• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

નવ રાજ્યમાં વરસાદ બન્યો આફત

નવીદિલ્હી, તા.9 : મહારાષ્ટ્ર સહિત નવ રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં મુશળધાર વરસાદે જનજીવન ખોરવી નાખ્યું છે. મુંબઈમાં ભારે વરસાદનાં કારણે શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી અને મુંબઈ યુનિવર્સિટીમાં આજે યોજાનારી તમામ પરીક્ષા ટાળી દેવામાં આવી હતી. હજી પણ 10 રાજ્યમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર ઉપરાંત આસામ, બિહાર, ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશના અનેક વિસ્તારોમાં વરસાદના રૌદ્રરૂપે કહેર મચાવી દીધો છે અને પૂરની સ્થિતિ પેદા થઈ ગઈ છે. જેમાં આસામનાં 28 જિલ્લામાં આશરે 23 લાખ જેટલી વસ્તી પૂરથી પ્રભાવિત થઈ હતી અને પૂરનો મૃત્યુઆંક વધીને 85 થઈ ગયો હતે. ઉત્તરાખંડના જોશીમઠ પાસે પહાડનો હિસ્સો બદ્રીનાથ હાઈવે પર પડતા હાઈવે બંધ કરવો પડયો હતો. આસામમાં પૂરની સ્થિતિમાં થોડો સુધારો થયો છે. જો કે, વધુ છ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 27 જિલ્લાઓમાં લગભગ 23 લાખ લોકો અસરગ્રસ્ત છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના દૈનિક પૂર અહેવાલ  મુજબ, ધુબરી જિલ્લાના બિલાસીપારા અને અગામોની રેવન્યુ વિભાગોમાં એક-એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. ગુવાહાટીમાં પ્રાદેશિક હવામાન કેન્દ્રે જણાવ્યું હતું કે આસામ અને તેના પાડોશમાં ચક્રવાતનું પરિભ્રમણ છે, જેનાં કારણે અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં છૂટાછવાયાં સ્થળોએ વાવાઝોડું અને વીજળી પડવાની શક્યતા છે. ઉત્તરાખંડ પણ ભારે વરસાદથી બેહાલ છે. અહીં ઉધમ સિંહ નગરના નાનક સાગરમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે.  નાનક સાગર ડેમનું પાણી હવે યુપીના ઘણા ભાગોમાં પૂરની સ્થિતિ વધુ ખરાબ કરી શકે છે. ઉત્તરાખંડમાં જોશીમઠ બદ્રીનાથ નેશનલ હાઇ વે પર આખી ટેકરી ધરાશાયી થઈ ગઈ છે. ડુંગર ધરાશાયી થવાને કારણે જોશીમઠ વિસ્તારમાં સંચાર વ્યવસ્થા ઠપ થઈ ગઈ છે. મહારાષ્ટ્રના અકોલાના ખરાપ ગામમાં કામ કરતા 14 મજૂર અચાનક જોરદાર કરંટમાં ફસાઈ ગયા. આ મજૂરોને દોરડાની મદદથી બચાવી લેવાયા હતા. મધ્યપ્રદેશમાં પણ વરસાદ અને પૂરનાં કારણે હાહાકાર મચી ગયો છે. સિહોરના માર્ગો પર એટલું પાણી ભરાઈ ગયું હતું કે જોરદાર પ્રવાહમાં વાહનો તરતાં હોય તેવું ચિત્ર દેખાઈ રહ્યું હતું. જિલ્લા હોસ્પિટલમાં પણ પૂરનાં પાણી ભરાઈ ગયાં હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang