• રવિવાર, 16 જૂન, 2024

પાંચમા તબક્કામાં 57.47 ટકા મતદાન

નવી દિલ્હી, તા. 20 : પૂર્ણતાના આરે ઊભેલી લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કા માટે સોમવારે ઉત્તરપ્રદેશ, બિહાર, ઓરિસ્સા સહિત આઠ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશની 49 બેઠક પર કુલ 57.47 ટકા મતદાન થયું હતું, જેમાં સૌથી વધુ 73 ટકા પશ્ચિમ બંગાળમાં, જ્યારે સૌથી ઓછું 48.88 ટકા મહારાષ્ટ્રમાં નોંધાયું હતું. 49 પૈકી 40 બેઠક પર એનડીએના વર્તમાન સાંસદ છે. પાંચમા તબક્કાના મતદાન બાદ રાહુલ ગાંધી, સ્મૃતિ ઈરાની, રક્ષામંત્રી રાજનાથ સિંહ, ઉમર અબ્દુલ્લા, ચિરાગ પાસવાન, પીયૂષ ગોયલ સહિતના દિગ્ગજોનું ભાવિ ઈવીએમમાં કેદ થયું છે. દરમિયાન, મહારાષ્ટ્રના મુંબઈમાં બોલીવૂડે પણ પોતાની ફરજ નિભાવી હતી, તો ગત તબક્કાની જેમ સોમવારે યોજાયેલા મતદાનમાં પણ બંગાળ અને ઓરિસ્સામાં હિંસાના બનાવો સામે આવ્યા હતા. પાંચમા તબક્કામાં બિહારમાં 52.60 ટકા, જમ્મુ કાશ્મીરમાં 54.49 ટકા, ઝારખંડમાં 63.00 ટકા, લદ્દાખમાં 67.15 ટકા, મહારાષ્ટ્રમાં 48.88 ટકા, ઓરિસ્સામાં 60.72 ટકા, ઉત્તર પ્રદેશમાં 57.79 ટકા અને પશ્ચિમ બંગાળમાં સૌથી વધારે 73 ટકા મતદાન નોંધાયું હતું. 49 લોકસભા બેઠક ઉપર કુલ 695 ઉમેદવાર મેદાનમાં છે. જેમાં મહારાષ્ટ્રની 13, ઉત્તર પ્રદેશની 14, પશ્ચિમ બંગાળની 7, બિહારની 5, ઝારખંડની 3, ઓરિસ્સાની 5 અને જમ્મુ કાશ્મીર તેમજ લદ્દાખની 1-1 બેઠક સામેલ છે. પાંચમા તબક્કામાં 9.47 લાખ કર્મચારીઓ દ્વારા ચૂંટણી પ્રક્રિયાનું સંચાલન કરવામાં આવ્યું હતું. સોમવારે યોજાયેલા મતદાન માટે કુલ 8.95 કરોડથી વધારે મતદાતા નોંધાયા હતા, જેમાં 100થી વધુ વયના 24,792 મતદાતા રજિસ્ટર હતા. બંગાળના હુગલીના આરામબાગમાં ટીએમસી નેતા ઉપર કથિત રીતે ભાજપ કાર્યકર્તાઓએ હુમલો કરી દીધો હતો, જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઉપરાંત ખાનકુલમાં પણ કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. હાવડા જિલ્લાના ઉલુબેરિયા અને સાલકિયામાં પણ ભાજપ અને ટીએમસી નેતાઓ સામસામે આવી ગયા હતા. બીજીબાજુ ઓરિસ્સામાં અજ્ઞાત લોકોએ બારગઢ જિલ્લાના સરસરા પાસે ઓટોરિક્ષા ચાલકની હત્યા કરી દીધી હતી. જો કે, ચૂંટણી અધિકારીએ કહ્યું હતું કે, હત્યાનો બનાવ ચૂંટણી સંબંધિત હિંસા નથી. મતદાન કેન્દ્રની બહાર બનાવ બન્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang