બેંગ્લોર, તા. 23 : અહીં એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર શુક્રવારે વીમેન્સ પ્રીમિયર લિગ (ડબલ્યુપીએલ)ના ઝાકઝમાળભર્યા ઉદ્ગાટન સમારોહમાં શહરુખ ખાન, ટાઈગર શ્રોફ, શાહિદ કપૂર, વરુણ ધવન, સિદ્ધાર્થ મલ્હોત્રા, કાર્તિક આર્યન જેવા અભિનેતાઓએ ડાન્સ ધમાલ સાથે કમાલની કલાત્મક રજૂઆત કરીને દર્શક સમુદાયને મુગ્ધ કરી દીધો હતો. કિંગ ખાને ઝૂમે જો પઠાન ગીત પર ડાન્સ કરતાં દર્શકોએ સીટી, ચિચિયારી ,તાળીઓથી રજૂઆતને વધાવી હતી. ગુજરાત ટાઈટન્સને સમર્થન આપતાં કાર્તિક આર્યને ભૂલભુલૈયા-2નાં ગીત પર, તો દિલ્હી કેપિટલ્સનો ઉત્સાહ વધારતાં સિદ્ધાર્થ મલ્હોત્રાએ શેરશાહ, સ્ટુડન્ટ ઓફ ધ યરનાં ગીતો પર ડાન્સ કર્યો હતો. ટાઈગર શ્રોફે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને પ્રોત્સાહન આપતાં હીરોપંતી, વોર ફિલ્મો પર પગ થિરકાવ્યા, તો યુપી વોરિયર્સનાં સમર્થનમાં વરુણ ધવને ભેડિયા, મૈં તેરા હીરોનાં ગીતો પર ડાન્સ કર્યો હતો. શાહિદ કપૂરે જબ વી મેટનાં ગીત પર ડાન્સ કરતાં દર્શકો ઝૂમી ઊઠયા હતા.