• શુક્રવાર, 26 જુલાઈ, 2024

સીટના હેવાલમાં ભોલેબાબાને ક્લીનચીટ

લખનઉ, તા. 9 : ચકચારી હાથરસ ભાગદોડ દુર્ઘટનાના સાત દિવસ બાદ વિશેષ તપાસ ટુકડી (સીટ)ના અહેવાલને પગલે યોગી આદિત્યનાથ સરકારે પહેલું પગલું ભરતાં એસડીએમ સહિત છ અધિકારીને સસ્પેન્ડ કર્યા હતા. સીટે ભોલેબાબાને ક્લીનચીટ આપી હતી. દરમ્યાન, હાથરસ મામલો આજે સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો. રાજ્ય સરકારે એસડીએમ રવીન્દ્રકુમાર, સીઓ આનંદકુમાર ઉપરાંત ઈન્સ્પેક્ટર આશિષકુમાર સહિતના અધિકારીઓને ફરજમોકૂફ કર્યા હતા. બીજીતરફ હાથરસ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી, જેમાં ઘટનાની તપાસ નિવૃત્ત ન્યાયાધીશની આગેવાનીમાં કરાવવાની માંગ કરવામાં આવી હતી. સીટે સરકારને સુપરત કરેલા અહેવાલમાં જણાવ્યું હતું કે, દુર્ઘટનામાં ષડયંત્રનો ઈન્કાર કરી શકાય નહીં  અને તેની ઊંડી તપાસની જરૂર છે. દુર્ઘટના આયોજકોની બેદરકારીને કારણે બની હતી. પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓએ આયોજનને ગંભીરતાથી લીધું ન હતું. અહેવાલમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, ભોલેબાબાના કાર્યક્રમના આયોજકોએ તથ્યોને છૂપાવી કાર્યક્રમની મંજૂરી મેળવી હતી. આયોજકોએ પોલીસ સાથે દુર્વ્યવહાર કર્યો હતો. પોલીસને કાર્યક્રમ સ્થળનું નિરીક્ષણ કરવાથી રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. દુર્ઘટના બાદ આયોજકો ઘટનાસ્થળેથી નાસી ગયા હતા.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang