• શનિવાર, 24 ફેબ્રુઆરી, 2024

પરિણામ પછી...

રાજકીય પ્રવાહો - કુન્દન વ્યાસ

પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ આજે જાહેર થયા પછી રાજ્યો અને રાષ્ટ્રનાં રાજકારણ ઉપર કેવી અસર પડશે ? લોકસભાની ચૂંટણી ચાર - છ મહિનામાં આવે છે - તેના ઉપર સંભવિત અસરની ચર્ચા હવે જોર પકડશે. રાહુલ ગાંધી માટે આજનાં પરિણામ વધુ મહત્ત્વનાં છે. `ઈ.ન્ડિ.યા' એલાયન્સના ભાગીદાર પક્ષો ઉપરાંત અલગ રહેલા પ્રાદેશિક પક્ષોએ પણ ભાવિ રણનીતિ નવેસરથી વિચારવી પડશે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો છે, જ્યારે દક્ષિણ ભારતનું તેલંગાણા - બંને રાષ્ટ્રીય પક્ષ માટે કસોટીરૂપ છે. મિઝોરમના પાડોશમાં મણિપુર છે - જ્યાં જાતિવાદી સંગ્રામ છે. શાસક પક્ષ - `િમઝો નેશનલ ફ્રન્ટ' એનડીએ સાથે છે. 40 સભ્યની વિધાનસભામાં કોંગ્રેસના પાંચ અને ભાજપના એક સભ્ય છે. મુખ્યપ્રધાન ઝોરામાથેગા કહે છે રાજ્યમાં કોંગ્રેસનું સ્થાન નથી. બાકીનાં ચાર રાજ્યમાંથી તેલંગાણામાં ભારત રાષ્ટ્ર સમિતિના કે. ચન્દ્રશેખર રાવના પરિવાર રાજ માટે કોંગ્રેસ પરિવારનો ગંભીર પડકાર છે, ત્યારે ભાજપ કેટલી બેઠકો મેળવશે અને વિધાનસભા ત્રિશંકુ હશે કે નહીં તે જોવાનું છે. જે રાજ્યોમાં સ્પષ્ટ બહુમતીની આશા નથી ત્યાં - બંને પક્ષની વ્યૂહબાજી શરૂ થઈ છે. પરિણામ આવ્યા પછી મુખ્યપ્રધાન કોણ બને ? બનશે ? કોંગ્રેસના નેતાઓનાં નામ નક્કી છે - જ્યારે ભાજપમાં પરિવર્તનની સમસ્યા હશે. પાંચમાંથી ચાર રાજ્યની મહત્ત્વની ચૂંટણી લોકસભાની સેમિફાઇનલ ગણાય છે. અલબત્ત, ભાજપે નરેન્દ્ર મોદીનાં નામે ચૂંટણી લડી છે. પ્રાદેશિક નેતાઓ પાછલી હરોળમાં હતા તેથી મોદીની પ્રતિષ્ઠાનો પ્રશ્ન ખરો પણ `ભાવિ'નો નહીં, જ્યારે રાહુલ માટે ભાવિનો પ્રશ્ન છે. 2018માં છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશ - ત્રણે રાજ્યમાં કોંગ્રેસે સત્તા મેળવી હતી અને એક વર્ષ પછી - 2019માં લોકસભાની ચૂંટણીમાં ભાજપે સપાટો બોલાવ્યો. વિધાનસભાનાં લગભગ તમામ ક્ષેત્રોમાં ભાજપે સરસાઈ મેળવી અને કોંગ્રેસના વિજય ઉપર પાણી ફરી વળ્યું. જનાદેશ સ્પષ્ટ હતો: કેન્દ્રમાં મોદી અને રાજ્યોમાં વિપક્ષ - એવો ચુકાદો હતો. દેશભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ સ્વીકાર્ય છે. સામા પક્ષે કોંગ્રેસ માટે આરપારની, અસ્તિત્વની લડાઈ છે. કેટલાં રાજ્યોમાં સત્તા મળશે ? તમામ રાજ્યોમાં સત્તા મળે તો રાહુલ ગાંધી મોદીના વિકલ્પ તરીકે દાવેદાર હશે અને જો ત્રણ રાજ્યમાં સત્તા ગુમાવે તો વિપક્ષી છાવણીમાં એમના ભાવ ઘટી જશે. ઈ.ન્ડિ.યા. મોરચામાં અને બહાર પણ એમની સામે અવાજ ઉઠાવાશે. કર્ણાટક અને છત્તીસગઢમાં છેલ્લી ચૂંટણી જીત્યા પછી કોંગ્રેસે નવો વ્યૂહ અપનાવ્યો છે. પ્રાદેશિક નેતાઓને આગળ કર્યા અને બહુમતી મેળવી. હવે ત્રણ - ચાર રાજ્યોમાં પણ આ વ્યૂહ સફળ થાય તો લોકસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધી - મોદીને પડકારવા ઊભા રહેશે - સફળ થાય કે નહીં એ બીજી વાત છે, પણ અત્યાર સુધી હારની હારમાળા હતી, તે સ્થિતિ બદલાશે ? મધ્યપ્રદેશમાં ભાજપે - વર્તમાન મુખ્યપ્રધાનને ફરીથી `પ્રોજેક્ટ' નહીં કરવાનો નિર્ણય લીધો, જેથી લોકોને `પરિવર્તન'ની અપેક્ષા - આશા રહે. ભાજપે સાત સિનિયર સંસદસભ્ય અને રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજય વર્ગીયને પણ મેદાનમાં ઉતાર્યા. એમની વગ - લોકપ્રિયતાની કસોટી થાય. ભાજપને લાભ થાય અને લોકોને પરિવર્તનની આશા રહે. 2018માં કોંગ્રેસી કમલનાથ (ઈમર્જન્સીમાં સંજય ગાંધીના સલાહકાર હતા તે)ની સરકાર હતી, પણ સ્વ. માધવરાવ સિંધિયાના કુંવર જ્યોતિરાદિત્ય ભાજપમાં જોડાયા પછી કોંગ્રેસ સરકાર પડી અને શિવરાજ ચૌહાણ ફરીથી મુખ્યપ્રધાન બન્યા હતા. આ વખતે સાત સિનિયર નેતા મેદાનમાં ઊતર્યા છતાં શિવરાજે આક્રમક પ્રચાર કર્યો. `લાડલી બહેના' યોજનાનો લાભ એમને મળવાનો વિશ્વાસ છે. એમણે 21 દિવસમાં 160 સભામાં પ્રચાર કર્યો. કમલનાથ માટે 1975થી આજ સુધીની કારકિર્દીમાં હવે સ્થિતિ આરપારની છે. એમણે ટિકિટોની વહેંચણી અને હિન્દુત્વના પ્રચારમાં સોનિયાજીનાં સલાહ - સૂચન બાજુએ રાખીને હનુમાન ચાલીસાના પાઠ કરાવ્યા, બાબા ધીરેન્દ્રશાત્રીની સ-પરિવાર આરતી ઉતારી. 2018માં મુખ્યપ્રધાન હતા, ત્યારે ભ્રષ્ટાચારની તપાસ કરવા ગયેલા આવકવેરા - `ઈ.ડી. સામે રાજ્યની પોલીસ ફોજ ખડી કરી હતી !' હવે `ગમે તે ભોગે' સત્તા મેળવવા        માગે છે. રાજસ્થાનમાં અશોક ગેહલોત પણ હાઇ કમાન્ડનાં દબાણને વશ થયા નથી. સચિન પાયલોટને હાંસિયામાં ધકેલીને ધાર્યું કર્યું છે. પોતાના તમામ ટેકેદારોને ટિકિટો આપી. છુટ્ટો `હાથ' આપવા સિવાય હાઈ કમાન્ડ પાસે વિકલ્પ ન હતો. સામા પક્ષે ભાજપના પૂર્વ મુખ્યપ્રધાન વિજયરાજે સિંધિયાએ 23 દિવસમાં 56 સભા ગજાવી છે, પણ મુખ્યપ્રધાનપદના દાવેદારો ઘણા છે. 200માંથી 120 બેઠક મળે તો જ ભાજપની નેતાગીરી મુખ્યપ્રધાન નક્કી કરશે. જો ઓછી બહુમતી હોય તો વિજયરાજે સિંધિયાનું ચાલશે. પણ જો કોંગ્રેસ - ભાજપની બેઠકો લગોલગ હોય તો ખેલ ખરાખરીનો હશે. છત્તીસગઢમાં કોંગ્રેસી મુખ્યપ્રધાન ભૂપેશ બાઘેલ પણ કોંગ્રેસના શક્તિશાળી નેતા છે. મહાદેવ એપ્સ અને 508 કરોડ રૂપિયા મળ્યા હોવાના આક્ષેપની પરવા કરી નથી. રામનામના જાપ અને સીતામાતાનું મંદિર પણ બાંધ્યું છે. ભાજપના પૂર્વ મુખ્યપ્રધાન ડો. રમનસિંહ પ્રમાણમાં નબળા છે. આક્રમક બની શક્યા નથી. બાઘેલે લોકપ્રિય યોજનાઓ અમલમાં મૂકી છે. કોંગ્રેસને છત્તીસગઢની ચિંતા ન હતી. તેલંગાણાના મુખ્યપ્રધાન કે. ચન્દ્રશેખર રાવનું પરિવાર - રાજ છે. એમની મહેચ્છા રાષ્ટ્રીય તખતા ઉપર આવવાની હતી, તેથી તેલંગાણા રાષ્ટ્ર સમિતિનું નામ પણ બદલ્યું. આ રાજ્ય પણ સમૃદ્ધ છે. મુખ્યપ્રધાને વિશાળ મહેલ બનાવ્યો છે. કોંગ્રેસનાં પ્રિયંકા વડરા ગાંધીએ ભ્રષ્ટાચાર ઉપર જોરદાર આક્ષેપ કર્યા, તેના જવાબ મુખ્યપ્રધાનનાં રાજકુમારી કવિતાએ આપ્યા, પણ દિલ્હીના શરાબ ભ્રષ્ટાચારમાં ભાગીદાર - શરાબ પુરવઠો આપનારા - કવિતા સામે `ઈ.ડી.'ના આરોપનામા છે. કોંગ્રેસ અને કેસીઆર વચ્ચે જંગમાં ભાજપ - નરેન્દ્ર મોદી અને અન્ય ટોચના નેતાઓએ વિશાળ સભાઓ સંબોધી છે. ત્રિપાંખિયા જંગમાં ત્રિશંકુ વિધાનસભામાં ભાજપને કેટલી બેઠકો મળશે ? રાહુલ ગાંધીએ `ભારત જોડો' યાત્રા કરીને પછી વિપક્ષી મોરચાની આગેવાની લીધી. રાજ્યોમાં કોંગ્રેસનો સારો દેખાવ હોય અને રાહુલ ગાંધીની લોકપ્રિયતા સિદ્ધ થાય તો વડાપ્રધાન પદનો દાવો પણ મજબૂત થાય એવી ધારણા રહી છે. જાતિવાદની વસતિ ગણતરી માટે પણ તૈયાર થયા. આમ છતાં એક મહત્ત્વનું પરિવર્તન છે કે પ્રાદેશિક નેતાઓ `હાઈ કમાન્ડ' સામે મક્કમ છે. કોંગ્રેસે જો સારો દેખાવ કર્યો હોય, વધુ બેઠકો મેળવી હોય તો તે રાહુલ ગાંધી - ઈ.ન્ડિ.યા. મોરચાનાં કારણે નથી. પ્રાદેશિક નેતાઓની કામગીરીની સફળતા અથવા નિષ્ફળતા છે. ટૂંકમાં, ચૂંટણી રાહુલ ગાંધીનાં નામે લડાઈ નથી - જ્યારે ભાજપ, પ્રાદેશિક નેતાઓની કામગીરી - (મધ્યપ્રદેશ) ઉપરાંત મોદીનાં નામ અને પ્રચારનો લાભ મળ્યો છે. વિજય મળે તો એમનાં નામે ! ચાર વિધાનસભાની ચૂંટણીમાં મુખ્ય - મુદ્દો કયો હતો ? હિન્દુત્વ, પરિવારવાદ અને ભ્રષ્ટાચાર - છત્તીસગઢના મહાદેવ એપ્સથી દિલ્હીના શરાબ કાંડ સુધીના મુદ્દા આવ્યા. સનાતન ધર્મ ઉપરના અધમ કક્ષાના આક્ષેપ - ટીકા પ્રહાર થયા અને આખરે જાતિવાદનું રાજકારણ પણ ઉમેરાયું. રેવડી બજાર શરૂ થયાં. મફતના ભાવમાં લોકોના વોટ ખરીદવાની સ્પર્ધા શરૂ થઈ. ભાજપે પણ તેમાં ખેંચાવું પડયું. ગેસ સિલિન્ડર કોંગ્રેસ 500 રૂપિયામાં તો ભાજપ 450માં આપવા તૈયાર છે ! સુપ્રીમ કોર્ટ અને ચૂંટણી પંચે આ અગાઉ અપાયેલાં ચૂંટણી વચનોનું આર્થિક વિશ્લેષણ, અમલ કેવી રીતે શક્ય છે તે જણાવવા કહ્યું હતું, પણ કોને યાદ છે ? હવે પરિણામ આવ્યા પછી દરેક પક્ષનાં `મફતિયાં વચનો'નો સરવાળો જાહેર થવો જોઈએ - વિગતવાર વ્હાઇટ પેપર - શ્વેતપત્ર બહાર પાડવાં જોઈએ, જેથી મતદારો - સિવાયના લોકોને પણ જાણવા મળે કે લોકશાહીનું વત્રાહરણ કેવું થાય છે ! નાણાં ઉપરાંત ધર્મનાં નામે અધર્મ આચરાયો છે. સનાતન ધર્મનો વિરોધ પ્રચાર થયા પછી તેલંગાણામાં મુસ્લિમો માટે જ અલગ હોસ્પિટલનું વચન અપાયું છે. કમલનાથે બંધબારણે મુસ્લિમ નેતાઓને તમામ સહાય - કાયદામાં, આપવાની ખાતરી આપી, ત્યારે ભાજપના કાર્યકર્તાઓએ હિન્દુ જનજાગૃતિ અભિયાન શરૂ કર્યું... લોકશાહીનું પવિત્ર પર્વ આ રીતે ઊજવાય છે ?

Youtube Live

Budget 2024 LIVE

Panchang