• બુધવાર, 22 મે, 2024

શેરબજારમાં અમૃતપર્વ

મુંબઇ, તા. 10 : બે વખત 75 હજારના વિક્રમી સ્તરને અડકીને પરત આવેલો મુંબઇ શેર બજારનો સેન્સેક્સ આજે 354 અંક વધીને 75 હજારની ઉપર પહેલી વખત બંધ આવ્યો હતો. આજની સર્વકાલીન ટોચને સર કરવાની સફરમાં રોકાણકારોની મૂડી રૂા. 2.27 લાખ કરોડ જેટલી વધી હતી. બીજી તરફ, એફએમસીજી, એનર્જી અને મેટલ શેરોની તેજીથી નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફટી પણ સર્વકાલીન ટોચે બંધ આવ્યો હતો. છેલ્લા થોડા દિવસથી તેજીથી ધગધગતી બજારે આજે લગાવેલી નવી છલાંગને કારણે મુંબઇ શેરબજારનું માર્કેટ કેપ રૂા. 2,27,024.52 કરોડ વધીને રૂા. 4,02,19,353.07 કરોડ થયું હતું. 30 શેરનો સૂચકાંક સેન્સેક્સ 75038.15 ઉપર બંધ થયો તે પહેલાં કારોબાર દરમ્યાન એક તબક્કે 421.44 અંક જેટલો ઉછળીને 75105.14 સુધી ઊંચે ગયો હતો. એનએસઇનો નિફટી 11505 અંક વધી 22,753.80ની નવી વિક્રમી ટોચે બંધ આવ્યો તે પહેલાં 132.95 અંક ઉછળીને સર્વકાલીન 22775.70ને સ્પર્શ્યો હતો. બેન્ક નિફ્ટી 256.05 અંક (0.53 ટકા) વધીને 48,986.60 અંક ઉપર બંધ રહ્યો હતો. ગુરુવારે રમજાન ઈદની જાહેર રજાને કારણે બીએસઈ-એનએસઈ ઈક્વિટી માર્કેટ બંધ રહેશે. લગભગ 1761 શેર વધ્યા હતા. 1617 શેર ઘટયા હતા અને 81  શેર સ્થિર રહ્યા હતા. નિફ્ટીમાં કોલ ઈન્ડિયા, બીપીસીએલ, કોટક મહિન્દ્રા બેન્ક, આઈટીસી અને હિન્દાલ્કોના ભાવ સૌથી અધિક વધ્યા હતા, જ્યારે સિપ્લા, મારુતિ સુઝુકી, એચડીએફસી લાઈફ, ડિવિઝ લેબ્સ અને એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સના ભાવ સૌથી વધુ ઘટયા હતા. ફાર્મા ક્ષેત્રને છોડીને મીડિયા, પીએસયુ બેન્ક, એફએમસીજી, મેટલ, ઓઈલ  એન્ડ ગેસ એકથી બે ટકા વધ્યા હતા. બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ દરેક 0.5 ટકા વધ્યા હતા. જીઓજિત ફાઈનાન્સિયલના વિનોદ નાયરે જણાવ્યું હતું કે, બુધવારે ભારતીય બજારોએ  એશિયન અને યુરોપિયન બજારોને પાછળ છોડીને તેની શાનદાર તેજી ચાલુ રાખી હતી અને વિસ્તૃત બજારમાં મજબૂત દેખાવ કર્યો હતો. બજારના ખેલાડીઓ હવે અમેરિકન ફેડની મિનટ્સ અને અમેરિકાના ફુગાવાના આંકડાની રાહ જોઈ રહ્યા છે. અમેરિકાના રોજગારીના આંકડા મજબૂત આવતાં, ફુગાવો વધવાની અને નજીકના સમયમાં વ્યાજદર નહીં ઘટવાની શક્યતા દેખાઈ રહી છે. નિફ્ટી માટે 22,700-22750 આસપાસ પ્રતિકાર છે, જ્યારે 22,600 પાસે ટેકો છે. નિફ્ટી 22,750ની સપાટીને મજબૂતીથી કૂદાવશે, તો ટૂંકા ગાળામાં   તેની 23000 તરફની યાત્રા શરૂ થઈ જશે. બજાર રેંજબાઉન્ડ રહેવાની શક્યતા હોવાથી ઘટાડે ખરીદી કરવાની અને ઉછાળે વેચવાની વ્યૂહરચના અપનાવી શકે, યોગ્ય સ્ટોપલોસ રાખવો જરૂરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang