• રવિવાર, 16 જૂન, 2024

યુદ્ધવિરામ એ જ કલ્યાણ

ઈઝરાયલ દ્વારા ગાઝા વિસ્તારમાં થઈ રહેલા હુમલામાં નિર્દોષ લોકોનાં થઈ રહેલાં મોત બાબતે હવે યુરોપિયન દેશો અને અમેરિકા તથા ભારતે પણ આકરી નિંદા કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્લૉબલ સાઉથ સંમેલનને સંબોધિત કરતાં આ સંદર્ભમાં ભારતનો પક્ષ રજૂ કરતાં કહ્યું કે, ઈઝરાયલ-હમાસના સંઘર્ષમાં નિર્દોષ નાગરિકોનાં મોતની અમે નિંદા કરી છીએ. તેમણે આ સંઘર્ષના પગલે પશ્ચિમ એશિયામાં નિર્માણ થઈ રહેલી સ્થિતિને પડકારરૂપ ગણાવી છે. બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનક, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જૉ બાયડન અને હવે વડા પ્રધાન મોદીએ ગાઝાપટ્ટીમાં વસતાં નાગરિકોનાં મોતની નિંદા કરવા સંબંધી નિવેદનને ઈઝરાયલ પર કાર્યવાહી રોકવાનું દબાણ બનાવવા તરીકે જોવામાં આવી રહ્યું છે. વડા પ્રધાન મોદીએ ઈઝરાયલ-હમાસની વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ બાબતે આપેલું આ પહેલું જાહેર નિવેદન છે. ઈઝરાયલના હુમલાથી સૌથી વધુ નુકસાન પેલેસ્ટાઈનના લોકોને થયું છે અને આ ક્ષેત્રમાં સર્જાયેલી પરિસ્થિતિ જોતાં પહેલી આવશ્યક્તા એ હતી કે કોઈ પણ રીતે યુદ્ધવિરામ થાય. આ ક્રમમાં સંયુક્ત રાષ્ટ્રમાં અનેક સ્તરે પ્રયાસો સતત ચાલી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભામાં યુદ્ધવિરામ સંબંધિત પ્રસ્તાવનો સ્વીકાર કરવામાં આવ્યો હતો, પણ ત્યાર પછી સુદ્ધાં યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં હુમલાથી સામાન્ય નાગરિકોને કોઈ રાહત નથી મળી શકી. આ કમનસીબ બાબત છે કે, ઈઝરાયલના હુમલા હવે જે સ્તરે પહોંચ્યા છે તેને કારણે પેલેસ્ટાઈનના રહેવાસીઓને સૌથી વધુ તકલીફ થઈ રહી છે. આ હુમલામાં પેલેસ્ટાઈનના સ્વાસ્થ્ય તંત્રને પણ બાકાત નથી રાખવામાં આવ્યું અને હૉસ્પિટલો પર બૉમ્બમારો કરવામાં આવી રહ્યો છે. સામાન્ય દર્દીઓની સાથે હુમલાના ભોગ બનેલાઓ પણ સારવારથી વંચિત થઈ રહ્યા છે. બાળકો અને ગર્ભવતી મહિલાઓની મુશ્કેલીઓની તો માત્ર કલ્પના જ કરવી રહી. કોઈ પણ યુદ્ધ દરમિયાન હૉસ્પિટલોને સૌથી સુરક્ષિત આશરો માનવામાં આવે છે અને યુદ્ધ દરમિયાન આવાં સ્થળો પર હુમલો નહીં કરવાને લઈ આંતરરાષ્ટ્રીય સમુદાય વણલખ્યા નિયમને તંતોતંત અનુસરે છે. એવું લાગે છે કે યુદ્ધની સ્થિતિમાં માનવતાને પણ કોરાણે મૂકી દેવામાં આવી છે. આવી સ્થિતિમાં દુનિયાના તમામ સંવેદનશીલ લોકોની શુભેચ્છા હશે કે કોઈ પણ પરિસ્થિતિમાં યુદ્ધને રોકવામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું આ સંદર્ભનું તાજું નિવેદન સમયોચિત છે. આમ પણ જે મુદ્દાઓ પર પેલેસ્ટાઈન અને ઈઝરાયલ વચ્ચે ટકરાવ છે તેનો છેવટનો અને દીર્ઘકાલીન ઉકેલ સંવાદ દ્વારા લાવી શકાય છે. યુદ્ધમાં શક્તિ પ્રદર્શન અને અનિયંત્રિત હુમલાઓમાં માર્યા જતાં નિર્દોષ લોકો અને ખાસ કરીને મહિલાઓ અને બાળકો જેઓ આવી સ્થિતિ માટે બિલકુલ જવાબદાર નથી હોતાં. તેમના રક્ષણની જવાબદારી સૌની છે. આ માટે સંયુક્ત રાષ્ટ્રે યુદ્ધવિરામ લાગુ કરાવી સંવાદની સ્થિતિ બહાલ કરવા પર ભાર મૂકવો જોઈએ.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang