વસંત પટેલ દ્વારા : કેરા (તા. ભુજ), તા. 26 : એક સમયે આઇ.ટી.આઇ.
એટલે પ્લમ્બર, વેલ્ડર, વાયરમેન ઇલેકટ્રીશિયન જેવાં કૌશલ્યવર્ધન કોર્સની ઓળખ હતી. વર્તમાન સમયે અનેક
નવતર હુન્નરની મોટી જરૂરિયાત ઊભી થઇ છે ત્યારે કેરા-કુંદનપર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટ
પોતાની 40 વર્ષ જૂની આઇ.ટી.આઇ.માં નવા
પાંચ કોર્સની પાંચમા પદવીદાન સમારોહમાં જાહેરાત કરી હતી. જ્યાંથી સેંકડો તાલિમાર્થી
પસાર થઇ પગભર થઇ ચૂક્યા છે તેવી કેરા-કુંદનપરની આઇ.ટી.આઇ.માં સીએનસી વૂડવર્કિંગ અને
મશિન ઓપરેટર, ફેશન ડિઝાઇનીંગ અને ટેકનોલોજી,
ઇન્ડસ્ટ્રીયલ રોબોટીક અને ડિજિટલ મેન્યુફેક્ચારિંગ, સીએનસી મશિન 3-એકિસ તેમજ
બ્યૂટીપાર્લર કોર્સ સાથે વિસ્તૃતિકરણનો નિર્ણય સંસ્થાએ લેતાં જાહેરાત કરાઇ હતી. નવી
બિલ્ડીંગનું ખાતમુહૂર્ત ડિસેમ્બરમાં યોજવાની વાત પણ મંચ પરથી થઇ હતી. અત્યાર સુધી અહીંના
તાલિમાર્થી કંપનીઓની પ્રથમ પસંદગી રહ્યા હોવાનું અદાણી સોલાર કંપનીના પ્રતિનિધિઓએ કહેતાં
12 યુવાનોના ઇન્ટરવ્યૂ યોજ્યા
હતા. તે પૈકી સાતની પસંદગી મુજબ પદવી એનાયત કરાઇ હતી. લાલજી રૂડા પીંડોલિયા ઓડિટોરિયમ
ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કચ્છમિત્રના તંત્રી દીપક માંકડે કહ્યું કે કેરા શિક્ષણની
તપોભૂમિ છે. અહીંથી અનેક છાત્ર-છાત્રાઓએ સમાજમાં આગવું સ્થાન પ્રાપ્ત કરી લીધું છે.
આ પ્રસંગે દાતા મૂળજીભાઇ લાલજી પીંડોરિયા, પુત્રો ભરતભાઇ અને કિશોરભાઇએ સ્વ. માતા પુરબાઇની સ્મૃતિમાં સફળ છાત્રોને 46 હજારના ઇનામો આપ્યા હતા. પદવીદાન
સમારોહમાં ફિટર ટ્રેડ પ્રેમજી મહેશ્વરી, વાયરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા, વેલ્ડર અશરફ લુહાર,
પ્લમ્બર હેત મકવાણાને સર્ટિફિકેટ અર્પણ કરાયા હતા. સંસ્થાના ડો. દિનેશ
પાંચાણીના અધ્યક્ષસ્થાને મંત્રી વસંત પટેલ, ખજાનચી વિનોદ કેરાઇ,
હાઇસ્કૂલ સંભાળતા મુકેશભાઇ વેકરિયા, દાતા ટ્રસ્ટી
ધીરજ લાધાણી, દેવજીભાઇ હિરાણી, હરીશભાઇ
ખેતાણી, અદાણીના વિમલભાઇ બારિયા, રોનકભાઇ ગોસ્વામી સહિતના હાજર રહ્યા
હતા. કાર્યક્રમનો પ્રારંભ છોડને પાણી પીવડાવી કરાયો હતો. આઇ.ટી.આઇ.ના આચાર્ય જે. ડી.
રૂપારેલે તાલિમાર્થીઓને ખંતથી કામ કરવા પ્રેરણા આપી હતી. સમગ્ર નૂતન આઇ.ટી.આઇ. માટે
મોભી નવીન પાંચાણી, રવજી કેરાઇ સંકલન કરી રહ્યા છે. કાર્યક્રમને
સફળ બનાવવા જેન્તી રાઘવાણી, ઇશિતા વેકરિયા, ધારા નારદાણી, કનુભાઇ વડઘાસિયા, શિલ્પા વેકરિયા, હેમન વ્યાસે સંકલન, આભાર નિકુંજ ગુંસાઇએ માન્યો હતો. સંસ્થાના તમામ દાતાઓનો આભાર વ્યક્ત કરાયો
હતો.