લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસને એક પછી એક મોટા આંચકા લાગી રહ્યા છે. કોંગ્રેસના પ્રવક્તા આર્થિક બાબતોના નિષ્ણાત ગૌરવ વલ્લભ, બોક્સર વિજેન્દર સિંહ, સંજય નિરૂપમ આ યાદીમાં જોડાયા છે. ગૌરવ વલ્લભ અને વિજેન્દર સિંહ ભાજપમાં જોડાયા છે. આ પહેલાં એવા નેતાઓની એક લાંબી યાદી છે, જેઓએ કોંગ્રેસનો સાથ છોડયો અને ભાજપ, સપા-બસપા જેવા બીજા પક્ષોમાં જોડાઈ ગયા છે. દેશના સૌથી જૂના પક્ષના નેતાઓને હવે મોદી સરકારના ગુણગાન દેખાઈ રહ્યા છે અને કોંગ્રેસ મોવડી મંડળની આકરી ટીકા કરી રહ્યા છે. ચૂંટણી વખતે નેતાઓના પક્ષપલટા કોઈ નવી વાત નથી, પણ જ્યારે એક ચોક્કસ પક્ષના નેતાઓ પક્ષ છોડે, તો પક્ષવિરોધી માહોલ બને છે, સાથે વિપક્ષોને મનોવૈજ્ઞાનિક સરસાઈ પણ મળે છે. કોંગ્રેસના એક પછી એક નેતાઓ પક્ષ છોડી રહ્યા છે, તેના પરિણામે રાજકીય વાતાવરણ અને હવા કોંગ્રેસની તરફેણમાં નથી એમ જણાય છે. ગૌરવ વલ્લભે કોંગ્રેસ છોડવાનું કારણ જણાવતાં કહ્યું કે, સનાતન ધર્મ અને રામમંદિરનો વિરોધ કેવી રીતે થાય? ધ્યાનમાં રહે કે, જ્યારે ડીએમકેના નેતાઓએ સનાતન ધર્મને ડેન્ગ્યુ-મલેરિયા જેવો ઝેરી ગણાવ્યો હતો, ત્યારે કોંગ્રેસ મોવડી મંડળ તેમની ટીકા કરવાનું સાહસ કરી શકી નહોતી. ગૌરવ વલ્લભે એમ પણ કહ્યું કે, વેલ્થ ક્રિએટર્સ એટલે કે ઉદ્યોગપતિઓને સવાર-સાંજ ગાળો આપવાનો પણ વિરોધ કરી રહ્યા છે. કોંગ્રેસ ડાબેરી વિચારસરણીના નેતાઓની પકડમાં છે. ખાનગી ઉદ્યોગપતિઓ ઉપર ટીકા પ્રહારો યોગ્ય નથી. હકીકતમાં કોંગ્રેસના નેતાઓના કારણે કોંગ્રેસ હવે ભટકી ગઈ છે. સંજય નિરૂપમ પણ કહે છે કે, કોંગ્રેસમાં શક્તિના અનેક કેન્દ્ર બની ગયાં છે અને રાહુલ ગાંધી તો ડાબેરી વિચારધારા ધરાવનારાઓથી ઘેરાઈ ગયા છે. પક્ષ પર પણ ડાબેરીઓનો કબજો થઈ ગયો છે, તેમણે કોંગ્રેસ નેતાઓ દ્વારા રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમારંભનો બહિષ્કાર કરવાનો વિષય ઊઠાવતાં એમ પણ કહ્યું કે, કોંગ્રેસ ડાબેરી પક્ષોના સેક્યુલરિઝમથી ગ્રસ્ત છે, જેમાં ધર્મ અને આસ્થાનું કોઈ મૂલ્ય-મહત્ત્વ નથી. નિ:સંદેહ કોંગ્રેસની જેમ બીજા પક્ષોના નેતા પણ અયોધ્યા નહોતા ગયા, પરંતુ કોંગ્રેસ મોવડી મંડળે જે રીતે ત્યાં જવાનું નિમંત્રણ નકાર્યું, તે યોગ્ય નથી. કાશ્મીરથી કન્યાકુમારી અને ગુજરાતથી અરુણાચલ પ્રદેશ-એમ દરેક રાજ્યમાં કોંગ્રેસને આંચકા લાગ્યા છે. કોંગ્રેસ પક્ષના અનેક મહારથીઓએ પક્ષ છોડવાની પહેલાં શરૂઆત કરી, પછી હવે કોંગ્રેસ પાસે રાષ્ટ્રીય હરોળના કહી શકાય એવા ગણ્યાગાંઠયા જ નેતાઓ રહ્યા છે. કોંગ્રેસશાસિત રાજ્યના અનેક કોંગ્રેસ નેતાઓ ક્યારે ક્યાં જશે તે કહી શકાય એમ નથી. આવી સ્થિતિમાં કોંગ્રેસ મોવડી મંડળ ગૌરવ વલ્લભ, સંજય નિરૂપમની વાતો પર ધ્યાન આપશે, એવી આશા ન રાખી શકાય. આ નેતાઓએ કોંગ્રેસની બીમારીનું નિદાન જરૂર કર્યું છે. પણ ઉપચાર એમના `હાથ'માં નથી!