• શનિવાર, 24 ફેબ્રુઆરી, 2024

ભુજમાં અમૃત આહાર મહોત્સવને જંગી પ્રતિસાદ; આજે છેલ્લો દિવસ

ભુજ, તા. 6 : આજની યુવાપેઢીમાં હોટડોગ, પિઝા, બર્ગર, જેવી `રસોડા બહાર' બનતી વાનગીઓ અને તેમાં પણ પનીર ચીઝનો ચસ્કો લાગ્યો છે, ત્યારે સારું, સાચું, શુદ્ધ, સ્વચ્છ ખાઈને સ્વસ્થ રહેવાનો સંકલ્પ લેવાની શીખ શહેરમાં યોજિત `અમૃત આહાર મહોત્સવ'ની મુલાકાત લેનારા લોકોને મળી રહી છે. કચ્છભરમાંથી ઊતરી પડેલા પ્રયોગશીલ ખેડૂતોએ સજીવખેતીથી ઉગાડેલાં શાકભાજી, ફળ, અનાજ, હળદર, સરગવાના પાવડર જેવી બનાવટોનાં વેચાણ તેમજ પ્રદર્શનને જબરો પ્રતિસાદ મળી રહ્યો છે.`ભુજહાટ'નું વિશાળ પરિસર બુધવારે મહોત્સવના ત્રીજા દિવસે ધમધમી ઊઠયું હતું. રાજ્ય સરકારની કૃષિ વિભાગ સંલગ્ન સંસ્થા `આત્મા' દ્વારા યોજિત મહોત્સવનો આવતીકાલે ગુરુવારે છેલ્લો દિવસ હોવાથી વધુને વધુ સંખ્યામાં લાભ લેવા લોકોને આયોજકોએ અપીલ કરી છે. `આત્મા'ના પ્રોજેક્ટ ડાયરેક્ટર પી.કે. તલાટીએ જણાવ્યું હતું કે, ભુજ-મુંદરા રોડ પર `ભુજહાટ'માં કાલે ગુરુવારની બપોરે 4થી સાંજે 7 વાગ્યા સુધી મહોત્સવનો લાભ લઈ શકાશે. `સજીવખેતી મેળા' સમાન અમૃત આહાર મહોત્સવમાં ઘઉં, બાજરો, મકાઈ, મગ, ચણા, મગફળી, જીરું, તુવેર, તલ, મગની દાળ, લીંબુ, મરચાં, ટમેટા સહિત વિવિધ શાકભાજી મળી રહ્યાં છે.

Youtube Live

Budget 2024 LIVE

Panchang