• શનિવાર, 27 જુલાઈ, 2024

સુખદેવની હત્યા મુદ્દે સીટની રચના

જયપુર, તા. 6 : રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવસિંહ ગોગામેડીની પ ડિસેમ્બરે જયપુરમાં તેમના ઘરમાં ઘૂસીને ગોળી મારીને સનસનીખેજ હત્યા મામલે પોલીસે બે આરોપીની ઓળખ કરી લીધી છે. એમાંથી એક શૂટર મકરાણાનો રોહિત અને બીજો હરિયાણાના મહેન્દ્રગઢનો રહેવાસી નીતીન ફૌજી છે. નીતીન હાલ સેનામાં છે. તેણે જ ગોગામેડીના માથામાં ગોળી મારી હતી. આ હત્યાકાંડની તપાસ માટે રાજસ્થાન પોલીસે એસઆઈટીની રચના કરી છે. ગોગામેડીની હત્યાને પગલે રાજપૂત સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. રાજસ્થાનમાં આજે જયપુર બંધનું એલાન કરાયું હતું. શાળાઓ પણ બંધ રહી હતી. ઠેર ઠેર દેખાવો કરાયા હતા અને વિરોધ રેલીઓ યોજાઈ હતી. ભીલવાડામાં ટ્રેન રોકાઈ હતી. ચિતોડગઢમાં દુકાનોમાં તોડફોડ કરાઈ હતી. ઉદયપુરમાં લોકોએ ટાયરો બાળીને વિરોધ નોંધાવ્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ મામલે રાજ્યપાલ કલરાજ મિશ્ર સાથે વાતચીત કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, નીતીન નવેમ્બરના રજા લઇને ઘરે (મહેન્દ્રગઢ) આવ્યો હતો. પછી તે ચાલ્યો ગયો હતો. પરિવારજનોને નીતીન કયાં ગયો તે વિશે જાણકારી નહોતી. ગોગામેડી હત્યાકાંડનો વીડિયો જોઇને પરિવારજનોએ નીતીનને ઓળખી કાઢયો હતો. શૂટર નીતીન પંજાબની બઠિંડા જેલમાં કેદ લોરેંસ બિશ્નોઇ ગેંગના ગેંગસ્ટર સંપત નેહરાના સંપર્કમાં હતો. સંપત નેહરા પર આ હત્યાકાંડનું કાવતરું ઘડવાની આશંકા છે. તેની જાણ થતાં રાજસ્થાન પોલીસે હરિયાણામાં દરોડો પાડયો. ઉપરાંત રાજસ્થાન સહિત ઉત્તરપ્રદેશ, પંજાબ અને મધ્યપ્રદેશમાં પણ આ બનાવ સંબંધિત અન્ય આરોપીઓની તપાસ ચાલુ છે. બીજી તરફ આ હત્યાકાંડ બાદ આરોપીઓ સામે કાર્યવાહીની માંગને લઇને દેશભરમાં પ્રદર્શન થઇ?રહ્યા છે. રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાએ રાજસ્થાન બંધનું એલાન કર્યું હતું. જેથી રાજ્યભરમાં બજારબંધ છે. જયપુર શહેરમાં લો-ફ્લોર બસો બંધ કરી દીધી છે. ખાનગી શાળાઓએ પણ બંધને સમર્થન આપ્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang