• શનિવાર, 27 જુલાઈ, 2024

ભુજના ચાર મિત્ર અજરબૈજાન ફરવા નીકળ્યા પણ અ'વાદી એજન્ટે નવડાવ્યા

ભુજ, તા. 20 : અહીંના ચાર મિત્રોએ વિદેશ અજરબૈજાન ફરવા જવા અમદાવાદના ટૂર ઓપરેટર્સ પાસે પેકેજ બુક કરાવી એડવાન્સ રૂા. 1,04000 આપ્યા બાદ પોતાના ખર્ચે દિલ્હી પહોંચ્યા બાદ તપાસ કરતાં ત્યાં તેઓની ટિકિટ જ બુક નહોતી. આમ આવા-જવા ખર્ચ ઉપરાંત 1.04 લાખની ઠગાઈ થતાં ફરિયાદ નોંધાવાઈ છે. આ અંગે એ-ડિવિઝન પોલીસ મથકે દિગ્વિજયસિંહ ચંદનસિંહ ગોહિલે નોંધાવેલી ફરિયાદ મુજબ તે તેમજ તેમના ત્રણ મિત્રોએ વિદેશ અજરબૈજાનના બાકુ શહેરમાં ફરવા માટે ફરિયાદીના ઓળખીતા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના  એજન્ટ એવા અમદાવાદના જિગર જિતેન્દ્ર દવે પાસે એર ટિકિટ, વિઝા અને સંપૂર્ણ સગવડ સહિતનું પેકેજ રૂા.2.10 લાખમાં બુક કરાવ્યા બાદ એડવાન્સ પેટે રૂા. 75,000 ગૂગલ પે કર્યા હતા અને અમદાવાદથી દિલ્હીની ટિકિટ માટે રૂા. 4000 ખૂટતા હોવાનું કહેતાં તે પણ આપ્યા હતા. ત્યારબાદ એક ટિકિટદીઠ રૂા. 25000 એડવાન્સ આપવાના હોવાનું જણાવી વધુ રૂા. 25000 પણ ગૂગલ પેથી જિગરને ટ્રાન્સફર કર્યા હતા. જિગરે દિલ્હીથી બાકુની ફ્લાઈટની ટિકિટ વોટ્સએપથી મોકલી હતી અને ટૂર પ્લાન પ્રમાણે અમદાવાદ પહોંચતાં ત્યાં જિગર મળ્યો ન હતો અને તેને ફોન કરતાં કહ્યંy  કે, તમે દિલ્હી તમારી રીતે પહોંચી જાવ, તેના રૂપિયા અમારા પેમેન્ટમાંથી બાદ કરી લેજો, આથી ચારે મિત્રો રૂા. 40,564ની ટિકિટ ખર્ચી દિલ્હી પહોંચ્યા અને દિલ્હીથી બાકુની ટિકિટ ઓથોરિટી દ્વારા ચેક કરતાં આવી કોઈ ટિકિટ બુક થઈ ન હોવાનું સામે આવ્યું હતું. આથી જિગરને ફોન કરતાં તેણે ફોન રિસીવ કર્યો ન હતો અને ફોન બંધ કરી દીધો હતો. ચારે મિત્રો દિલ્હીથી અમદાવાદ પરત ફલાઈટની ટિકિટના રૂા. 15,856 ખર્ચીને આવ્યા હતા. ટેકસી અને હોટેલમાં રોકાયા તેનો આશરે ખર્ચો રૂા. 40,000 થયો હતો. આમ રૂા. 96,420નો ખર્ચો અને રૂા. 1,04,000ની જિગર દવેએ ઠગાઈ કર્યાની ફરિયાદ નોંધાવાઈ છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang