• શનિવાર, 27 જુલાઈ, 2024

ચૂંટણીવાળા પાંચ રાજ્યમાંથી મળ્યો `દલ્લો'

આનંદ કે. વ્યાસ તરફથી

નવી દિલ્હી, તા.20 : ચૂંટણીપંચે આજે જણાવ્યું હતું કે વિધાનસભા ચૂંટણીવાળા પાંચ રાજ્યમાંથી અત્યાર સુધીમાં 1760 કરોડના મૂલ્યના શરાબ, નશીલાં દ્રવ્ય, રોકડ અને કિંમતી ધાતુઓ જપ્ત કરવામાં આવ્યા છે. આ બધી જ વસ્તુઓ મતદાતાઓને રીઝવવા માટે વહેંચવામાં આવી છે. આ ચીજોને નવમી ઓક્ટોબરથી જપ્ત કરવામાં આવતી હતી. આ જ દિવસથી પંચે રાજ્યોની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. પંચે જણાવ્યું હતું કે 1760 કરોડનો આંક આ રાજ્યોમાં 2018ની વિધાનસભા ચૂંટણી દરમ્યાન ઝડપવામાં આવેલા જથ્થાથી સાતગણો વધુ છે એ ચિંતાજનક મુદ્દો છે. ગયા વખતે 239.15 કરોડની ચીજો જપ્ત કરવામાં આવી હતી. જપ્તીની રકમમાં તેલંગણામાંથી રૂા.659 કરોડ અને મધ્યપ્રદેશમાંથી 323 કરોડ રૂા.નો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે હાલમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણી પ્રક્રિયા ચાલુ છે. એમપી, છત્તીસગઢ અને મિઝોરમમાં મતદાન પૂર્ણ થયું છે જ્યારે રાજસ્થાનમાં પચ્ચીસમી નવેમ્બર અને તેલંગાણામાં 30 નવેમ્બરે મતદાન થશે. પંચ અનુસાર જે છ રાજ્યમાં આ પહેલાં ચૂંટણી થઈ હતી તે ગુજરાત, હિમાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મેઘાલય, ત્રિપુરા અને કર્ણાટકમાં 1400 કરોડની ચીજો જપ્ત કરવામાં આવી હતી. રાજસ્થાનમાં 93.17 કરોડની રોકડ, 51.29 કરોડનો દારૂ, 91.71 કરોડના ડ્રગ્સ, 73.36 કરોડની કિંમતી ધાતુ, 341 કરોડ રૂપિયાનો મફતનો સામાન સહિત કુલ 650.70 કરોડની રોકડ અને સામાન જપ્ત થયા છે. તેલંગણમાં 225.23 કરોડ રૂપિયા રોકડ, 86.82 કરોડનો દારૂ, 103.74 કરોડનું ડ્રગ્સ, 191.02 કરોડ રૂપિયાની કિંમતી ધાતુ, કુલ 659.20 કરોડની રોકડ અને સામાન જપ્ત કરવામાં આવ્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang