ગાંધીધામ, તા. 6 : ભચાઉ તાલુકાના કુંભારડી-શિકરા વચ્ચે કારની આગળ પોતાની કાર ઊભી રાખી ત્રણ શખ્સોએ એક યુવાન તથા ગર્ભવતી મહિલાને માર માર્યો હતો. ભચાઉમાં રહેતા ફરિયાદી ભાનુબેન કાનજી હીરા રાઠોડ ગર્ભવતી હોવાથી તે અને તેમના પતિ દવા અર્થે ભુજ ગયા હતા. ત્યાંથી તા. 2/12ના પરત આવતી વેળાએ કુંભારડી-શિકરા વચ્ચે બંધ ટોલનાકા પાસે પહોંચ્યા હતા. ત્યાં એક કાર આવી હતી જેમાંથી રમેશ રવા દાફડા અને અન્ય બે અજાણ્યા શખ્સો નીચે ઉતર્યા હતા. આ શખ્સોએ યુવાનને તથા તેના પત્નીને માર માર માર્યો હતો. દરમ્યાન કાનજી રાઠોડે 100 નંબર ઉપર ફોન કર્યો હતો અને ભચાઉ પોલીસ મથકે પહોંચી બનાવની જાણ કરી હતી. તેવામાં તેમના પત્નીની હાલત ખરાબ થતાં તેમને સારવાર અર્થે લઈ જવાયા હતા, પોલીસે આ અંગે ફરિયાદ નોંધી આગળની તપાસ હાજ ધરી છે.