• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

ગાંધીધામ સુધરાઇમાં દસમી વખત વહીવટદાર નીમાવવાની શક્યતા

ગાંધીધામ, તા. 4 :  અહીંની નગરપાલિકાને મહા નગરપાલિકાનો દરજજો આપવામાં આવ્યા બાદ આ નિર્ણયની અમલવારી થવાની ઘડીઓ ગણાઈ રહી છે. વર્તમાન બોડીને બરખાસ્ત કરીને જ્યાં સુધી ચૂંટણી ન યોજાય ત્યાં સુધી મુખ્ય અધિકારીને બદલે સનદી અધિકારી શાસન લગાડવાની તૈયારી શરૂ કરાઇ છે, પરંતુ આ વખતે લાંબા સમય સુધી વહીવટદાર શાસન રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. ગાંધીધામને નગરપાલિકા ફાળવાયા બાદ ચૂંટણી પ્રક્રિયામાં થયેલા વિલંબ તેમજ અન્ય કારણસર 9 વખત વહીવટદાર શાસન લગાડવામાં આવ્યું હતું. જેમાં વર્ષ 2005 માં સૌથી વધુ 11 મહિના માટે વહીવટદારની નિમણુક કરાઇ હતી. આ દરમ્યાન આગામી એકાદ સપ્તાહમાં વધુ એક વખત વહીવટી શાસન લાગવાની સંભાવના સેવાઈ રહી છે. 15 ઓગસ્ટ સુધીમાં મહા નગરપાલિકાના નિર્ણયને અમલમાં મુકવાની તજવીજ શરૂ થઈ ગઈ છે. આ અંગે સુધરાઇના સતાધીશો પણ આ અમલવારી થવાની વાત કરી રહ્યા છે. પરિણામે વધુ એક વખત વહીવટી શાસન લાગી શકે છે, પરંતુ આ વેળાએ લાંબુ શાસન રહેવાની અને મહા નગરપાલિકાની ધુરા  મુખ્ય અધિકારીને બદલે સનદી અધિકારી હસ્તક આવવાની શક્યતા સૂત્રો દ્વારા વ્યક્ત કરાઈ રહી છે.  સુધરાઇમાં વર્તમાન બોડીને બરખાસ્ત કરવાની હિલચાલ શરૂ થઈ ગઈ છે, પરંતુ નજીકના સમયમાં મહા નગરપાલિકાની ચૂંટણી અંગે નક્કર નિર્ણય આવવાની શક્યતા નહિવત જણાઈ રહી છે. જેના કારણે પણ વહીવટી શાસન લંબાવવાનો દાવો સત્તાધીશો દ્વારા કરાઇ રહ્યો છે. ત્યારે સનદી અધિકારી હસ્તક તમામ વહીવટ આવવાથી જોડિયા શહેરમાં રોડ, ગટર, પાણી, લાઈટ સહિતની પ્રાથમિક સુવિધાઓ વધવાના એંધાણ વર્તાઇ રહ્યા છે. આવી સ્થિતિમાં મહા નગરપાલિકાનો દરજ્જો પ્રાપ્ત થયા બાદ આ નિર્ણયની વહેલીતકે અમલવારી થાય તેની રાહ જોવાઇ રહી છે. - નવી કચેરી ડીસી 5 માં કાર્યરત થઈ શકે છે  : મહા નગરપાલિકાની અમલવારી થયા બાદ વર્તમાન કચેરી નિરર્થક બની શકે છે. જેથી નવી ઓફિસ બનાવી વહીવટી માળખું તૈયાર કરીને કાર્યપ્રણાલી આગળ વધારવી જરૂરી છે. આવી સ્થિતિમાં નવી કચેરી કાર્યરત કરવી ખૂબ જરૂરી છે. કારણ કે વિભાગોમાં પણ વધારો થવાથી તદન નવેસરથી માળખું તૈયાર કરવું પડી શકે છે. જેના માટે સૌથી શ્રેષ્ઠ ગણાતા ડીસી 5 વિસ્તારમાં મહા નગરપાલિકાનું બિલ્ડિગ બની શકે છે. અહી પૂર્વ કચ્છ એસ.પી., તાલુકા પંચાયત કચેરી કાર્યરત છે. તો વળી મામલતદાર કચેરી માટે પણ આ સ્થળની પસંદગી કરાઇ છે. પરિણામે મ્યુનિસિપલ કોર્પોરેશન માટે નવી ઇમારત અહી કાર્યરત થાય તો નાગરિકોને એક જ સ્થળે સરકારી વિભાગો મળી રહે તેમ છે.- સીમાંકન નક્કી કરવામાં અસમંજસ : મહા નગરપાલિકાની જાહેરાત કરાયા બાદ કેટલો વિસ્તાર આવરી લેવો? એ પ્રશ્ન ઉઠ્યો હતો. કિડાણા, ગળપાદર, મેઘપર બોરિચીએ મહા પાલિકામાં સમાવેશ થવા માટે સહમતી દર્શાવી હતી. જ્યારે તાલુકાના શિણાય, અંતરજાળ, પડાણા, મીઠીરોહર, ખારીરોહર વગેરે ગ્રામ્ય વિસ્તારો મુદ્દે હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. ત્યારે મહા નગરપાલિકાની અમલવારી માટે અંજાર તાલુકાના ગામોને આવરી લેવા કે કેમ? આ પ્રશ્ન પણ મૂંઝવી રહ્યો છે. તો વળી તમામ ગામોનો સમાવેશ કરીને ગાંધીધામ તાલુકાનું વિસર્જન કરવાની ગતિવિધિથી પણ અસંતોષ ઊઠી રહ્યો છે. પરિણામે સીમાંકન મુદ્દે હજુ કોઈ સ્પષ્ટતા ના થઈ હોવાથી આ પ્રક્રિયામાં ખાસ્સો સમય વ્યતીત થવાની વાત જાગૃત નાગરિકો દ્વારા કરાઇ  રહી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang