• રવિવાર, 21 જૂન, 2026

હાજીપીર : ટ્રકચાલકનાં અપહરણની વિગતો મળતાં પોલીસ એક્શનમાં આવી

ભુજ, તા. 20 : ગઈકાલે સાંજે હાજીપીર પાસેથી આડા સંબંધની શંકામાં ટ્રકચાલકનું નવ જણે ઈકો ગાડીમાં અપહરણ કરતાં આ અંગે 112 જનરક્ષકને જાણ કરાતાં પોલીસે ગંભીરતા લઈ વાયોર પાસેથી આરોપીઓને દબોચી લઈ અપહ્યતને મુક્ત કરાવાયાનો પોલીસની દોડધામનો બનાવ સામે આવ્યો છે. આ અંગે હાજીપીર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ અને પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી સારીયન હારૂન ચુડાસમા ગઈકાલે સાંજે હાજીપીર આર્ચિયન કંપનીમાં ટ્રક લોડિંગ માટે મામાઈ ભાઈ સાથે ગયો હતો અને ચાર રસ્તા ખાતે ચા-નાસ્તાની હોટેલ પાસે હતો ત્યારે પાછળથી અચાનક આરોપીઓ ત્યાં ધસી આવી જણાવ્યું કે, તું અમારા પરિવાર દીકરીને શા માટે ફસાવે છે અને તારે તેની સાથે આડા સંબંધ છે તેવો વહેમ રાખી આરોપીઓએ માર મારી બળજબરીપૂર્વક તેઓના કબજાની ઈકો ગાડી નં. જીજે-12-ડીએસ-8375વાળીમાં બેસાડી અપહરણ કરી લઈ ગયા હતા. આ બનાવ અંગે મામાઈ ભાઈ સુલતાને જનરક્ષક 112ને ફોન કરી વિગતની વર્ધી આપતાં પોલીસે બનાવની ગંભીરતાને ધ્યાને લઈ ગાડી માલિકના નંબર મેળવી લોકેશન ટ્રેસ કરતાં લોકેશન વાયોર બાજુ ટ્રેસ થતાં વાયોર પોલીસ મથકના પીએસઆઈ શ્રી ગોહિલને બનાવથી અવગત કરતાં વાયોર પોલીસે ઈકો કારમાંથી અપહ્યત ફરિયાદી તથા તમામ નવ આરોપી આમદ અલીમામદ મંધરા, સિધિક ઓસમાણ મંધરા, અબ્દુલરજાક જાફર લુહાર, સાહિલ આમદ મંધરા, ઈશાક ઉમર મંધરા, ઉમર અદ્રેમાન મંધરા, મામદ હુસેન સિધિક મંધરા (રહે. તમામ ધુફી) અને રમજાન આમદ મંધરા તથા કાસમ આમદ મંધરા (રહે. બંને બિટ્ટા)ને રોડ પરથી શોધી વાયોર પોલીસે મથકે લઈ આવીને હાજીપીર પોલીસને જાણ કરી તેનો કબજો સુપરત કર્યો હતો. હાજીપીર પોલીસ મથકે ફરિયાદીએ બનાવ અંગે ફરિયાદ દાખલ કરતાં પોલીસે વિવિધ કલમો તળે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી અટક કરી હતી. આ કામગીરીમાં હાજીપીરના પીએસઆઈ એચ.સી. પરમાર, એએસઆઈ કિશોરસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ પરમાર, યુએસસી દિનેશભાઈ ચૌધરી, કિરણભાઈ નાયી જોડાયા હતા. 

Panchang

dd