• બુધવાર, 21 મે, 2025

ગાંધીધામમાં ક્રિકેટનો સટ્ટો રમતા બે શખ્સની ધરપકડ

ગાંધીધામ, તા. 20 : શહેરના બેન્કિંગ સર્કલ નજીક ડી.બી.ઝેડ. બેંક સામે જાહેરમાં ક્રિકેટનો ઓનલાઇન સટ્ટો રમતા શખ્સને પોલીસે પકડી પાડ્યો હતો. બીજીબાજુ શહેરની ખન્ના માર્કેટમાં મસાલા બજારમાં સટ્ટો રમતા શખ્સને ઝડપી લેવાયો હતો. શહેરના બેન્કિંગ સર્કલ નજીક ડી.બી.ઝેડ. બેંક સામે સર્વિસ રોડ ઉપર પોતાના મોબાઇલમાં ક્રિકેટનો સટ્ટો રમતા અંજાર સવાસર નાકા વિસ્તારના પુનિત નટવર ઠક્કર નામના શખ્સને પોલીસે પકડી પાડયો હતો. આ શખ્સ ગઇકાલે સાંજે ગાંધીધામ આવ્યો હતો અને મોબાઇલમાં લોટસ નામની વેબસાઇટ ખોલી તેમાં આઇ.પી.એલ. મેચ ઉપર સટ્ટો રમી રહ્યો હતો. તેણે આ આઇ.ડી. અંધેરી મુંબઇના લવ ભરત તન્ના પાસેથી મેળવી હતી અને મુંબઇના આ શખ્સને આંગડિયા મારફતે પૈસા મોકલવાનો હતો. તેને ઝડપી પાડી તેની પાસેથી રૂા. 15,000નો એક મોબાઇલ હસ્તગત કરાયો હતો. વધુ એક કાર્યવાહી શહેરના ગુરુદ્વારા સામે મસાલા માર્કેટમાં કરવામાં આવી હતી. અહીં જાહેરમાં આઇ.પી.એલ.ની ગુજરાત અને દિલ્હીની મેચ ઉપર ક્રિકેટનો સટ્ટો રમતા હાર્દિક રસિક ઠક્કર (રહે. ડી.સી. પાંચ-આદિપુર)ને પોલીસે પકડી પાડયો હતો.  આ શખ્સ પોતાના મોબાઇલમાં ચાર્લિ નામની વેબસાઇટ ખોલી તેમાં આઇ.ડી. મેળવી સટ્ટો રમતો હતો. આ આઇ.ડી. તેણે ગાંધીધામના ભરત અખાણી પાસેથી મેળવી હતી અને તેને રોકડ રકમ ચૂકવતો હતો. આ શખ્સ પાસેથી મોબાઇલ જપ્ત કરાયો હતો. હાથમાં ન આવેલા ભરત અખાણીને પકડી પાડવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd