• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

118 દિવસમાં ગાંધીધામ કોર્ટે બાળકના હત્યારાને આપી જન્મટીપ

ગાંધીધામ, તા. 23 : શહેરના કાસેઝ લાલ ગેટ સામે બાવળની ઝાડીમાંથી બે વર્ષના માસૂમ, નિર્દોષ અમન યાદવ નામના બાળકને પછાડી તેને પથ્થર ઝીંકી હત્યા કરવાના ચકચારી બનાવમાં પોલીસ, સરકારી વકીલની મહેનત લેખે લાગી હતી. કેસમાં આરોપીને માત્ર 118 દિવસમાં સજાનો ચુકાદો આપવામાં આવ્યો હતો. આરોપીને આજીવન સખત કેદનો ધાક બેસાડતો ચુકાદો આપવામાં આવ્યો હતો. શહેરના ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેતા રૂદલ સરયુગ યાદવના બે વર્ષીય પુત્ર અમનનું તા. 28/10ના અપહરણ થયું હતું. બાળકના માતા-પિતા તેને શોધી રહ્યા હતા. દરમ્યાન કાસેઝના લાલ ગેટ સામે આવેલી બાવળની ઝાડીમાંથી બાળકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. બનાવ અંગે રૂદલ યાદવે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે દોડધામ આદરી સી.સી.ટી.વી. વગેરેની મદદથી આરોપી રૂદલકુમાર રામલખન યાદવને પકડી પાડયો હતો. ફરિયાદી રૂદલ અને આરોપી રૂદલ અગાઉ સંયુક્ત રીતે એક મકાનમાં ભાડે રહેતા હતા, જેમાં ફરિયાદી રૂદલ રાશનના પૈસા તથા મકાનનું અડધું ભાડું આપતો હતો, પરંતુ તે જુદા રહેવા ચાલ્યા જતાં આરોપીએ તેનું મનદુ: રાખ્યું હતું અને બાદમાં બાળકનું અપહરણ કરી તેની હત્યા નીપજાવી હતી. પોલીસે જુદા જુદા દાર્શનિક, સાંયોગિક, વૈજ્ઞાનિક, ટેક્નિકલ પુરાવા તથા સીસીટીવીના ફૂટેજ એકઠા કર્યા હતા. એફ.એસ.એલ. અધિકારી એચ.એમ. રાજપરાની મદદથી માત્ર 48 કલાકમાં પોલીસે જપ્ત કરેલા કપડાં, લોહીના નમૂના, લોહીવાળો પથ્થર વગેરેનું પૃથ્થકરણ કરી રાજકોટ એફ.એસ.એલ.માંથી અભિપ્રાય આવી ગયો હતો. તમામ પુરાવાઓના આધારે પી.આઇ. એમ.ડી. ચૌધરીએ માત્ર સાત દિવસમાં 550 કાગળની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી. નિર્દોષ બાળકની હત્યાનો કેસ અહીંની બીજા અધિક સેશન્સ જજની કોર્ટમાં ન્યાયધીશ બી.જી. ગોલાણી સમક્ષ ચાલ્યો હતો. કેસ ત્વરીત ચાલે તે માટે પોલીસે એક .એસ.આઈ.ની નિમણૂક કરી સરકારી વકીલ એસ.જી. રાણાની સૂચનાની અમલવારી કરી પુરાવા, સાક્ષીઓને સમયસર મુદતે હાજર રખાવવામાં આવ્યા હતા. કેસ ચાલી ગયા બાદ ન્યાયધીશ દ્વારા ફરિયાદી, પંચો, સાહેદો, તબીબ, સરકારી સાહેદ, તપાસકર્તા અધિકારી વગેરે 39 સાહેદને 18 મુદતમાં તપાસવામાં આવ્યા હતા. એફ.એમ.એલ. રિપોર્ટ, સી.સી.ટી.વી. ફૂટેજ વગેરે 63 દસ્તાવેજી પુરાવા, 39 મૌખિક પુરાવા ધ્યાને લીધા હતા. સરકારી વકીલ એસ.જી. રાણાએ સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટના ચુકાદા ટાંકીને ધારદાર તથા તર્કબદ્ધ રીતે દલીલો કરી હતી. તેમની દલીલો ગ્રાહ્ય રાખી ન્યાયધીશે આરોપી રૂદલ રામલખન યાદવને તકસીરવાન ઠેરાવ્યો હતો અને આજીવન સખત કેદ તથા જુદી-જુદી કલમો તળે રૂા. 35,000નો દંડ તેમજ દંડ ભરવામાં કસૂરવાર ઠરે તો વધુ એક વર્ષની સાદી કેદનો ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો. દંડની રકમમાંથી રૂા. 30,000 વળતર પેટે ફરિયાદીને ચુકવી આપવા આદેશ કરાયો હતો. સજા સાંભળ્યા બાદ આરોપી કોર્ટ?સંકુલમાં રડી પડયો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang