ગાંધીધામ, તા. 4 : વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ, સંશોધનવૃત્તિ, સર્જનાત્મકતા
અને નવીન વિચારોને પ્રોત્સાહન હેતુથી અંતરજાળની શાળા ખાતે વિજ્ઞાન મેળાનું આયોજન કરાયું હતું.જીસીઈઆરટી ગાંધીનગર, જિલ્લા શિક્ષણ તાલીમ ભવન,
જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, અને બી.આર.સી ભવન ગાંધીધામના ઉપક્રમે
આયોજન કરાયું હતું. ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન
મહેશ્વરી, ગાંધીધામના
ડેપ્યુટી મેયર નવિન જરૂ, સ્ટેન્ડીંગ કમિટીના
ચેરમેન તેજસ શેઠ, વનાભાઈ રબારી શાંતિબેન મ્યાત્રા, હંસાબેન ફુફલ, દીપક વાઘમશી બધાભાઈ મ્યાત્રા,
જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમાર, શિક્ષણ નિરીક્ષકો
મહેશદાન ગઢવી,પી.જી. ઝાલા ઉપસ્થિત રહ્યા હતા. આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં કુલ 63 શાળાએ ભાગ લીધો હતો અને 90 કૃતિ રજૂ કરાઈ હતી.
90 જેટલા માર્ગદર્શક શિક્ષક તથા
180 જેટલા બાળ વૈજ્ઞાનિકે પોતાના
વર્કિંગ મોડલ દ્વારા વૈજ્ઞાનિક જ્ઞાન, પ્રયોગાત્મક સમજ, સર્જનાત્મકતા અને સમસ્યાઓના નવીન ઉકેલો
રજૂ કર્યા હતા. વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓને પોતાની પ્રતિભા રજૂ કરવાની તેમજ અન્ય વિદ્યાર્થીઓના
પ્રોજેક્ટ્સમાંથી નવું શીખવાની ઉત્તમ તક મળી હતી. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન માત્ર કૃતિઓ
રજૂ કરવાનું માધ્યમ ન બની રહેતાં વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસાવવાનો એક
મહત્ત્વપૂર્ણ શૈક્ષણિક મંચ બન્યો હતો.