• શનિવાર, 27 જુલાઈ, 2024

ભાજપ આત્મચિંતન કરે

લોકસભાની ચૂંટણીમાં ભાજપે મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ - બંને રાજ્ય પર સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. કારણ કે, તેઓ લોકસભામાં સૌથી વધુ સંખ્યામાં સાંસદ મોકલે છે, છતાં ઉત્તર પ્રદેશની જેમ મહારાષ્ટ્રે પણ ભાજપને ભારે આંચકો આપ્યો છે. ઉત્તર પ્રદેશની જેમ મહારાષ્ટ્રમાં જનાદેશ મહાવિકાસ આઘાડીની તરફેણમાં જ રહ્યો, મહારાષ્ટ્રમાં ઘણાં વર્ષો પછી કોંગ્રેસ બે અંક પર પહોંચી, જેની આશા નહોતી, જ્યારે ભાજપ 28 બેઠક પર લડયો, પણ ફક્ત નવ પર જ તેને સફળતા મળી છે. વિદર્ભમાં 10 પૈકી ફક્ત નાગપુર અને અકોલા આ બે બેઠકથી ભાજપને સંતોષ કરવો પડયો. ઉત્તર મહારાષ્ટ્રમાં રાવેર અને જળગાંવ બાદ કરતાં ભાજપનું ખાતું પણ નથી ખૂલ્યું. મુંબઈમાં ફક્ત એક જ બેઠક મળી છે. પાલઘર, પૂણે, સાતારામાં પણ પક્ષને સફળતા મળી છે. કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરી શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસમાં ફૂટ પાડવામાં આવી એવી જનતાની ધારણાનો ભાજપને ફટકો પડયો લાગે છે. ઉત્તર મહારાષ્ટ્રમાં કાંદા નિકાસને લઈ ભાજપના કેન્દ્રીય પ્રધાને દિંડોરી બેઠક ગુમાવી છે. મરાઠવાડામાં અનામત આંદોલનના નેતા મનોજ જરાંગેએ ભાજપી નેતા દેવેન્દ્ર ફડણવીસને ખલનાયક ઠેરવ્યા તેના પરિણામે ભાજપને સફળતા નથી મળી. મરાઠવાડામાં જાલના જેવા કિલ્લામાં રાવસાહેબ દાનવેનો પરાજય થયો છે, જ્યારે બીડમાં પંકજા મુંડે પણ સફળ નથી થયાં. ભાજપના દિગ્ગજ નેતા સુનીલ મુનગંટ્ટીવારનો પણ પરાજિત ઉમેદવારોની યાદીમાં સમાવેશ થાય છે. રાજ્યમાં જે પદ્ધતિએ કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને રાષ્ટ્રવાદી શરદ પવાર જૂથના મહાવિકાસ આઘાડી પર સરસાઈ મેળવી છે તે જોતાં આ ફાયદો આઘાડીને ચાર મહિના પછી થનારી વિધાનસભાની ચૂંટણીમાં જરૂર થશે, પણ આ માટે ત્રણે ઘટક પક્ષોએ એકતા જાળવી રાખવી પડશે. વિધાનસભામાં ખૂબ ઓછા ફરકથી એકાદ ઉમેદવારનો વિજય કે પરાજય થાય છે, તેને લઈ ત્રણે પક્ષ એકત્રિત રહે અને યોગ્ય બેઠક વહેંચણી કરે તો નિશ્ચિત ફાયદો થશે. મહારાષ્ટ્રમાં ભાજપે ગઈ વેળા 48 પૈકી 23 બેઠક જીતી હતી, પણ આ વેળા અડધી બેઠકો ઓછી થઈ. સંગઠનાત્મક સ્તર પર પક્ષે આ અંગેનું ચિંતન કરવું પડશે અને જે નિષ્કર્ષ આ ચિંતનમાંથી બહાર આવશે તેના પર અસરકારક કૃતિ કરવી પડશે.  લોકસભા ચૂંટણીમાં અપેક્ષિત બેઠકો નહીં મળી તેનો અર્થ વિધાનસભા ચૂંટણીમાં પણ નહીં મળે એવો થતો નથી. થયેલા પરાજયમાંથી બોધ લઈ ભાજપ નવેસરથી વ્યૂહરચના તૈયાર કરીને કામ શરૂ કરે તો પક્ષને વિધાનસભાની ચૂંટણી જીતવી મુશ્કેલ નહીં હોય. મુસ્લિમ મતોનું ધ્રુવીકરણ થવાની ચર્ચા ચાલુ હતી, ત્યારે ભાજપનો જનાધાર મનાતા હિન્દુ મતદારોએ મતદાન માટે બહાર પડવામાં શા માટે ઉદાસીનતા દાખવી એ બાબતનો અભ્યાસ કરવો ઘટે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang