ગાંધીધામ, તા. 21: અંજાર તાલુકાના લાખાપર ગામની
સીમમાં આવેલી કંપનીમાંથી રૂા. 1,06,000ના
ચાર એ.સી.ની ચોરી થઈ હતી. જે અંગે પોલીસે સીસીટીવી સહિતની મદદથી ચાર શખ્સને ઝડપી પાડી
તમામ મુદ્દામાલ જપ્ત કર્યો હતો. લાખાપરની સીમમાં આવેલી ડી.ડી.એલ. કંપનીમાં ગત તા. 13/7ના વહેલી સવારે આ બનાવ બન્યો
હતો. કંપનીના પ્લાન્ટ-1માં એ.સી.
લગાવવાના હોવાથી હિટાચી કંપનીના ચાર એર કંડિશનર મગાવીને અહીં મૂકવામાં આવ્યા હતા. પાછળના
ગેટ પર ચોકીદાર ફ્રેશ થવા જતાં પાછળના આ દરવાજાથી ઈકો ગાડી ઘૂસી હતી, જેમાં આવેલા શખ્સોએ રૂા. 1,06,000નાં ચાર એ.સી.ની ચોરી કરી નાસી
ગયા હતા. આ બનાવ સી.સી.ટી.વી. ફુટેજમાં આવી ગયો હતો. તા. 13/7ના બનેલા આ બનાવ અંગે ગઈકાલે
રાત્રે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે તપાસ હાથ ધરી અંજારના સાહિલ હુસેન સાંધાણી, જુમ્મા હુસેન સાંધાણી, રજાક હાસમ ચંગમ, રમેશ હરેશ કોળીની ધરપકડ કરી ચારેય એ.સી. તથા બનાવમાં વપરાયેલી કાર જપ્ત કરી
હતી.