મહારાષ્ટ્રનાં પહેલા મહિલા નાયબ મુખ્ય પ્રધાન તરીકે સુનેત્રા
પવારે શપથ લીધા પછી વિવાદ ઊભો કરાયો છે. પતિના નિધનના માંડ ત્રણ દિવસ થયા હતા ત્યાં
સુનેત્રા અજિત પવારને શપથ લેવાની એવી તે શી ઉતાવળ હતી કે તેરમાની વિધિ પતી જાય ત્યાં
સુધી તેઓ રાહ જોવા તૈયાર નહોતાં. ધર્મ, પ્રથા અને સામાજિક વહેવારની દુહાઈઓ આપી રાજકારણીઓ સુનેત્રા પવારના આ પગલાને
વખોડી રહ્યા છે, જાણે તેમના આ પગલાથી ધરતી રસાતળ થઈ જવાની હોય
કે આભ તૂટી પડવાનું હોય. એનસીપી (એસપી)ના સર્વેસર્વા અને અઠંગ રાજકારણી શરદ પવારે પત્રકાર
પરિષદ બોલાવીને કહ્યું કે સુનંદા પરિવારને જાણ કર્યાં વિના શપથવિધિ માટે નીકળી ગયાં.
જોકે, કેટલાક નિર્ણયો પરિસ્થિતિને આધિન હોય છે અને ધાર્મિક વિધિઓ
તથા કર્મકાંડની છડેચોક ઠેકડી ઉડાડનારાઓ આ બાબતમાં ધર્મ વિરુદ્ધ થયું છે એવી કાગારોળ
કરે છે ત્યારે શેતાન બાઇબલ ટાંકતો હોય એવું જણાય છે. છેલ્લા થોડા સમયથી એક નરેટિવ ચલાવવામાં
આવી રહ્યું છે કે બંને એનસીપીનું એકીકરણ થવાનું છે. અજિત પવારે પણ આવો સંકેત આપ્યો
હોવા છતાં સ્પષ્ટ કર્યું હતું કે માત્ર સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ માટે કેટલાંક
સ્થળે બંને એનસીપીએ યુતિ કરી છે. ધારો કે બંધબારણે કાકા-ભત્રીજા વચ્ચે પક્ષના એકીકરણની
વાત થઈ હોય તો પણ કાકાનો પક્ષ ભત્રીજામાં ભળે તો ભાજપના વડપણ હેઠળના એનડીએમાં રહેશે
કે કાકા-ભત્રીજો વર્તમાન રાજકીય ગઠબંધન તોડશે એ સ્પષ્ટ નહોતું. અજિત પવાર હવે હયાત
નથી અને શરદ પવાર બોલે એક, તેમના મગજમાં ચાલતું હોય બીજું અને
તેઓ કરે કંઈક ત્રીજું અને તેમનો આશય કંઈક ચોથો જ હોય એવા કિસ્સાઓથી તેમનો ભૂતકાળ સભર
છે. અત્યારે થઈ રહેલા હોબાળામાં કોનો હાથ અને ભેજું છે, એ માત્ર
રાજકીય વિશ્લેષક કે નિરીક્ષક જ સમજી શકે એવું નથી. સુનેત્રા પવાર રાજકારણીઓના પરિવારમાંથી
આવે છે, લગ્ન પછી તેઓ રાજકારણથી દૂર હતાં. પતિએ કાકા સાથે છેડો
ફાડયો એ પછી સુનેત્રાને ચૂંટણીના રાજકારણમાં ઊતરવાની ફરજ પડી. અત્યારે પરિસ્થિતિ એવી
છે કે વડા વિનાનો પક્ષ અને સત્તા વિનાના રાજકારણીઓના સમૂહને સાચવવા માટે તેમને તાકીદે
શપથ લેવા પડયા. મહારાષ્ટ્રનું રાજકારણ એવું છે કે જરાસરખી ભૂલ કે વિલંબ થાય તો વિધાનસભ્યો
તોડી લેવા બધા જ પક્ષો તત્પર બેઠા છે. એમાંય વળી, શરદ પવાર સહાનુભૂતિ
કાર્ડ ઊતરે તો પતિના પક્ષનું અસ્તિત્વ ટકાવવું મુશ્કેલ થઈ પડે. પવાર પરિવાર ધાર્મિક
રીતે બહુ સક્રિય નથી, આથી જે લોકો હિન્દુ વિધિથી થયેલા અંતિમ
સંસ્કાર અને તેર દિવસ સુધી રાહ જોવાની જરૂર હતી, એવી વાતોની દુહાઈ
આપે છે, તેઓ ભૂલી જાય છે કે શાસ્ત્રોમાં આપદ ધર્મ નામનો એક વિચાર
પણ છે. વળી, સુધારાવાદી ગણાતા પવાર પરિવારનાં પુત્રવધૂ પતિના
નિધન બાદ તેમના પક્ષને બચાવવા માટે સક્રિય થયાં હોય તો એમાં ખોટું શું છે?