બજેટ વિશેષ : દીપક માંકડ : કેન્દ્રીય નાણામંત્રી
નિર્મલા સીતારામન રવિવારે સંસદમાં સામાન્ય અંદાજપત્ર પેશ કરશે એની ઉપર દેશ - દુનિયાની
નજર છે. ગજવાં પર તરાપ પડશે કે ફાયદો થશે, વેપાર - ઉદ્યોગ જગતને શું મળશે, કસ્ટમ - એક્સાઇઝમાં ફરક
પડશે ? શિક્ષણ, મહિલા, બાળકોના ઉત્કર્ષ, આરોગ્ય સેવાનાં સુદૃઢીકરણ, સૌથી વિશેષ ખેડૂતોનું હિત અને સંરક્ષણની તૈયારી... આ બધી બાબતોનો મદાર બજેટ
પર હોય છે. બજેટમાં એ અંગેનું આયોજન નિર્ધારણ સ્પષ્ટ થશે. દેશ અત્યારે સંક્રાંતિકાળમાંથી પસાર થઇ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય
સ્તરે ઊથલપાથલના દોર વચ્ચે તટસ્થ વલણ અને રાષ્ટ્રહિતને પ્રાધાન્ય આપીને આગળ વધવાનો
પડકાર છે. નાણામંત્રીએ બજેટના બે દિવસ પહેલાં આર્થિક સર્વે રજૂ કર્યો, તેમાં અર્થવ્યવસ્થાની ઊજળી તસવીર પેશ કરવામાં આવી છે. વિકાસની ગતિ નિરંતર રહેવાની,
જીડીપી સાત ટકા જળવાશે એવો અંદાજ બાંધવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર
મોદી કહે છે ભારતનું લોકતંત્ર અને વિશાળ જનસંખ્યા વિશ્વ માટે આશાનું કિરણ છે. તેમની
સરકાર પ્રદર્શન અને પરિવર્તનમાં વિશ્વાસ ધરાવે છે. દેશ ખૂબ ઝડપથી સુધારના રસ્તે અગ્રેસર
છે. નરેન્દ્રભાઇના આ શબ્દોમાં બજેટની જોગવાઇઓની સંભાવના પ્રતિબિંબિત થતી સમજી શકાય...
- નીતિઓમાં સ્થાયીત્વ જરૂરી : અંદાજપત્ર ભલે એક નાણાકીય વર્ષ પૂરતું હોય, પણ તેની નીતિઓમાં સ્થાયિત્વ હોવું જરૂરી છે. ભારત 2047માં સ્વતંત્રતાની શતાબ્દીએ
વિકસિત રાષ્ટ્ર બનવાનું સપનું જોઇ રહ્યું છે. સપનાની આ ઉડાન માટે લાંબા ગાળાની - દૂરંદેશીભરી
નીતિ - નિર્ણયોની ચાવીરૂપ ભૂમિકા રહેવાની. મોદી સરકાર મજબૂતાઇથી આગળ વધી રહી છે. બિહાર
સહિતનાં રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યો. હવે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી
થશે. ટીવી ચેનલનાં એક વર્તમાન સર્વેક્ષણમાં રસપ્રદ તારણ આવ્યું કે અત્યારે દેશમાં સામાન્ય
ચૂંટણી થાય તો એનડીએ સરકાર 350 જેટલી બેઠક
સાથે ફરી સત્તામાં પ્રસ્થાપિત થઇ શકે. નરેન્દ્ર મોદી દેશના નેતા તરીકે પ્રતિસ્પર્ધી
વિપક્ષી નેતાઓથી જોજનો આગળ છે. આનો એ અર્થ થયો કે બજેટમાં દેશની તિજોરી પર ભારણ વધારીને
લોકોને મોટી રાહતો મળવાની સંભાવના ઓછી છે. સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદા વધવાની એક
વર્ગ આશા રાખી રહ્યો છે. ગયાં બજેટમાં મોદી સરકારે આવકવેરા માળખાંમાં ભારે બદલાવ કરીને
મધ્યમવર્ગ - નોકરિયાત વર્ગને મોટી કરરાહત આપી હતી. એ પછી ગત નવરાત્રિના ગાળામાં જીએસટી
માળખાંમાં ધરખમ રાહતનું એલાન કરીને માત્ર પાંચ અને 18 ટકા એમ બે જ સ્લેબ રાખતાં આમઆદમીથી લઇને મધ્યમવર્ગને ખુશખુશાલ
કરી દીધો હતો. વડાપ્રધાન અને તેમની સરકાર `સ્વદેશી' મંત્ર
અપનાવીને આગળ વધી રહ્યા છે. લદ્દાખમાં ચીની ઘૂસણખોરી પછી ચીની બનાવટોનો બહિષ્કાર શરૂ
થયો. એવી જ રીતે, ટ્રમ્પની ટેરિફ દાદાગીરીએ હિન્દુસ્તાન અને હિન્દુસ્તાનીઓનું
સ્વાભિમાન જગાવ્યું છે. ટેરિફ રાહત પાછળનું મૂળ લક્ષ્ય એ જ છે કે ઘરેલુ ઉત્પાદનોનો
વધુમાં વધુ ઉપયોગ થાય. દિવાળી વખતે 97 ટકા ગ્રાહકોએ ભારતીય બનાવટની ચીજ - વસ્તુઓની ખરીદી કરી હતી.
આ બધું કુશાગ્ર રણનીતિનો ભાગ છે. ટેરિફ વોરની અસરમાંથી બચવા માટે ચાતુર્યભર્યા નિર્ણયો લેવામાં આવ્યા છે.
- 2026નું વર્ષ ભારત માટે ઐતિહાસિક
: ભારત અત્યારે વિશ્વની ચોથી અર્થવ્યવસ્થા
બની ગયું છે અને જાપાનને પછાડી ચૂક્યું છે, પણ 2025 - 26નાં
નાણાકીય વર્ષમાં ટ્રમ્પના 50 ટકા ટેરિફે
દેશનાં અર્થતંત્ર પર પડનારી મુશ્કેલીઓ વિશે ચિંતા જગાવી હતી, પણ ખુદ અમેરિકી અર્થશાત્રીઓ જેફરી સેચ્સ અને
રિચર્ડ વુલ્ફે ડોનાલ્ડ ટ્રમ્પને ભારતીય અર્થતંત્રને નબળું ન સમજવાની તાકીદ કરી હતી.
આ બન્ને અર્થશાત્રીનો અભિપ્રાય ભારતનાં મજબૂત અર્થતંત્રની સાબિતી આપે છે. અલબત્ત,
ટ્રમ્પના 50 ટકા ટેરિફની
આપણાં અર્થતંત્ર પર ખાસ કોઈ નકારાત્મક અસર પડી નથી,
બલ્કે આ ટેરિફ વોર દરમ્યાન જ ભારત દુનિયાની ચોથી મોટી અર્થવ્યવસ્થા બની
ગયું છે. આજે રજૂ થનારું બજેટ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફનો કેવો વળતો જવાબ આપશે એના પર
નિષ્ણાતોની નજર રહેવાની છે. આપણે ટેરિફને અવસરમાં પરિવર્તિત કરવા માટે વ્યાપારિક સંતુલન
પર ધ્યાન આપવું પડશે. આશા છે કે બજેટમાં તેનો રસ્તો પણ નીકળશે. હાલમાં જ યુરોપીય યુનિયન
સાથે `મધર ઓફ ઓલ ડીલ' થઇ તેને દુનિયા મહત્ત્વની સફળતા તરીકે જોઇ રહી
છે. ટ્રમ્પ પણ બેચેન બન્યા છે. સંધિ અમલમાં આવ્યા પછી વેપાર-કારોબાર બમણા વેગે આગળ
ધપશે. અર્થશાત્રીઓ તેને ટ્રમ્પના ટેરિફનો મજબૂત જવાબ માને છે, સાથે આપણાં અર્થતંત્ર માટે ગેમચેન્જર પણ છે. ઈયુ સાથેની ડીલ મેક ઈન ઈન્ડિયાને પણ વધુ પ્રોત્સાહન પૂરું પાડશે.
એ સિવાય, ભારત અને બ્રિટન વચ્ચે સર્વગ્રાહી વેપાર અને આર્થિક
સંધિ પ્રથમ છ મહિનામાં લાગુ કરવાની સ્થિતિમાં છે. ભારત - ઓમાને ડયૂટી ફ્રી વેપારની
સંધિ કરી છે. ભારત - ન્યૂઝીલેન્ડ વચ્ચે પણ સંધિ થઈ છે અને અમેરિકા સાથેની ટ્રેડ ડીલનીય
વાતચીત આખરી તબક્કામાં છે. - આર્થિક મહાસત્તાનો રોડમેપ : આ શુભ સંકેત છે. ભારતનાં આર્થિક વર્ચસ્વની
અવગણાના કોઈને પાલવે તેમ નથી. આપણાં અર્થતંત્રમાં અત્યારે આત્મવિશ્વાસ જબરદસ્ત છે, તેથી જ નિર્મલા સીતારામનનાં બજેટમાં તેનો પડઘો
પડવાનો જ છે. ભારતનો ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફનો રોડમેપ પણ આ બજેટમાં હશે
તેવો અંદાજ બાંધી શકાય. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં 2047ના વિકસિત ભારતનાં સપનાંની
ઈમારત પણ 2026નાં બજેટના પાયામાં હશે. એકંદરે
છેલ્લા એક દાયકાથી વધુ સમયથી ભારતીય અર્થતંત્રમાં નિરાશાવાદી વાતાવરણ દૂર થયું છે અને છલોછલ આશાવાદ દેખાઈ રહ્યો
છે. આ બધી ટ્રેડ ડીલ અને સમજૂતીઓને લીધે ચીન પરની નિર્ભરતા ઘટશે અને અમેરિકી ટેરિફને
લીધે થયેલું નુકસાન ઘણે અંશે ભરપાઈ થશે. ભારત વિશાળ વિદેશી મુદ્રા ભંડાર, વધતી નિકાસ અને રાજકોષીય શિસ્તને લીધે ભૂ-રાજનૈતિક
સંઘર્ષો, ઉતાર - ચડાવ છતાં આર્થિક સ્થિરતા મેળવી શક્યું છે. આ
સ્થિરતા લાંબા ગાળા માટે જળવાઈ રહે એ સુનિશ્ચિત કરવું પડશે. વૈશ્વિક સ્પર્ધા સામે આપણી
કસોટી બાકી છે. મધ્યમવર્ગ ઉપરાંત યુવાનો, ખેડૂતોની આકાંક્ષાઓને
પણ ધ્યાને લેવી પડશે. - નાણામંત્રી સ્પેશિયલ... : 1947થી દર વર્ષે દેશમાં નાણાકીય બજેટ રજૂ થતું રહ્યું છે. અલબત્ત, ચૂંટણી સમયે વોટ ઓન એકાઉન્ટ લઇ લેવાય છે અને
ચૂંટણી પછી પૂર્ણ બજેટ રજૂ થતું રહ્યું છે. - અત્યાર સુધી સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો વિક્રમ મોરારજી દેસાઇનો
છે અને અતૂટ રહ્યો છે. તેમણે કુલ દસ બજેટ રજૂ કર્યાં છે. 1959થી 1964 સુધી સતત છ બજેટ અને બાદમાં
1967થી 1969 વચ્ચે બીજાં ચાર બજેટ રજૂ કર્યાં
હતાં. - દેશનું બીજું પુરાંતવાળું બજેટ મોરારજી
દેસાઇની સરકારમાં નાણામંત્રી એચ.એમ. પટેલે 1977 - 78માં રજૂ કર્યું હતું. આથી પહેલાં 1951માં નાણામંત્રી સી.ટી. દેશમુખે પહેલું સરપ્લસ બજેટ રજૂ કર્યું હતું. - પી. ચિદમ્બરમે અત્યાર સુધી નવ વખત બજેટ
પેશ કર્યું છે. 2026માં નિર્મલા
સિતારામન નવમી વાર બજેટ રજૂ કરી હરોળમાં આવી જશે.- ગુજરાતના બે મહારથીએ બજેટ રજૂ કર્યું છે. આ નાણામંત્રીઓ મોરારજી
દેસાઇ અને એચ.એમ. પટેલ છે.