• રવિવાર, 27 સપ્ટેમ્બર, 2026

કૃષિ ક્ષેત્રે સમૃદ્ધ વાગડમાં બેંકિંગ સેવાઓ અપૂરતી

રાપર, તા. 26 : નર્મદા અવતરણ પછી વાગડના ખેડૂતો વર્ષમાં બેથી ત્રણ પાક લઈ બે પાંદડે થયા છે. બળદગાડામાં થતી ખેતી હવે ટ્રેક્ટર અને એવાં આધુનિક કૃષિ સાધનોથી સજ્જ થઈ છે, તો પૂરતાં પાણી અને ફળદ્રુપ જમીનમાં ખેડૂતની મહેનતથી કૃષિ ક્ષેત્રે જગતનો તાત આર્થિક સદ્ધર તો થયો છે, પણ આ સદ્ધરતાને સાચવવા પૂરતી બેંકો ન હોવાની ફરિયાદ વાગડમાં જૂની છે. પ્રાંથળ અને ખડીરમાં જીરુનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થાય છે અને આના થકી મોટા પ્રમાણમાં રૂપિયા ખેડૂતો પાસે આવતા હોય છે, તો પ્રવાસન ક્ષેત્રે પણ આ વિસ્તારે સારું એવું કાઠું કાઢયું છે. સોલાર, વિન્ડફાર્મ, ખાણ-ખનિજ જેવા પ્રોજેક્ટ પણ સારા એવા પ્રમાણમાં છે, ત્યારે આ તમામ માટે બેંક એ અગત્યની જરૂરિયાત બની છે. રાપરની તાલુકા આખાની લીડ બેંક એવી બેંક ઓફ બરોડાની રાપરની બ્રાન્ચમાં જ અધધધ એક લાખ કરતાં પણ વધુ ખાતાં છે ! આટલાં ખાતાં તો કોઈ મહાનગરની શાખામાં પણ ભાગ્યે જ હશે ! એક જિલ્લા જેટલા વિસ્તારમાં પથરાયેલા રાપર તાલુકા આખામાં માંડ પંદરેક બેંક હશે !  જે કચ્છનાં સમૃદ્ધ એવાં માધાપર કે બળદિયા કરતાં પણ ઓછી છે! જીરુનો ભંડાર અને ટૂરિસ્ટ પોઈન્ટ એવા ખડીર અને પ્રાંથળમાં એક પણ બેંક નહીં હોવાથી ત્યાંના ખેડૂતો, સરકારી કર્મચારીઓ અને ખાસ બીએસએફના જવાનોને બેંકના કામકાજ માટે છેક બાલાસર, બેલા, મૌવાણા કે ધોળાવીરાથી રાપર આવવું પડે છે. આ ગામોનું અંતર રાપરથી 35થી 110 કિલોમીટર થાય! અને જો કામ ન થાય તો બીજા દિવસે ધક્કો! ઘણીવાર પાક વીમાના કે લોનના હપ્તા ભરવામાં ખેડૂતોને નાકે દમ આવી જાય છે ! આ બધો વિસ્તાર ખેતી ક્ષેત્રે સમૃદ્ધ હોવાથી બેંકને પૂરતી ડિપોઝિટ પણ મળી શકે તેમ છે અને ખેડૂતો, પ્રવાસીઓ, જવાનો, સરકારી કર્મચારીઓ, સ્થાનિક લોકો વગેરેને નજીકમાં જ બાંકિંગ સેવાઓ! ઉલ્લેખનીય છે કે, માત્ર રોડ-રસ્તા જ નહીં, બાંકિંગ જેવી આવશ્યક સેવાઓ પણ કોઈ પણ ક્ષેત્રનાં વિકાસ માટે જરૂરી છે. - એસબીઆઈએ જગ્યા ભાડે રાખી પણ... : રાપરમાં છેલ્લા ઘણા સમયથી આવવાની જાહેરાત કરતી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ એ માટે જગ્યા ભાડે રાખી લીધી છે અને ફર્નિચર પણ તૈયાર કરી લીધું છે. છેલ્લાં દોઢેક વર્ષથી આ જગ્યાનું ભાડું પણ મહિનાના દોઢ લાખના હિસાબે ચૂકવાઈ રહ્યું છે, છતાં હજી સુધી બેંક શરૂ થઈ નથી. અધિકારીઓને શું, ભાર તો ગ્રાહકના શિરે છે ને! કોના બાપની દિવાળી. તેવો સવાલ લોકો કરી રહ્યા છે. - અંતરિયાળ વિસ્તાર બેંક સેવાથી વંચિત : રાપર તાલુકામાં જે પણ બેંકિંગ માળખું છે તે રાપર નગરની આસપાસ જ અને હાઈવે કનેક્ટેડ નીલપર, ત્રંબૌ, રવ, ભીમાસર, ફતેહગઢ, આડેસર, ગાગોદર, પલાંસવા વગેરે ગામોમાં જ છે, જ્યારે અંતરિયાળ વિસ્તારો બાંકિંગ સેવાઓથી વંચિત છે. યુપીઆઈ અને ડિજિટલ પેમેન્ટના યુગમાં બેંક એ અનિવાર્ય સેવા છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd