સંસદનાં શિયાળુ સત્રનો સોમવારે આરંભ થતાં વિપક્ષે
પોતાનો નકારાત્મક રંગ વધુ એક વખત છતો કરી દીધો છે. ગયા ચોમાસું સત્ર દરમ્યાન ઓપરેશન
સિંદૂરના મામલે કાર્યવાહીમાં સતત અંતરાય ઊભો કરનારા વિરોધપક્ષો પાસે આ વખતે એસઆઈઆરનો
મુદ્દો હાથવગો છે. સંસદની કાર્યવાહી કોઈ પણ બહાના હેઠળ ખોરવવાનો એજન્ડા ધરાવતા વિપક્ષે
હવે સમજી લેવાની જરૂરત છે કે, લોકશાહી અને દેશનાં હિતમાં તેમણે
હવે રચનાત્મક વલણ લેવાનું અનિવાર્ય બની ગયું છે. સત્તા પક્ષે સંસદની અંદર અને બહાર
વિપક્ષી નેતાઓ સાથે સંવાદના સેતુને મજબૂત બનાવીને સંસદને ચલાવવાનો માર્ગ મોકળો કરવા
પર વધુ ધ્યાન આપવાની જરૂરત છે. પહેલી ડિસેમ્બરથી 19મી ડિસેમ્બર વચ્ચે ચાલનારાં આ સત્રમાં 1પ દિવસની કાર્યવાહી દરમ્યાન શિક્ષણ, માર્ગો સહિતના વિષયો પર ખરડા રજૂ થવાના છે. આની સાથોસાથ કોર્પોરેટ કાયદાને
લગતો તથા હેલ્થ સિક્યુરિટી એન્ડ નેશનલ સિક્યુરિટી સેસ બિલ-202પ પણ સંસદનાં આ સત્રમાં રજૂ થવાનું છે. આ ખરડાનો ઉદ્દેશ
દેશનાં આરોગ્ય માળખાં અને સલામતીની સજ્જતા માટે નવો સેસ લગાવવાનો છે. આ તમામ ખરડા ભારે
મહત્ત્વના છે અને તેના પર ઝીણવટભરી ચર્ચા અનિવાર્ય છે. આમ તો સરકારે પરંપરા મુજબ સત્રના આરંભ પહેલાં એક સર્વપક્ષીય
બેઠક બાલાવીને સંસદની કાર્યવાહી અંગે સંમતિ સાધવાનો વ્યાયામ કર્યો હતો. બેઠકમાં વિપક્ષી
નેતાઓએ સત્તાવાર રીતે પોતાનું વલણ દર્શાવ્યું હતું કે, તેઓ રાષ્ટ્રીય સલામતી, એસઆઈઆર, વાયુ પ્રદૂષણ અને વિદેશનીતિના મામલે ગૃહમાં ચર્ચા ઈચ્છે છે, તો સંસદીય મંત્રી કિરન રિજ્જુએ વિપક્ષી સભ્યોએ સંસદ ચાલવા ન દેવાની કોઈ વાત
ન કરી હોવાની માહિતી આપી હતી. સત્તાવાર રીતે વિપક્ષ અને સરકાર વચ્ચે આવી સંમતિ ખરેખર
આવકાર્ય જણાય છે, પણ ખાટલે મોટી ખોટ હોય તેમ સત્રના પ્રથમ દિવસ
વિપક્ષે પોત પ્રકાશીને ધાંધલનો માર્ગ લેતાં આ સંમતિ નામની હોવાનું બતાવી આપ્યું છે.
સરકાર અને વિપક્ષ પોતપોતાની રીતે ચર્ચા થાય તેમ ઈચ્છે છે, તો
વિપક્ષી નેતઓ રજનું ગજ કરીને સરકારની ઉપર તવાઈ આણીને રાજકીય લાભ લેવાની કોઈ તક જતી
કરવા માગતા નથી. સંસદના ગત ચોમાસું સત્રના આરંભે પણ સર્વપક્ષીય બેઠકમાં સંમતિ સધાઈ
હતી, પણ લોકસભામાં માત્ર 31 ટકા અને રાજ્યસભામાં માત્ર 39 ટકા સમય જ ઉપયોગી બની શક્યો હતો, બાકીનો સમય વિપક્ષી ધમાલમાં ધોવાઈ ગયો હતો. આ વખતે પપ વિપક્ષી નારાજગીની યાદી
લાંબી છે. એસઆઈઆરના મામલે સંસદમાં ઘર્ષણ થઈ શકે છે, તો છેલ્લે
છેલ્લે ડેકન હેરાલ્ડ કેસમાં નોંધાયેલી નવી એફઆઈઆરથી કોંગ્રેસ લાલચોળ છે. ઉલ્લેખનીય
છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં નાટકબાજી કે નારાબાજી
નહીં ચાલે એવું નિવેદન કરીને કાર્યવાહી નીતિથી ચલાવવાનો આગ્રહ રાખ્યો છે, પણ પ્રિયંકા ગાંધીએ આપેલો નકારાત્મક જવાબ વિપક્ષની માનસિક્તા છતી કરી જાય તેવો
છે. આવામાં હાડ થિજાવતી ઠંડી વચ્ચે સંસદની અંદર વિપક્ષી ધમાલથી વાતાવરણ ગરમ રહેશે.