• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

`હું મારા પતિને સીધો કરવા માગતી હતી, મારી નાખવા નહીં...'

નૈરોબી (કેન્યા) તા. 23 : વેલેન્ટાઇન દિવસના સવારે જેની નિર્મમ હત્યા કરાઈ તે કેસમાં સનસનીખેજ વળાંક આવ્યો છે. હત્યામાં પત્નીની ભૂમિકા ખૂલતાં `પતિ, પત્ની ઔર વો' તરફ તપાસ સરકી છે. બુધવારે મૃતકની પત્નીએ કોર્ટમાં કબૂલ્યું કે `હું મારા પતિને સીધો કરવા માગતી હતી, મારી નાખવામાં નહીં...' નારાણપર પસાયતીના હતભાગી જયેશ કાનજી વેલજી હાલાઇની અંદાજે 38 વર્ષીય પત્ની  જયાબેન જયેશકુમારની ધરપકડ કરવામાં આવ્યા બાદ એને કિબેરા લો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા બાદ 14 દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવાયાની હકીકત સ્થાનીય માધ્યમોમાં પ્રસિદ્ધ થવા સાથે ચોવીસી સંલગ્ન દેશ વિદેશના વર્તુળોમાં પત્ની જયાના કૃત્ય સામે ફિટકાર વરસી હતી. માધ્યમોમાં કેન્યા વસતા ભારતીયોના આર્થિક સુખ પાછળ કેવી પારિવારિક અસમતુલા અને અરસપરસના અવિશ્વાસનું કીચડ ખદબદે છે તે ચર્ચા જાગી છે.   જયાની બુધવારે ધરપકડ કરવામાં આવી હતી. પતિની હત્યાના દિવસે તે પોલીસ કસ્ટડીમાં લેવાયેલા અન્ય ચાર શકમંદમાંથી એક સાથે વાતચીત કરી રહી હતી. એવું માનવામાં આવે છે કે, પતિને શિસ્ત આપવા માટે જયાએ મિત્રની સેવાઓ લીધી હતી. તે જણાવે છે કે, એને ઘરેલુ સમસ્યાઓ હતી.વેલેન્ટાઈન ડેના દિવસે માચાકોસ કાઉન્ટીના લુકેન્યામાં હત્યા પછી લાશને એસિડમાં ડૂબાડી અતિક્રૂર રીતે અંજામ અપાયો હતો. પતિ વિરૂદ્ધ હત્યાના કાવતરાંમાં પત્નીએ ભાગ લીધો હોવાનું બહાર આવ્યા બાદ જયાબેન મેજિસ્ટ્રેટ ઈરેન કહુયા સમક્ષ હાજર થઈ હતી. ફરિયાદ પક્ષે તેણીને અટકાયતમાં રાખવા માટે 21 દિવસની વિનંતી કર્યા પછી કોર્ટે 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જયાએ તેના વકીલ ઈફરાન કાસમ મારફત 21 દિવસના રિમાન્ડ સહિતના આરોપોનો વિરોધ કર્યો હતો, જેમાં કાસમે કોર્ટને ફરિયાદીને કસ્ટડીમાં રાખવા માટે માત્ર સાત દિવસનો સમય આપવા વિનંતી કરી હતી અને દલીલ કરી હતી કે, પોલીસ પાસે તેનો પાસપોર્ટ હોવાથી તે  ભારત ભાગી જવાની નથી. કોર્ટે તેને પોલીસ કસ્ટડીમાં રાખવા માટે 14 દિવસનો સમય આપ્યો હતો. જાણકારો કહે છે કે, રિમાન્ડ દરમ્યાન વધુ ઈસમોના નામ ખૂલે એવી શક્યતા નકારી શકાય નહીં. મેજિસ્ટ્રેટ કહુયાએ જણાવ્યું હતું કે, `ફોન વિશ્લેષણમાં જાણવા મળ્યું હતું કે, કેસમાં ધરપકડ કરાયેલા ચાર શકમંદ પૈકીના એકના સંપર્કમાં જયા હોવાનું બહાર આવ્યા બાદ હત્યાના કાવતરાંમાં સામેલ હોવાનો આરોપ મુકાયો હતો, એના જવાબમાં જયાએ કહ્યું કે, મેં મારી નાખવાનું નહોતું કહ્યું સુધારવા કામ સોંપ્યું હતું. પણ હિટમેન જેવા લોકોને..! જયા ખાસ કોના સંપર્કમાં હતી તે તપાસના હિતમાં પોલીસે જાહેર કર્યું નથી. તે મૂળ બળદિયાના આરોપી કલ્યાણ શીવજી વેકરિયા (છછવારા)ના સંપર્કમાં હોય તેવું સંબંધિતો જણાવી રહ્યા છે.   `તેણીએ આરોપીઓ પૈકી એકને પતિના શિસ્તમાં મદદ કરવા અને તે માટે પતિને ત્રાસ આપવા માટે કહ્યું હોવાની વાત બહાર આવ્યાના અહેવાલ છે. કારણ કે, બંનેમાં મતભેદ હતા. આરોપી સંમત થતાં યોજનાને અમલમાં મૂકવા માટે અન્ય લોકોની મદદ લીધી હતી. એવું માનવામાં આવે છે કે, વેલેન્ટાઈન ડે પર સવારે  તેમના પતિ અને પુત્રની સાથે સીસીટીવી કેમેરામાં કેદ થયેલાં જયાએ મિશનને અંજામ આપવા માટે કથિત હત્યારાઓને ફોન કર્યો હતો. શંકાસ્પદ વ્યક્તિએ તેણીને ત્રણ કલાક પછી એક ટેક્સ્ટ મેસેજ મોકલીને જાણ કરી હતી કે, તેઓએ કામ પૂર્ણ કરી લીધું છે. જો કે, તે પરેશાન હતી કે પતિની હત્યા કરવામાં આવી છે. એણે કોર્ટમાં કબૂલ્યું કે તેની યોજના માત્ર તેને ચેતવણી આપવા માટે હતી. મારવાની નહોતી. પોલીસે હજુ સુધી જયેશના  હાડકાં પર ડીએનએ ટેસ્ટ કરાવવાનો બાકી છે. દરમ્યાન, મૃતકના પરિવારે મૃત્યુ જાહેર કરી લૈકિક માટે સંદેશા વહેતા કર્યા હતા. તેઓ બે શંકાસ્પદ લોકોની ઇમિગ્રેશન સ્થિતિની પુષ્ટિ કરવા માગે છે, જેઓ ભારતીય નાગરિક છે અને પણ સુનિશ્ચિત કરવા માગે છે કે, તમામ પાંચ શંકાસ્પદ આરોપોનો સામનો કરતાં પહેલાં માનસિક તપાસ કરાવે. - કાનની બુટ્ટી મૂળ સુરાગ ..! : આટાપાટા ધરાવતા ગૂઢ ગુનાઓમાં ક્યારેક નાની વસ્તુ પણ ગુનાની ગૂંચ ઉકેલી પગેરું મેળવવા કામ આવે છે. મૃતકના શરીરના અવશેષો નષ્ટ કરતી વખતે ઘટના સ્થળે કાનની બુટ્ટી પોલીસને મળી હતી. વેલેન્ટાઇન ડે અને કાનની બુટ્ટીને કોની સાથે સંબંધ હોઈ શકે સવાલ છે, બુટ્ટી કોના કાન માટે હતી સ્પષ્ટ થઈ શકે છે. વધુ તપાસ માટે પોલીસે પાંચેય શકમંદે હત્યાની પહેલાં અને પછી કોની-કોની સાથે વાત કરી તે તપાસતાં જયાનું કનેક્શન પાધરું થયું હતું. લગ્નજીવન સંબંધી ખટરાગ વ્યક્તિને કેટલો ક્રૂર બનાવી શકે છે શિષ્ટ સમાજે વિચારવું રહ્યું. - બે ચકચારી ઘટનાઓથી શિષ્ટ સમાજ દુ:ખી : ભુજ, તા. 23 : મારકૂટ, હત્યા, અનાચારથી સંભવત:?અંતર રાખતો કચ્છી લેવા પટેલ સમુદાય તાજેતરની ઘટનાઓથી ભારે દુ:ખની લાગણીમાં છે. પત્ની દ્વારા પતિની હત્યામાં સામેલગીરી ખૂદ પત્નીએ કોર્ટ સમક્ષ કબૂલી છે, તો ભગવાં લજવી આવેલા પાંચ `સંત'થી ભલે દૂરી બનાવી લેવાઈ છે. અલબત્ત બંને ઘટના કલ્પનાતીત હોવાનું દુ: વ્યક્ત થઈ રહ્યું છે. સેવા, સત્સંગમાં જેના દેશ વિદેશમાં ડંકા વાગે છે તેને છેલ્લા સમયથી આંતરિક ઘટનાઓએ વિચલીત કરી દીધા છે. કોઈ પત્ની અન્યનો સાથ માગી પતિનું કાસળ કઢાવે તેવું બન્યું નથી. પતિને સુધારવા માટે પત્ની દ્વારા ધાકધમકી કે કાયદાને હાથમાં લેવાય વિશ્વાસ બેસે એવી ઘટના હોવાનું નૈરોબીથી અનેક કચ્છીઓ જણાવી રહ્યા છે. બે વર્ષ પહેલાં માર્ચ-એપ્રિલ-2022માં બળદિયાની વહુઆરૂને નારાણપરના સસરા પરિવારે પતાવી નાખ્યાની ઘટના ચર્ચાઈ હતી, બાદમાં ફરી બે ગામને સાંકળતી ક્રૂર - નિર્મમ હત્યાની ઘટના બની છે. સમુદાય સૂર વ્યક્ત કરે છે કે, શું થવા બેઠું છે? ખબર પડતી નથી. ચર્ચા એટલે સુધી થઈ કે આવા કિસ્સાઓ દબાવી દેવા પણ પ્રયત્નો થયા હતા. વિશ્વાસના બંધને લેવાયેલી પ્રતિજ્ઞાઓની કોઈ દરકાર કર્યા વગર સરેઆમ હત્યા કરાવવી તે લેવા પટેલોના લોહીમાં નથી, તેવું સામાન્ય લોકો દુ: સાથે કહી રહ્યા છે. અમુક મહિલાઓએ કચ્છમિત્રને જણાવ્યું કે, મનમેળ હોય તો છૂટાછેડા લઈ શકાય પણ આટલી હદ સુધી જવાય. બન્ને કિસ્સામાં પતિ-પત્નીનો ઝઘડો કે મનમેળ હોવાનું કારણ બતાવાય છે, પણ કારણ પાછળના કારણો પટેલ સમાજે શોધવા પડશે અને ચિંતન કરવું પડશે. એવું નથી કે ઘટનાઓ ખરડાયેલા પરિવારોની છે. સારા ધર્મચુસ્ત કુટુંબના કકળાટે આવો અંજામ સર્જ્યે છે. લંગાટાના નિર્માણ પછી એકતા વધશે એવી આશા હાલ તો ખોટી  ઠરી હોવાનું અનુભવી કરી રહ્યા છે. હત્યા-આત્મહત્યાનો વિચાર કરવાનો નથી એવા સિદ્ધાંતો-ઉપદેશ અનુસરનારા વર્ગમાં ઉપરાઉપરી બનાવોએ સ્તબ્ધ બનાવી દીધા છે. ધર્માદાનાં નાણાં લઈ સંસાર માંડનારા બંન્ને 'વાદમાં ફ્લેટ-હોટેલના માલિક બની ગયાની વાતથી સમર્પિત ભાવિકો વ્યથિત છે. આંખમાં આંસુ છે. વિશ્વાસ તૂટયો છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang