• શુક્રવાર, 26 જુલાઈ, 2024

રશિયા ભારતના સુખ-દુ:ખનો સાથી

મોસ્કો, તા. 9 : યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રુસને ભારતના સુખ-દુ:ખનો સાથી લેખાવી બે દાયકાથી બંને દેશ વચ્ચેના સંબંધો મજબૂત રાખવા માટે રાષ્ટ્રપતિ વ્લાદીમિર પુતિનની પ્રસંશા કરી હતી. તે સાથે જ ભારતીય મૂળના લોકોને સંબોધતાં પડકારોને પડકારવું એ મારા ડીએનએમાં છે તેમ જણાવ્યું હતું. એક મીડિયા હેવાલ મુજબ, મોદીએ કહ્યું હતું કે, ભારત-રશિયાના સંબંધો વિશ્વાસ અને એકમેક પ્રત્યે આદરના મજબૂત સ્તંભ પર રચાયા છે, જેની ઘણી વખત પરીક્ષા લેવાઈ, તેમ છતાં તે વધુ ગાઢ બન્યા છે. યુક્રેન યુદ્ધને પગલે પશ્ચિમી દેશો દ્ધારા રશિયાના રાષ્ટ્રપતિને અલગ કરવાના પ્રયત્નો વચ્ચે મોદીએ પુતિનના નેતૃત્વની પ્રશંસા કરી હતી. મોસ્કો ખાતેના સંબોધનમાં મોદીએ જણાવ્યું હતું કે, એક મહિના પહેલાં મે ત્રીજી વખત શપથ ગ્રહણ કર્યા અને અનેક નવા સંકલ્પો સિદ્ધ કરવા સરકાર કાર્યરત છે. તેમજ પડકારોને પડકારવું એ મારા ડીએનએમાં છે તેમ જણાવ્યું હતું. ગત મહિને યોગ દિવસે રુસમાં હજારો લોકોએ ભાગ લીધો હતો. ભારતના તહેવારોને રુસી મિત્રો પણ મનાવે છે, જે દર્શાવે છે કે, ભારત-રશિયાની મિત્રતા અનોખી છે તેમ કહ્યું હતું અને યુદ્ધ વચ્ચે પણ ભારતીય છાત્રોને પરત લાવવામાં પુતિનની મદદ માટે આભાર માન્યો હતો. ભારત-રુસ વચ્ચેના સંબંધો પર વાત કરતાં મોદીએ જણાવ્યું હતું કે, સિર પે લાલ ટોપી રુસી, ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની...આ ગીત ઘર-ઘરમાં ગવાય છે. ગીત ભલે જૂનું છે, પણ લાગણી હજુ પણ અકબંધ છે. બંને દેશ વચ્ચેના સંબંધોની અનેકવાર કસોટી થઈ છે, પણ દરેક પડકારોને પાર કર્યા છે. ભારતને દુનિયાની ત્રીજી અર્થવ્યવસ્થા બનાવવાના સંકલ્પના રોડમેપને રજૂ કરતાં મોદીએ કહ્યું હતું કે, ત્રીજા કાર્યકાળમાં વિવિધ ત્રેવડા સંકલ્પોને સિદ્ધ કરવા અમારી સરકાર ત્રેવડી ગતિથી કામ કરશે તેમ જણાવી ભારતના વિકાસની રૂપરેખા વર્ણવી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang