• રવિવાર, 16 જૂન, 2024

પાંચ રાજ્યનાં પરિણામની અસરો વ્યાપક બની રહેશે

પાંચ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ માટે મતદાનનો બીજો તબક્કો પણ હવે સંપન્ન થઇ ગયો છે. આ ચૂંટણીઓના પ્રથમ તબક્કામાં ગયા મંગળવારે મિઝોરમમાં વિધાનસભાની તમામ 40 બેઠક માટે અને છત્તીસગઢની નક્સલવાદની અસર તળેની 20 બેઠક માટે શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાયા બાદ શુક્રવારે મધ્યપ્રદેશની તમામ 230 બેઠક અને છત્તીસગઢની બાકી રહેતી 70 બેઠક માટે મતદાન યોજાયું. મતદાનના આ બીજા તબક્કામાં મધ્યપ્રદેશના અમુક વિસ્તારોમાં હિંસક બનાવોને બાદ કરતાં બન્ને રાજ્યમાં 7.20 કરોડ મતદારોએ 300 બેઠક માટે મતદાનના બીજા તબક્કામાં મતદાન કર્યું હતું. રાજકીય રીતે મતદાનનો બીજો તબક્કો ભારે મહત્ત્વનો રહ્યો હતો. મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, જ્યારે છત્તીસગઢમાં કોંગ્રેસનું શાસન છે. બન્ને પોતપોતાનાં વર્ચસ્વને યથાવત રાખવાની સાથોસાથ બીજાં રાજ્યમાં પ્રતિસ્પર્ધીને ચીત કરીને સત્તા હાંસલ કરવા આકાશ પાતાળ એક કરી ચૂક્યાં છે. બન્ને રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ પોતપોતાની રીતે શક્તિશાળી છે. મતદાની ટકાવારીમાં નાની અમથી વધઘટ જીતનાં સમીકરણોને બદલાવી શકે તેમ છે. હાલત એવી છે કે, આ વખતે ચૂંટણીમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસનો હાથ ઉપર રહે તો સ્વાભાવિક રીતે વિપક્ષી જોડાણની વાતને વધુ નક્કર સ્વરૂપ મળી શકશે. તેને લીધે કોંગ્રેસને વિપક્ષી જોડાણનાં નેતૃત્વના દાવા માટે મજબૂત આધાર પણ મળી શકશે, પરંતુ જો ભાજપને મધ્યપ્રદેશને જાળવીને અન્ય એક રાજ્યને કોંગ્રેસ પાસેથી આંચકી લેવામાં સફળતા મળશે તો વિપક્ષી જોડાણ માટે તે અમંગળ સંકેત બની રહેશે. આ પાંચ રાજ્યમાં પરિણામ જે કાંઇ આવશે તે આવતાં વર્ષની લોકસભાની ચૂંટણીઓમાં અસર કરશે એ વાત નક્કી છે. કદાચ આ બાબતને ધ્યાનમાં રાખીને બન્ને પક્ષોએ આ વખતે પૂરી તાકાત કામે લગાડી છે. આમ તો મતદાનની ટકાવારીને ધ્યાને લઇને પરિણામની ગણતરીઓ મંડાતી રહી છે. 80 ટકાથી વધુ મતદાન હોય તો લોકો સત્તાધારી પક્ષથી નારાજ હોવાની આગાહી થઇ શકે છે, પણ આ વખતે અત્યાર સુધી કોઇપણ રાજ્યમાં ભારે મતદાન થયું નથી. મતદાનની ટકાવારી વધારવાના સરકારી પ્રયાસો પણ હજી સફળ થતા જણાયા નથી. વળી, ચૂંટણી પ્રચાર દરમ્યાન મતદારોને રિઝવવા જે રીતે રાજકીય પક્ષોએ વચનોનો વરસાદ કર્યો છે, તે જોતાં જીત કોની થશે એ સ્પષ્ટ રીતે કહી શકાય તેમ નથી. જે હોય તે, હવે પછી 25મી નવેમ્બરના રાજસ્થાનની તમામ બેઠકો માટે અને 30મી નવેમ્બરના તેલંગાણાની વિધાનસભા બેઠકો માટે મતદાન યોજાશે. પરિણામ ત્રીજી ડિસેમ્બરે જાહેર કરાશે. ત્યાં સુધી રાજકીય ગણતરીઓ અને સમીકરણોનો દોર ચાલતો રહેશે. મતદારોનાં મનને કોઇ કળી શક્યું નથી અને કળી પણ શકશે નહીં એ વાત કોઇ નકારી શકે તેમ નથી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang