• બુધવાર, 21 મે, 2025

અબડાસામાં નાપાક ઇરાદા નેસ્તનાબૂદ : ત્રણ ડ્રોન તોડી પડાયાં

નલિયા (તા. અબડાસા), તા. 10 : બે દિવસથી કચ્છમાં સામેપારથી આવતાં ડ્રોનનો ભારતીય દળોએ પ્રતિકાર કર્યો હતો, તે રીતે આજે સવારે નાની ધુફી, મોટી સુડધ્રો અને સાંઘીના પાટ પાસેના સીમાડામાં પાકિસ્તાન દ્વારા ડ્રોન ઘૂસાડવામાં આવતાં ભારતીય સેનાએ તેને તોડી તેના નાપાક ઇરાદાને નેસ્તનાબૂદ કર્યા હતા. આ ડ્રોન તોડવાના ધડાકાનો અવાજ દૂર સુધી સંભળાયો હતો. અમુક જાગૃતોએ તેમના વીડિયો ઉતારી વાયરલ પણ કર્યા હતા. આ બનાવ અંગે કોઠારા, નલિયા, વાયોર સહિતના ગામો સવારથી જ બંધ થઇ ગયા હતા અને પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરી માઇક દ્વારા લોકોને ઘરમાં રહેવાની સૂચનાઓ આપવામાં આવી હતી. નાની ધુફી અને બિટ્ટા હાઈવે ઉપર અદાણી સોલાર કંપની પાસે આજે સવારે 6.20 વાગ્યે ધડાકાભેર અવાજ આવતાં લોકો નિદ્રામાંથી જાગી અને ઘરની બહાર દોટ મૂકી હતી, ત્યારે ધુમાડાના ગોટા દેખાયા હતા અને આકાશમાંથી કોઈક ભારે વસ્તુ જમીન ઉપર આવી રહી હોય એવું જોવા મળ્યું હતું. આ વસ્તુને નજરે નિહાળનારા બિટ્ટા હાઇવે ઉપર ચાની ટપરી ચલાવતા કરણાસિંહ જાડેજાએ આ સંપૂર્ણ નજારો જોયો હતો, ત્યારે કરણાસિંહ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે, પ્રથમ ધડાકો 5.38 વાગ્યે ભારાપર નજીક આવેલા પાટ ગામે થયો હતો એવું જાણવા મળ્યું. ત્યારબાદ 6.20 વાગ્યે અમારી હોટેલ ઉપર આકાશમાં કોઈક ચમકતી વસ્તુ જોવા મળી હતી અને પ્રચંડ ધડાકા સાથે અવાજ આવતાં થોડીવાર માટે અમે પણ હેબતાઈ ગયા હતા અને ભયનો માહોલ ઊભો થયો હતો. બીજીતરફ આજે બપોરે એક વાગ્યાના અરસામાં નલિયાની પાસે આવેલા સુડધ્રો ગામના સીમાડામાં પણ અવાજો સાંભળવા મળ્યા હતા. નલિયા મામલતદાર ઓફિસનો સંપર્ક કરતાં ત્યાંથી તુષારભાઈ વ્યાસ દ્વારા જાણવા મળ્યું કે, આવી પરિસ્થિતિમાં ઉપરથી આવેલા આદેશ અનુસાર નલિયાની બજાર સંપૂર્ણ બંધ કરવામાં આવી હતી અને એકંદરે શાંતિ હોવાનું તેમણે જણાવ્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd