ભુજ, તા. 22 : તાલુકાના મિરજાપર બસ સ્ટેશનથી
સુખપર તરફ જતા હાઈવે પર રહેણાક વિસ્તારમાં બનાવાયેલી 50થી વધુ અનધિકૃત દુકાનો સીલ કરવા આવતીકાલે
ભુજ વિસ્તાર વિકાસ સત્તામંડળ દ્વારા કાર્યવાહી હાથ ધરાવાની હોવાથી દુકાનદારોમાં ફફડાટ
વ્યાપ્યો છે. જાણકાર સૂત્રોના જણાવ્યા અનુસાર
મિરજાપર ગામના સર્વે નં. 3 પૈકી એકમાં
73 જેટલા હાઈવે પરના પ્લોટ રહેણાક
વિસ્તારમાં આવે છે, પરંતુ ભૂકંપ
પહેલાં અંદાજે 30 વર્ષ અગાઉ
આ જમીન પર કોમર્શિયલ દુકાનો બની ગઈ છે, જેમાં કાર એસેસરીઝ, એલ્યુમિનિયમ સેક્શન, કલર, સર્વિસ સ્ટેશન, સોફા રિપેર
સહિતના ધંધાર્થીઓના 300 જેટલા પરિવારો
રોજગારી મેળવી રહ્યા છે, જે દુકાનોને
ભાડા દ્વારા બિનઅધિકૃત બાંધકામો મુદ્દે નોટિસ આપી આવતીકાલે સીલ કરવાની કામગીરી હાથ
ધરવામાં આવનારી છે. આ વિસ્તારના વેપારીઓના જણાવ્યા અનુસાર આ દુકાનો ભૂકંપ પહેલાં એટલે
કે, 30 વર્ષ કરતાંય વધુ સમયથી અગાઉ
ભાડા ન હોવાથી ગ્રામ પંચાયતની મંજૂરી મેળવ્યા બાદ બનાવાઈ છે. તેમ છતાં નાના-મોટા વેપારીઓને
હેરાન કરવા આ કામગીરી હાથ ધરવામાં આવતી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે, તો આ મુદ્દે કેટલાક વેપારીઓએ કોર્ટમાં પણ મનાઈ
હુકમ મેળવવા અરજી કરી છે, પરંતુ હજુ કોઈ જવાબ મળ્યો ન હોવાથી
આ કાર્યવાહી થશે જ. બીજી તરફ તાજેતરમાં ગામમાં યોજાયેલી ચૂંટણી દરમ્યાન મળેલી હાર બાદ
આ કાર્યવાહી થઈ રહી હોવાનો આક્ષેપ પણ કેટલાક વેપારીઓ કરી રહ્યા છે. દરમ્યાન આ અંગે
ભાડાના સીઈઓ અનિલ જાદવને સંપર્ક સાધતાં તેમણે આ બાબતે સમર્થન આપી અંદાજે 40 જેટલા દુકાનદારોને બિનઅધિકૃત
બાંધકામ મુદ્દે નોટિસ અપાઈ હોવાનું જણાવ્યું હતું તેમજ તપાસ દરમ્યાન વધુ દુકાનો જણાશે
તો તેમને પણ સીલ મારવામાં આવશે.