• શનિવાર, 27 જુલાઈ, 2024

ભગવાનને દાન ન આપો, તે આપનાર છે, લેનાર નહીં

ગાંધીધામ, તા. 6 : સમગ્ર વિશ્વમાં સૌથી મોટી ઉમરની વ્યક્તિ એવા કાશી નિવાસી 128 વર્ષીય શિવાનંદ બાબા અંજાર તાલુકાના મેઘપર બોરીચી મંગલેશ્વર નગર ખાતે પહોંચતાં તેમના દર્શન કરવા અનુયાયીઓ પહોંચ્યા હતા. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે પદ્મશ્રી પ્રાપ્ત કરનારા શિવાનંદ બાબાનો જન્મ આઝાદી પહેલાં અત્યારના બાંગલાદેશમાં થયો હતો. બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા આ બાબાના માતા-પિતા ભિક્ષાવૃત્તિ કરીને જીવન નિર્વાહ કરતા હતા. જેથી ક્યારેક ભોજન મળે, ક્યારેક ન મળે, આવી પરિસ્થિતિમાં તેમના માતા-પિતાએ શિવાનંદ બાબાને 4 વર્ષની ઉમરે ગુરુને અર્પણ કર્યો હતો. છ વર્ષે બાબા પરત ઘરે આવતાં તેમની મોટી બહેનનું મૃત્યુ થયું હોવાની તેમને જાણ થઈ હતી. બાદમાં સુર્યોદય પહેલાં માતાનું અને સૂર્યોદય થયા પછી પિતાનું મોત થયું હતું. બાબાએ તે વખતે માતા-પિતાને મુખાગ્નિ ચરણોમાં આપ્યો હતો. બાદના સમયે તે ગુરુ પાસે જ રહ્યા હતા. બાબા જણાવે છે કે ગુરુથી મોટું કોઈ નથી. આઝાદીની ચળવળ વેળાએ પોતે આધ્યાત્મિક જીવન જીવતા હતા અને ગુરુના આદેશથી 1925થી 1959 સુધી વિદેશ ભ્રમણ કર્યું હતું. સેવાને મહત્ત્વ આપતા બાબા જણાવે છે કે ભગવાનને દાન ન આપો, ભગવાન તમને આપનાર છે, લેનાર નથી. તેની જગ્યાએ ગરીબ, ભિક્ષુકોની સેવા કરો. તમામ લોકોમાં ભગવાન વિદ્યમાન છે. તેમની સેવા કરવાથી ભગવાનની સેવા આપોઆપ થઈ જશે. ભગવાન પ્રેમના ભુખ્યા છે પૈસાના નહીં. ન પૈસા, ન દાન (નો મની, નો ડોનેશન)માં માનનારા બાબા કહે છે કે, આજે પણ તેમના પ્રાંગણમાં અનેક ભુખ્યા જનોના જઠરાગ્નિ ઠારવામાં આવે છે, તે પોતે પણ આવા લોકોને ભોજન પીરસે છે. તેમણે કહ્યું હતું કે, ગરીબોની સેવા કરવાથી ભગવાન રાજી થશે.સવારે ત્રણેક વાગે ઊઠીને યોગ, પ્રાણાયામ વગેરે કરનાર બાબા સાદું ભોજન લે છે અને સાદું જીવન જીવે છે ને જ્યારે પ્રવચન આપે છે ત્યારે પોતે કોઈ  ગાદી કે સિંહાસન ઉપર નહીં, પરંતુ નીચે જ બેસે છે તેવું તેમની સાથે આવેલા લંડનના ડો. શર્મિલા સિન્હાએ તથા દિલ્હીના ડો. હિરામનએ જણાવ્યું હતું. આજે મંગલેશ્વર નગરમાં સમગ્ર દિવસ દરમ્યાન તેમનાં દર્શન માટે લોકો ઊમટી પડયા હતા. તા. 8/12ના આદિપુરના પ્રભુદર્શન હોલ ખાતે સાંજે 4થી 7 વાગે તેમની સંબર્ધના સભાનું આયોજન કરવામાં આવ્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang