કેન્દ્ર સરકારનું 2026-27 માટેનું બજેટ એકંદરે વિકાસના પથ પર શાણપણ અને સંતુલન સાથે આગળ
વધનારું છે. મોટી ધડાકાબંધ જાહેરાતો ગેરહાજર છે. તેને માટે અવકાશ પણ ન હતો. નાણાપ્રધાને
ખાધઘટાડો, વિકાસખર્ચ, સમાવેશક વિકાસ,
અદ્યતન ટેક્નોલોજીના પડકારો, સંરક્ષણ દળોની જરૂરિયાતો
અને ચાવીરૂપ ક્ષેત્રોમાં આત્મનિર્ભરતા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. નાણામંત્રી નિર્મલાએ
પોતાનું નવમું સળંગ બજેટ પેશ કરવા માટે રવિવાર પર પસંદગી ઉતારી. અપેક્ષા મુજબ બજેટમાં
કોઇ આકર્ષક કે લોભામણી યોજનાઓ નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બજેટને ઉજ્જવળ ભવિષ્યનો
પાયો મજબૂત કરનારું લેખાવ્યું છે. વિરોધ પક્ષોની નકારાત્મક પ્રતિક્રિયા અપેક્ષિત જ
હોય. રાહુલ ગાંધીએ કહ્યું છે કે, સરકારે યુવાનો, કિસાનો, મહિલાની અવગણના કરી છે. એકંદરે વીતેલા વર્ષમાં
ટેરિફ સહિતના પડકારો, પ્રાકૃતિક સંકટો અને વૈશ્વિકસ્તરે યુદ્ધને
લીધે અસ્થિર માહોલ વચ્ચે નાણામંત્રીએ ભારતની સ્થિર ગતિ જળવાઇ રહે એની પર ફોકસ રાખ્યું
છે. અર્થશાત્રીઓ માને છે કે, સરકાર સમક્ષ બીજો કોઇ વિકલ્પ નથી.
હકીકતમાં મહિલાઓ માટે દરેક જિલ્લામાં છાત્રાલય, વિશેષ મોલ સહિતની
યોજના છે. હાઇસ્પીડ રેલવે કોરિડોર અને જળમાર્ગ વેપાર-ઉદ્યોગ અને સામાન્ય આવાગમનને સરળ
બનાવશે. કચ્છના ધોળાવીરા સહિત 15 હેરિટેજ સાઇટના વિકાસ, વિદેશ પ્રવાસ પર કર ઘટાડો, ગાઇડોને તાલીમ, બુદ્ધ સર્કિટ જેવાં પગલાં પ્રવાસન ક્ષેત્રને વેગ આપશે. વ્યક્તિગત આવકવેરો કે
કોર્પોરેટ ટેક્સમાં કોઈ નવી રાહત અપાઈ નથી. ઉલટું વાયદાના સોદાઓ પરનો એસટીટી (સિક્યોરિટીઝ
ટ્રાન્ઝેક્શન ટેક્સ) 0.02 ટકાથી વધીને 0.05 ટકા થવાથી શેરબજારને ઝટકો લાગ્યો
છે. આ પગલાંથી શેરબજારોમાં કામકાજ ઘટશે અને વિદેશી રોકાણ થશે એમ કહેવાય છે, પણ આવા આંચકાઓ ટૂંકજીવી હોય છે. વળી સટ્ટાકીય
કામકાજમાં મધ્યવર્ગના નાના છૂટક રોકાણકારોના
ભોગે અદ્યતન ટેક્નોલોજી અને ઊંડાં ખિસ્સાંવાળા મોટા રોકાણકારો કમાતા હોવાનું બહાર આવ્યા
પછી નાણામંત્રાલય આવાં કામકાજને હતોત્સાહ કરવા માગે તો તેમાં કશું ખોટું નથી. સોવરેન
ગોલ્ડ બોન્ડ પરની એક છટકબારી સરકારે બંધ કરી છે. આઠ વર્ષની મુદતના ગોલ્ડ બોન્ડ પર રોકાણકારને
મળતા મૂડી લાભને કેપિટલ ગેઈન્સ ટેક્સમાંથી મુક્તિ અપાઈ હતી. સોનાંના ભાવ વધી ગયા એટલે ગોલ્ડ બોન્ડ પર પ્રીમિયમ બોલવા લાગ્યા.
ઘણા લોકોએ કેપિટલ ગેઈન્સ ટેક્સ બચાવવા માટે બજારમાંથી ગોલ્ડ બોન્ડ ખરીદીને કરમાફીનો
લાભ મેળવ્યો હતો. હવે નાણાપ્રધાને જાહેરાત કરી છે કે, જે લોકોએ
મૂળ ઇસ્યૂ વખતે સરકાર પાસેથી સીધા બોન્ડ ખરીદ્યા હશે તેમને જ મૂડી કરમાફીનો લાભ મળશે. જેમને બજારમાંથી ખરીદ્યા હશે
તેમને કરમાફી નહીં મળે. આવી જોગવાઈ કરવી અને તે પણ પાછલી મુદતથી લાગુ પાડવી એ ઘણા રોકાણકારોને દગાબાજી જેવું લાગશે. પરંતુ સરકારે ગોલ્ડ બોન્ડમાં
તેનાં આંગળાં એવા દઝાડ્યા છે કે કોઈ પણ રીતે નુકસાની કાપવા તે આતુર છે. સીધા કરવેરામાં
આવકવેરાની જૂની કે નવી પ્રણાલીમાં કોઈ નવી રાહત અપાઈ નથી, પરંતુ
નાણાપ્રધાનના પ્રસ્તાવો સમગ્ર વ્યવસ્થામાં માળખાંગત સુધારા કરનારા છે. કરદાતાઓ માટે
કાયદો સરળ બનશે, રિટર્ન ફાઈલ કરવાનું સરળ બનશે, વિવાદો ઓછા થશે અને અનુપાલન માટે વધુ સમય મળશે. આડકતરા વેરામાં નિકાસની સ્પર્ધાત્મક્તાને ધ્યાનમાં રાખીને કસ્ટમ ડ્યૂટીમાં અને વિપરીત જકાતમાળખાંને
દુરસ્ત કરવા માટે જીએસટીમાં સંખ્યાબંધ ફેરફારો કરાયા છે જે વેપારધંધો કરવાની સુગમતામાં
વધારો કરનારા છે. ખર્ચની વાત કરીએ તો કલ્યાણ
યોજનાઓ યોગ્ય વર્ગો માટે તકાયેલી છે. ખેડૂતો અને રોજગારી માટે સૌથી વધુ ફાળવણી કરાઈ
છે. ઓપરેશન સિંદૂરને પગલે સંરક્ષણ માટેની જોગવાઇમાં થયેલો વધારો અતિશય જરૂરી અને આવકારપાત્ર
છે. નાણાકીય ક્ષેત્રના સુધારા માટે એક સમિતિ રચવાની છે. બોન્ડ માર્કેટમાં માર્કેટ મેકર્સ
નીમવાનો વિચાર સકારાત્મક છે અને કામકાજને વધારવામાં સહાયરૂપ થઇ શકે. નીતિની નજરે જોતાં
બજેટ ખેતી, ઉદ્યોગો, એમએસએમઈ ક્ષેત્ર અને
નિકાસ પર કેન્દ્રિત થયેલું છે જે એકેમક સાથે
સંકળાયેલાં છે. સાથોસાથ દુર્લભ ખનિજો અને રેર અર્થ મેગ્નેટ્સ માટે ચીન પરનું અવલંબન
ઘટાડવા માટે પણ કેટલીક પહેલ કરાઈ છે. ડેટા સેન્ટરોને અપાયેલું પ્રોત્સાહન ગ્લોબલ કેપેબિલિટી સેન્ટરોના મથક તરીકે ભારતનું સ્થાન સુદૃઢ
બનાવશે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ નાણાપ્રધાને
વિકાસખર્ચમાં વધારો કરવા સાથે ખાધઘટાડો પણ ચાલુ રાખ્યો છે. ગયા બજેટમાં આવકવેરામાં
અપાયેલી રાહત અને ત્યારબાદ જીએસટીના દરોમાં કરાયેલા ઘટાડાને કારણે કરવેરાની આવક મૂળ
અંદાજ કરતાં ઓછી રહી છે. સામે પક્ષે વિકાસખર્ચ પણ મૂળ જોગવાઈ કરતાં થોડો ઓછો રહ્યો
છે. એ હકીકત છે કે, નવા યુગમાં બજેટ-ફાઇનલ નીતિ દસ્તાવેજ નથી
હોતો. સરકારે જીએસટીમાં બેવાર જંગી રાહતો આપી એ બજેટ સિવાયની જ જાહેરાત હતી. નોકરિયાત
વર્ગ પણ ગત બજેટમાં મોટી રાહતો પછી સતત બીજાં વર્ષે લાભની આશા ન રાખી શકે. આમે પણ એપ્રિલથી
નવો કાયદો લાગુ થવા જઇ રહ્યો છે. જસ્ટ વેઇટ એન્ડ વોચ. બજેટમાં રાજકીય રંગ ન જોવાય તો
જ નવાઇ. જે સાત નવા હાઇસ્પીડ કોરિડોર જાહેર થયા છે તેમાં દક્ષિણી રાજ્યો, શહેરોને વધુ લાભ છે. ઉત્તરપ્રદેશ-વારાણસી માટે પણ વિશેષ જોગવાઇ છે. નાણાપ્રધાનની
સાવધાની તેમના આવકોના અંદાજમાં પ્રગટ થાય છે. સીધા તેમજ આડકતરા કરવેરામાં રાહતોને કારણે
તેમ મૂડી પ્રાપ્તિઓ ઓછી રહેવાથી સરકારની કુલ આવકમાં આશરે રૂા. 78,000 કરોડનું (2.3 ટકાનું) ગાબડું પડ્યું છે.
આ વર્ષે તેમણે કરવેરાની આવકમાં સુધારિત અંદાજ કરતાં માત્ર 7 ટકાનો વધારો થવાનો અંદાજ મૂક્યો છે, જે (નોમિનલ ફુગાવા સહિતની) રાષ્ટ્રીય આવકના
અંદાજિત વધારા કરતાં પણ ઓછો છે. નોમિનલ રાષ્ટ્રીય આવકમાં 10 ટકાનો વધારો અપેક્ષિત છે અને
ખરો (ફુગાવો બાદ કર્યા પછીનો) વિકાસદર 6.8-7.2 ટકા રહેવાનો અંદાજ છે. અર્થાત જથ્થાબંધ ફુગાવો ત્રણેક ટકા અને
છૂટક ફુગાવો ચારેક ટકા રહેશે. મોટું કરજ લેવાની જરૂરિયાત અને ફુગાવો વધવાની સંભાવના
જોતાં રિઝર્વ બેન્ક વ્યાજદર ઘટાડવાને બદલે યથાવત્ રાખવાનું પસંદ કરે એવી શક્યતા વધુ
છે. એકંદરે આ બજેટમાં નવીનતા અને આશ્ચર્યનું તત્ત્વ અદૃશ્ય છે છતાં નાણાકીય શાણપણ અને
ભવિષ્યના આશાસ્પદ ક્ષેત્રોને ઉત્તેજન આપવા
વચ્ચે સમતુલા સાધવામાં આવી છે, જે આવકાર્ય
છે.