ગાંધીધામ, તા. 11 : લાકડિયા પોલીસ મથકે સતત ગેરહાજર રહી પોલીસે તેને ફરજ પર હાજર થવા નોટિસો પાઠવી હોવા છતાં હાજર ન થનાર કોન્સ્ટેબલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. લાકડિયા પોલીસ મથકના કોન્સ્ટેબલ કૌશલ મહેન્દ્ર ભટ્ટ વિરુદ્ધ પીઆઈ આર.આર. વસાવાએ પોતાના પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ કોન્સ્ટેબલની અન્ય જિલ્લામાંથી અહીં બદલી થઈ હતી. વર્ષ 2022માં અહીં બદલી બાદ તેને હેડકવાર્ટરમાં મૂકવામાં આવ્યો હતો. આ કર્મચારીની પાછળથી લાકડિયા પોલીસ મથકે બદલી કરાઈ હતી. પરંતુ આ સરકારી કર્મચારી પોતાની ફરજ પર કોઈપણ જાતની જાણ કર્યા વગર ગેરહાજર રહ્યા હતા. આ કોન્સ્ટેબલને હાજર થવા નોટિસો મોકલવા છતાં મનસ્વી રીતે પોલીસ મથકે હાજર થયા નહોતા. લોકસભાની સામાન્ય ચૂંટણી હોવાથી પોલીસવડાએ આ અગત્યના સમયે મનસ્વી અને વાજબી કારણ વગર ગેરહાજર રહેનારા તથા ફરજ પ્રત્યે બેદરકાર રહેનારા આ કોન્સ્ટેબલ વિરુદ્ધ ગુનો દાખલ કરવા હુકમ કર્યો હતો. પી.આઈ.એ આ કર્મચારી કૌશલ ભટ્ટ વિરુદ્ધ ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમો તળે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.