• મંગળવાર, 02 ડિસેમ્બર, 2025

સોશિયલ મીડિયા અને અશ્લીલતા

દેશની સર્વોચ્ચ અદાલતે સોશિયલ મીડિયા ઉપર ભમતી-વહેતી અશ્લીલ સામગ્રી માટે ગંભીર ચિંતા વ્યક્ત કરીને કહ્યું છે કે, આ બાબતે કોઈએ જવાબદારી લેવી પડશે, સોશિયલ મીડિયા જાણે રેઢું પડ છે. કોઈ તેનું ધણીધોરી નથી તેવી સ્થિતિ છે. પરિણામે બહુ નુકસાન થઈ રહ્યું છે. અદાલતની આ ચિંતા અત્યંત સમયસરની, યોગ્ય છે. ડિજિટલ લિટરસી એટલે કે, આવાં માધ્યમોના ઉપયોગ માટેની સજ્જતાનો આપણે ત્યાં મોટાપાયે અભાવ છે. શિક્ષિત વર્ગ પણ સોશિયલ મીડિયાના ઉપયોગ સંદર્ભે તો તદ્દન બેદરકાર થઈને વર્તે છે. સોશિયલ કહેવાતું આ માધ્યમ અનેક સામાજિક દૂષણ માટે નિમિત્ત બને છે. એક સમય હતો, જ્યારે આપણે ત્યાં એવી ટીકા થતી કે, ઘરમાં શૌચાલય ન હોય, પરંતુ ટીવી આવવા લાગ્યાં, તે સમયે તો આ ટેલિવિઝનનો વ્યાપ અને તેની ગતિ તદ્દન ઓછાં હતાં. ટીવીની નકારાત્મક અસરો વિશે મોટા પરિસંવાદો અને સંશોધનો થતા. આજે આ માધ્યમ તો જૂનું થઈ ગયું. રેડિયો અને ટીવીને વિસ્તરતાં જે સમય લાગ્યો તે મોબાઈલને નથી લાગ્યો. આધુનિક સંચાર પદ્ધતિ, વિવિધ એપ્લિકેશન્સ ઉપર થતા પ્રત્યાયન, તાત્કાલિક મળતી માહિતી, વિશ્વભરમાં સ્થાપિત થતા સંપર્ક તે બધું ખૂબ ઉપયોગી છે. તેની અવગણના ન થઈ શકે પંરતુ તે દૂષણ બની ગયું છે તે સામાપારની વાસ્તવિકતા છે. પરદેશમાં પણ લોકો મોબાઈલ ફોન કે વિવિધ માધ્યમનો ઉપયોગ કરે છે, આપણે ત્યાં સ્થિતિ એ થઈ કે બહોળા વર્ગના હાથમાં આ સાધન આવી ગયું, સરળતાથી અને સસ્તું તે પ્રાપ્ત થયું. ડેટા તો હવે તદ્દન મફતના દરે મળી રહ્યો છે. સમાજની દરેક વ્યક્તિ-દરેક વર્ગને આ સાધન મળે છે, પરંતુ તેના ઉપયોગની સજ્જતા, પરિપક્વતા દરેકમાં સમાન નથી. પરિણામે માહિતી કે આ માધ્યમો ઉપર પીરસાતી સામગ્રીમાંથી ઘણુ એવું વધારે વાયરલ થાય છે જે નુકસાનકારક સાબિત થઈ શકે, કુમળી વયે તે વ્યસનમાં પરિણમી શકે અને એવું થાય છે. અશ્લીલતા ફકત નિર્વત્રતામાં જ હોય તેવું નથી. વિવિધ એપ્સ ઉપર થતા બ્લેકમેઇલિંગ, વાયરલ થતા ફોટોગ્રાફ બધી બાબત ચિંતાજનક છે. ગુરુવારે સર્વોચ્ચ અદાલતે આ મામલે જ કહ્યું કે, આ અશ્લીલ સામગ્રી ન ફેલાય તેની જવાબદારી કોઈકે તો લેવી પડશે. અદાલતની આ ટકોર પછી ઉશનસની કવિતા, `કો'કે તો કરવું પડશે ભાઈ'નું સ્મરણ થાય છે. કેન્દ્ર સરકારને અદાલતે કહ્યું છે કે, ચાર સપ્તાહની સમયમર્યાદામાં આ સોશિયલ મીડિયા પરની અશ્લીલતા રોકવા માટે નિયમ નક્કી કરવામાં આવે. મુખ્ય ન્યાયાધીશે એવું પણ કહ્યું કે, `આ ન જોવું જોઈએ' તે નક્કી થાય ત્યાં સુધીમાં તો તે જોવાઈ ગયું  હોય છે. અદાલતની, ન્યાયમૂર્તિની આ ચિંતા સૌને જગાડનારી છે. સવાલ તો એ છે કે, બદલાતા સમયમાં અશ્લીલતા, તેનાં માધ્યમોની પણ સ્થિતિ બદલાઈ રહી છે. ગઈકાલે જે અશ્લીલ હતું, અલ્પપ્રાપ્ય હતું તે આજે સરળ રીતે મળી રહ્યું છે. દૃષ્ટિકોણ, અભિગમ બદલાયા છે. કંઈ સંતાડી શકાતું નથી. આ સંજોગોમાં કોર્ટ ચિંતા કરે, સરકાર અમલ કરે, પરંતુ પ્રજા તેને અપનાવશે કેટલી હદે તે પ્રશ્ન અગત્યનો છે.

Panchang

dd