• શનિવાર, 27 જુલાઈ, 2024

મુંદરાનું રતન ; ગાયોનું જતન

દિવ્યેશ વૈદ્ય દ્વારામુંદરા, તા. 20 : હલો રતનભાઇ, ગાયને કોક વાહન અકસ્માત કરી ગયું છે, હાલત ગંભીર છે ,જલ્દી આવો... !'  બસ, આવા બે-ચાર ફોન હવે માત્ર મુંદરામાં નહીં, આસપાસ માંડવી, અંજાર, અબડાસા  અને સમગ્ર કચ્છમાંથી આવી રહ્યા છે. કચ્છ ઔદ્યોગિક રીતે ભલે વિકસ્યું, પણ ચરિયાણ માટેની જમીનો ઘટી. પશુધન રસ્તા પર દેખાય છે અને અકસ્માતો સર્જાય છે. જીવદયા પ્રેમીઓ દોડે છે, આવા એક પશુ પ્રેમમાંથી મુંદરામાં એક સંસ્થાનો જન્મ થયો છે, જેનું નામ છે ગૌરક્ષા સેવા ટ્રસ્ટ. મૂળ ઝરપરા ગામના અને નિવાસસ્થાન મંગરા, પણ જેની સવાર અને મોડી રાત સુધી મુંદરામાં પશુ સેવા માટે હાજરી હોય છે..., એવા ઝરપરાની શાળામાં સાતમા ધોરણ સુધીનો અભ્યાસ અને આઠમું ધોરણ મુંદરાની આર.ડી. હાઈસ્કૂલમાં ભણનારા રતન દેવણાંધ શેડા-ગઢવી નામનો એક યુવાન ખેડૂતપુત્ર છે. જે માત્ર ગૌવંશ નહીં, કોઈ પણ નાના-મોટા ઈજાગ્રસ્ત પશુ-પક્ષીને બચાવવા આવા રોજ ફોન ઉપાડે છે અને તેઓ તથા એમની ટીમ સ્થળ પર દોડી જાય છે. આઠ વર્ષ પહેલાં પશુ-પક્ષીઓને સારવાર માટે પહોંચાડવાથી શરૂ થયેલાં કાર્યની સફર આજે લોકો - સંસ્થાઓ તેમજ આસપાસની ખાનગી કંપનીઓના સહયોગથી એક સ્વતંત્ર સંસ્થામાં સારવાર કેન્દ્ર સુધી પહોંચી છે. કચ્છમિત્રએ મુલાકાતમાં રતનભાઇને પ્રશ્ન પૂછ્યો કે, `તમે મૂળ શું કામ કરતા હતા ને અને આવો વિચાર કેમ આવ્યો ?' તો એમણે કહ્યું કે, અદાણી પોર્ટમાં લોડર ચલાવતો હતો, પછી આગળ વ્યવસાય વધ્યો અને અત્યારે પણ ચાલે છે, પરંતુ ચાર ભાઈ સાથેના પરિવારનો સાથ મળેલો છે એટલે આખો દિવસ ગૌસેવા પાછળ સમય આપી શકું છું. ડ્રાઇવરનું કામ કરતો ત્યારે ટ્રેન અને વાહનો નીચે ગાયોને કચડાતા જોયા અને હૃદય દૃવી ઊઠયું. શરૂઆતમાં પ્રાગપર આહિંસાધામમાં આવા પશુઓને પહોંચાડીને સેવાકાર્ય શરૂ કર્યું. થોડા મિત્રો સાથે મળ્યા એમાં જયેશ વોરા સક્રિય રીતે સેવામાં જોડાયેલા હતા, પણ હવે રાજકોટ ગયા. ભુજમાંથી નવી જથ્થાબંધ બજાર સમિતિના સ્વ. ફુલેશભાઈ માહેશ્વરી સહિતના મિત્રો માર્ગદર્શન આપતા. ઉપરાંત પ્રારંભમાં મુંદરાના અગ્રણી સલીમભાઈ જત, ધ્રુવરાજાસિંહ ચૂડાસમા, હિંમતાસિંહ સોઢા, નારાણભાઈ ગઢવી, સંજયભાઈ બાપટ વિગેરે સહયોગી રહ્યા છે. બાકી સેવા વારસામાં મળી છે. મારા દાદા મુંદરા પાંજરાપોળ માટે ઝરપરામાં  ફાળો એકત્ર કરવાની જવાબદારી સંભાળતા. ખારેકનો પાક થતો અને લાખો રૂપિયાનું દાન એકત્ર થતું પહોંચાડતા. ` પ્રવૃત્તિ આગળ કેવી રીતે વધી અને શું તકલીફનો સામનો કરવો પડ્યો? સહયોગ કેવો ?' એવું પૂછતાં તેમણે કહ્યું કે, 2017માં શરૂઆત, પછી કોરોનામાં પ્રાગપર પશુ કેન્દ્રમાં મુશ્કેલીઓને કારણે પશુ લેવાનું બંધ થયું. પશુસેવા માટે મુંદરામાં એક સ્થાન જોઈએ એવો નિર્ણય લેવાયો.  એક સમય એવો હતો કે, છોટા હાથી માટે બજાજ ફાઇનાન્સની લોન લીધી, ત્યારે શો-રૂમ મેનેજર પુનશીભાઈ ગઢવીએ રૂા. 80,000ની લોન અને બાકીના 40,000 પછી આપશો તો ચાલશે કહીને હપ્તા કરી દીધા ને સામે રૂા. 5000 ડીઝલ-બેટરીનો ખર્ચો આપી અને અમારું છોટા હાથીથી કામ શરૂ થયું. પ્રારંભમા મુંદરા પૂરતી સેવા શરૂ કરી, એમાં મુંદરા નગરપાલિકા, અદાણી ગ્રુપ સહિતની ખાનગી કંપનીઓનો સહયોગ મળ્યો. લમ્પી રોગચાળા સમયે બહુ વિકટ સ્થિતિ આવી, પણ બારોઈ માલી સમાજવાડીમાં ગૌસેવા ચાલુ રાખી. હરેશભાઈ માલી, હિંમતાસિંહ સોઢા, આરએસએસની ટીમ પણ જોડાઈ. બિલકુલ શરૂઆતમાં તો અમારી ટીમ આપસમાં ખર્ચો વહેંચી લેતી, પછી લોકો સંસ્થાઓની મદદ મળી. 2018માં અદાણી ફાઉન્ડેશને એમ્બ્યુલન્સ આપી. પહેલો શેડ પણ અદાણી ગ્રુપે બનાવી આપ્યો. 2021માં ઝરપરાના ખેડૂત નારાણભાઈ ગઢવીએ વધુ એક એમ્બ્યુલન્સ આપી. અત્યારે ઈજાગ્રસ્ત કે બીમાર પશુને લાવવાનાં બે વાહન છે. 2021માં ટ્રસ્ટ બન્યું. દરમિયાન મોટાં દાનનો પણ પ્રવાહ વહી રહ્યો છે. ડો. પ્રકાશ મુનિ . સા.નો ચાતુર્માસ  થયો ત્યારે જીવદયા માટે રૂા. 13 લાખ એકત્ર થયા. ઉપરાંત વિદેશથી કુવૈત ગુજરાતી ગૌસેવા ગ્રુપના 81000 રૂા., નવનીત ફાઉન્ડેશનના બે લાખ રૂા., જિગરભાઈ છેડાએ એમના પિતા સ્વ. તારાચંદભાઈ છેડાની સ્મૃતિમાં રૂા. 51000 આપ્યા હતા. અહીં પીઆઇ તરીકે આવેલા વલયભાઈ વૈદ્ય, હાર્દિકભાઈ ત્રિવેદી અને અત્યારે જે. વી. ધોળા સહિત પોલીસ ટીમ પણ વિવિધ સાધનો આપીને મદદ કરે છે. સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજે પણ મુલાકાત લઈ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. ગાંધીધામ ગૌસેવા ક્ષેત્રના રાજભા ગઢવીનો પણ સહયોગ અને માર્ગદર્શન મળે છે. ઉપરાંત મુંદરાના પટેલ મિત્રમંડળ, મારવાડી મંચ મુંદરા શાખા, સુંદરકાંડ પાઠ સમિતિ, કારવાંને મુસ્તફા ટ્રસ્ટનો પણ સહયોગ મળે છે. લોકોનો વિશ્વાસ વધતો ગયો અને આજે જૂના બંદર રોડ પર આવેલા સારવાર કેન્દ્રમાં રૂા. 40 લાખના ખર્ચે નવો શેડ બની રહ્યો છે. શેડમાં પણ મારવાડી મંચ, ગઢવી, જૈન, પટેલ એમ વિવિધ સમાજનો સહયોગ છે. `અત્યારે કેટલા પશુઓ આશરો લઈ રહ્યા છે અને ખર્ચને  કેવી રીતે પહોંચી વળો છો ?' એવા એક પ્રશ્ન પર તેમણે કહ્યું કે, આજે લગભગ 200થી 250 નિરાધાર ગૌવંશ, નીલગાય, પશુ-પક્ષી, સસલા બધા મળીને આશરો લે છે. એમાંથી 150 તો ગંભીર બીમારી ધરાવતા પશુ છે. જે બિલકુલ ચાલી શકે અને એમની દૈનિક ક્રિયા એક સ્થાને થાય છે. મહિનાનો રૂા. 32 હજારનો ડીઝલનો ખર્ચો છે. રોજનો લગભગ 4500 રૂા.નો લીલાચારાનો અને બાકી રૂા. 2200નો  સૂકાચારાનો ખર્ચ છે. દવા અને માણસોના પગારના વિગેરે ખર્ચા અલગ,  પણ લોકોના સહયોગથી આગળ વધવાનો ભરોસો છે. ઝરપરા, નવીનાળ, શિરાચા વગેરે ગામમાંથી ચારો આવી જાય, પણ બીમાર પશુઓને લીલોચારો વધુ જોઈએ અને મેડિકલ ખર્ચ પણ વધે છે. આસપાસની કંપનીમાંથી વધુ સહયોગની અમે અપીલ કરીએ છીએ. `કઈ રીતે કામ કરો છો અને કોણ ટીમમાં રહે છે ?' એવા  પ્રશ્નોના જવાબમાં કહ્યું કે, જ્યારે ફોન આવે ત્યારે એક ડોક્ટર સાથે રહે છે. મારી સાથે કરણાસિંહ રાઠોડ, રમેશ ધેડા, શંકરાસિંહ વાઘેલા, કુણાલાસિંહ પરમાર, ભવ્યગિરિ ગોસ્વામી, શકુરભાઈ વિગેરે સ્વૈચ્છિક સેવાથી પહોંચી જાય છે. ઉપરાંત અમારી ટીમમાં ડો. વૈભવ ગાલા, ઇમરાનભાઈ બાવા, હસમુખભાઈ, વંકાભાઇ રબારી, દિનેશભાઈ, હાજાભાઈ વગેરે પણ હોય છે. સ્થળ ઉપર થોડી સારવાર બાદ સેવા કેન્દ્રમાં સતત ડોક્ટર હાજર હોય છે. અમે જે કંઈ કાર્ય કરીયે અને કોઈ દાન આવે તો એની નોંધ પણ ઈન્સ્ટાગ્રામ - ફેસબુકમાં યામિનીબેન દિનેશભાઈ માલમ દ્વારા મૂકવામાં આવે છે. સંસ્થાને જીવદયા માટે 2020-'21માં એંકરવાલા આહિંસા ટ્રસ્ટ એવોર્ડ, ઉપરાંત અદાણી ફાઉન્ડેશનનો પણ એવોર્ડ મળ્યો છે. અમારા ટ્રસ્ટી મંડળમાં અત્યારે સક્રિય રીતે હું પોતે ઉપરાંત શક્તાસિંહ દિલુભા વાઘેલા, રમેશ મેઘજી ધેડા, ભવ્યગિરિ કિશોરગિરિ ગોસ્વામી, કરણ જગદીશ રાઠોડ, હરિભા રણાસિંહ શેખડિયા સેવા આપી રહ્યા છે. હવે 400 પશુની ક્ષમતાનો નવો શેડ બને છે, જેથી વધુ પશુઓને અમે લોકસહયોગથી સારવાર આપી શકીશું એવી શ્રદ્ધા સાથે આગળ વધી રહ્યા છીએ.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang