાહી મચાવી છે. તામિલનાડુમાં 12 જણે જીવ ગુમાવ્યા એ પછી આંધ્રપ્રદેશને ધમરોળ્યું. પ્રતિકલાક 90 કિ.મી.ની ગતિએ વિંઝાયેલા પવન સામે સૌ કોઇ લાચાર બની રહે એ સ્વાભાવિક છે. ત્રણેક દિવસ વિમાન-ટ્રેનસેવા ખોરવાઇ ગઇ. આ લખાય છે ત્યારે ઓરિસ્સાના તટ્ટીય વિસ્તારમાં વાવાઝોડાંની અસર વર્તાઇ રહી છે. કુદરત રુઠી હોવાના અનેક બનાવ સતત બની રહ્યા છે. પ્રદૂષણ, પર્યાવરણની ચર્ચા શેરીથી લઈને સંસદ સુધી અને છેક આંતરરાષ્ટ્રીય ફલક સુધી થઈ રહી છે. માનવજાત કુદરત સામે રીતસર લડી રહી હોવાનો અહેસાસ હવે તો થઈ રહ્યો છે. ગુજરાત પર જુલાઈમાં બિપરજોય વાવાઝોડું ત્રાટક્યાં પછી વરસાદ પર તેની અસર પડી હતી અને ગયા સપ્તાહે ફરી કમસોમી વરસાદે ગુજરાતને પલાળ્યું. તેની વચ્ચે જોશીમઠમાં જમીન ધસવાની કે ઉત્તરકાશી પાસે સુરંગમાં માણસો ફસાયાની ઘટનાઓ ઘટી. સતત આવું થતું રહે છે. વારંવાર આવતી આફતો પ્રજા અને તંત્ર બન્ને માટે આ પડકાર છે. સામાન્ય રીતે ચોમાસાની આસપાસ સર્જાતા ચક્રવાત હવે વર્ષના અન્ય મહિનાઓમાં પણ સર્જાવાની ઘટનાઓ બની રહી છે. રાજ્યની સરકારો, કેન્દ્ર સરકાર અને સામાન્ય નાગરિકો માટે આ મુશ્કેલી સર્જનારી બાબત છે. હા, પ્રાકૃતિક સંકટોનો સામનો કરવાની, આગોતરી તૈયારી દ્વારા નુકસાન બને તેટલું ઓછું થાય એ માટેની આપણી ક્ષમતા વધી છે. એનડીઆરએફ સહિતની એજન્સીઓની ટુકડીઓ દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટેની તમામ તૈયારીઓ સતત થાય છે. વહીવટીતંત્ર સજ્જ રહે છે. સંદેશાવ્યવહાર પણ ખોરવાય નહીં તેની પૂરતી તકેદારી રખાતી હોવાને લીધે જાનહાનિ તો ટાળી શકાય છે, નુકસાન પણ શક્ય તેટલું નિવારી શકાય છે, પરંતુ તે તો વાવાઝોડું કે કોઈ દુર્ઘટના ઘટયા પછીની વ્યવસ્થા છે. મૂળ મુદ્દો છે આવા તોફાન કે ઝંઝાવાત સર્જાવાનો ખતરો. પર્યાવરણમાં આવી રહેલા વૈશ્વિક પરિવર્તન, કુદરતી સંપદા સાથે થઈ રહેલા ચેડાં જેવી બાબતો હંમેશાં ચર્ચામાં રહે છે. માનવે પૃથ્વીને બચાવવાની ચિંતા ઓછી કરી છે અને દિનબદિન તેને ગરમ કરવાના પ્રયત્નો થતા રહે તો સમુદ્રમાં આવા વિનાશક ચક્રવાત સર્જાવાની સંભાવના વધતી જ જવાની. વાવાઝોડાં-સમુદ્રી તોફાનનું કારણ જળવાયુ પરિવર્તન જ છે એ વાસ્તવિકતા સમજીને આપણે પર્યાવરણ બચાવવા સચેત થવું રહ્યું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang