• શુક્રવાર, 12 એપ્રિલ, 2024

વિદ્યુતીકરણ ઈફેક્ટ : મુંબઈ-ભુજમાં ટ્રેનોનું વહેલું આગમન

ગાંધીધામ, તા. 23 : રેલવે દ્વારા દેશભરમાં ટ્રેનના વિદ્યુતીકરણની કામગીરી કરવાના ધ્યેય સાથે કામગીરી ચાલી રહી છે, જેમાં છેવાડાના કચ્છમાં ભુજ સુધી ઈલેક્ટ્રિફીકેશનની કામગીરી પૂર્ણ થઈ છે, તેની અસરથી ટ્રેનો ગંતવ્યસ્થાને વહેલી પહોંચી રહી છે. જો કે, સમય સારણીમાં બદલાવ હજુ નહીં આવે, રાબેતા મુજબ થતો હશે ત્યારે થશે. બીજી બાજુ માલવાહક ટ્રેનોની ઝડપ પણ વધી છે. વિદ્યુતીકરણથી રેલવેના ટ્રેન સંચાલનનો ખર્ચ પ્રતિદિન પાંચ ગણો ઓછો થયો છે. અમદાવાદથી ભુજ સુધી વિદ્યુતીકરણની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. રેલવે દ્વારા તાજેતરમાં તમામ પ્રવાસી ટ્રેનોને ઈલેક્ટ્રિક એન્જિનથી દોડાવવાની શરૂઆત કરવામાં આવી છે. ઈલેક્ટ્રિક એન્જિનના કારણે ઈંધણ ભરવાની કામગીરીમાં થતાં 10થી 15 મિનિટના સમયની બચત થઈ છે. ઈલેક્ટ્રિક એન્જિનના કારણે ટ્રેનની ઝડપ તો યથાવત્ છે. અમદાવાદ સુધીના સેકશનની ઝડપ 110 કિલોમીટરની છે, જેથી ટ્રેન તે ઝડપે દોડે છે, જ્યારે અમદાવાદ બાદ ટ્રેકની ઝડપ 130 કિલોમીટરની છે. કચ્છમાં ટ્રેકની ઝડપ વધારવાની દિશામાં કામગીરી ચાલી રહી છે. જો કે, તેમાં સમય લાગશે. ટ્રેકની ઝડપમાં વધારો થયા બાદ પ્રવાસનો સમય વધુ બચશે, તેવું જાણકારો જણાવી રહ્યા છે. હાલ ઈંધણ પૂરવાના સમયમાં થયેલી બચતના કારણે મુંબઈ અને ભુજથી આવતી-જતી ટ્રેન ગંતવ્યસ્થાને 10થી 15 મિનિટ વહેલી પહોંચે છે. નિયમ મુજબ રેલવેની સમય સારણીમાં જુલાઈ મહિનામાં ફેરફાર કરવામાં આવતા હોય છે. વિદ્યુતીકરણની કામગીરીના કારણે હાલ જે 10થી 15 મિનિટનો ફેરફાર થયો છે, તેમાં બદલાવ જુલાઈ મહિના બાદ આવશે. જો કે, જે પણ સમયમાં ઘટાડો થયો છે, તેમાં રેલવે દ્વારા ભુજ કે મુંબઈથી ઉપાડવાનો સમય મોડો કરવામાં આવશે. હજુ પણ ગોપાલપુરી સ્ટેશન બન્યા બાદ વધુ 20 મિનિટના સમયની ભવિષ્યમાં બચત થશે. વિદ્યુતીકરણથી રેલવેને ઈંધણથી થતા ખર્ચમાં પાંચ ગણો ઘટાડો થયો છે. જો કે, ભુજથી અમદાવાદ સુધીના સેકશનમાં વીજળીનો કેટલો વપરાશ દૈનિક થાય છે, તેનો આંક હજુ સુધી રેલવે પાસે ઉપલબ્ધ નથી. રેલવે દ્વારા ગેટકો પાસેથી પાવર સપ્લાય લેવામાં આવી રહ્યો છે. - રેલવેના 100 જેટલા પાયલોટ સહાયક પાયલોટની તાલીમ બાકી : ગાંધીધામ, તા. 23 : કચ્છમાં રેલવેમાં પાયલોટ અને  સહાયક પાયલોટની સંખ્યા 617 જેટલી છે. વર્ષ 2021માં મહેકમમાં થયેલા ફેરફારમાં 652નું મહેકમ મંજૂર થયું હતું. તેની સામે 35ની અછત છે, જેનું ભારણ વર્તમાન સ્ટાફ ઉપર છે. રેલવેના નિયમ મુજબ કેડરમાં પ્રતિ વર્ષ બદલાવ કરવાનો રહે છે, પરંતુ વર્ષ?2021 બાદ કેડરમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 617માંથી માત્ર 100 પાયલોટ અને સહાયક પાયલોટની તાલીમ બાકી છે. હાલ માલવાહક ટ્રેનમાં 100 ટકા વિદ્યુતીકરણ નથી થયું. જો કે, ભવિષ્યમાં પણ ક્યારેય 100 ટકા ઈલેક્ટ્રિક એન્જિન માલવાહક ટ્રેનમાં દોડાવવામાં નહીં આવે 80 ટકા ઈલેક્ટ્રિક એન્જિન અને 20 ટકા ડીઝલ એન્જિનથી ટ્રેનો દોડાવવામાં આવશે, જેથી ભવિષ્યમાં ઈલેક્ટ્રિક લાઈનમાં કોઈ ખામી સર્જાય તો પરિવહન અટકે નહીં. હાલ માલવાહક ટ્રેન ઈલેક્ટ્રિક એન્જિનના કારણે ટ્રેન શરૂ ઉપડયા બાદ તાત્કાલિક ઝડપથી દોડી શકે છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang