• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

મુંબઇમાં ગુંજ્યું કચ્છી લોકસંગીત

મુંબઇ, તા. 9 : કચ્છી નવા વર્ષ નિમિત્તે મુંબઇમાં મુલુંડ અને ઘાટકોપરમાં કચ્છી સંગતીતના કાર્યક્રમો યોજાયા જેમાં મુંબઇ સ્થિત કચ્છીઓએ વિવિધ રસસભર કચ્છી ગીત-સંગીતની મજા માણી હતી. મિની કચ્છ ગણાતા મુલુંડમાં મુલુંડ કચ્છી વીશા ઓસવાળ સમાજ દ્વારા કાલિદાસ નાટય મંદિરમાં `આવઇ આષાઢી બીજ' નામે કાર્યક્રમ યોજાયો, જેમાં કલાવારસો અંતર્ગત કચ્છના 12 લોકકલાકારોએ ભાગ લીધો હતો. સંચાલન લોકગાયક લાલ રાંભિયાએ કર્યું હતું. કચ્છી લોકસંગીતના વિવિધ પ્રકાર જેવા કે આરાધીવાણી, કાફી, સૂફી, દુહા, છંદ, લોકગીત સાથે પારંપરિક વાદ્યો મોરચંગ, જોડિયો પાવો, ગડો-ગમેલોની પ્રસ્તુતિને શ્રોતાઓએ વારંવાર બિરદાવી હતી. લોકલાગણીને માન આપીને છેલ્લે લાલ રાંભિયાએ કારાણી બાપા રચિત કચ્છની ધરા અને બોલીને બિરદાવતાં છંદની રમઝટ અને છેલ્લે કવિ નિરંજન રચિત `મુંજી માતૃભૂમિ કે નમન' રજૂ કર્યું હતું. આ કાર્યક્રમની વિશેષતા એ હતી કે ડોનેશન પાસના પૈસા ખર્ચીને શ્રોતાઓ આવ્યા હતા. સાંસ્કૃતિક સમિતિના કન્વીનર જિગીષા રાંભિયા અને સભ્યોએ આયોજનમાં ભાગ ભજવ્યો હતો. બીજો કાર્યક્રમ ઘાટકોપર કચ્છ વાગડ?વિકાસ સમાજ અને ઘાટકોપર ગુજરાતી સમાજના સંયુક્ત ઉપક્રમે સંસ્થાના ચેરમેન અને અગ્રણી સેવાકર્મી પ્રવીણ વેલજી છેડાના નેતૃત્વમાં ઘાટકોપરના ઝવેરબેન પોપટલાલ સભાગૃહમાં યોજાયો હતો. મુખ્ય મહેમાન તરીકે સાંસદ મનોજ કોટક ઉપસ્થિત રહ્યા હતા. કચ્છી ડાયરાની આલેખ જગાવનાર ત્રિપુટી લાલ રાંભિયા, ગુલાબ દેઢિયા, વિશનજી શાહ, ગીતા ધરોડ, વિક્રમ નિઝામા અને સાજિંદાઓની જમાવટથી શ્રોતાઓ હેલે ચડયા હતા. સાથે કચ્છથી આવેલ લોકકલાકારોએ પણ આરાધીવાણી, જોડિયા પાવા, મોરચંગ અને ગડો-ગમેલોની રસપ્રદ રજૂઆત કરી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઘાટકોપરમાં વિવિધ ક્ષેત્રે કાર્યરત અગ્રણીઓને `કચ્છ ઘાટકોપર રત્ન'ના એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા, જેનું સંચાલન રીટા હરિયાએ કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે એપ્રિલમાં નેહરુ સેન્ટર વરલી, મુંબઇ અને જૂનમાં સાહિત્ય કલા સંપદાની ભારતીય વિદ્યા ભવન કલા કેન્દ્ર-ચોપાટી, મુંબઇમાં `કલા વારસો' દ્વારા કચ્છી લોકસંગીતની માનભેર પ્રસ્તુતિ થઇ હતી. મોટા ભાગે બિનકચ્છી શ્રોતાઓ સમક્ષ રજૂ થયેલા કાર્યક્રમોને પ્રતિસાદ મળ્યો હતો. ભારમલ સંજોટે વ્યવસ્થા સંભાળી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang