સંપાદકીય.. : કુન્દન વ્યાસ : બિહારમાં એનડીએની બહુમતી
મળી તેનું આશ્ચર્ય નથી, જે જબરદસ્ત,
અભૂતપૂર્વ જનાદેશ મળ્યો તે આશ્ચર્યજનક છે. એક્ઝિટ પોલના તમામ નિષ્ણાતોના
અનુમાનથી આગળ - બિહારના મતદારો મોદી અને નીતિશકુમાર ઉપર મનમૂકીને વરસ્યા છે,
મતોની પુષ્પવૃષ્ટિ કરી છે. એકમાત્ર ગૃહપ્રધાન અમિતભાઈ શાહે બસ્સોથી વધુ
બેઠકો મળવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. હવે બિહારને રાજકીય સ્થિરતા, સલામતી અને સમૃદ્ધિ મળશે. બિહાર વિધાનસભાની ચૂંટણી અને પરિણામ ઉપર આખા દેશની
નજર હતી જે બિહાર અને બિહારીઓને પછાત માનતા હતા એ બિહારી મતદારોએ ગજબની રાજકીય કોઠાસૂઝ
બતાવી છે. જાતિવાદ અને પરિવારવાદને જાકારો આપીને વિકાસવાદને આવકાર્યો, અપનાવ્યો છે. લાલુ યાદવના માનીતા રાજકુમાર તેજસ્વી યાદવ છેલ્લી ઘડી સુધી મુખ્ય
પ્રધાન બનવા માટે થનગની રહ્યા હતા અને વિધાનસભામાં સૌથી મોટા પક્ષ તરીકે ઊભા રહેવાની
શેખી કરતા હતા - સ્વપ્ન જોતાં અને લોકોને બતાવતાં હતાં તે - તેજસ્વી યાદવના ચેહરા ઉપરથી
તેજ - નૂર ઊડી ગયું છે. ચૂંટણી પ્રચાર દરમિયાન અમિતભાઈ શાહે કહ્યું હતું કે બિહારના
મુખ્ય પ્રધાન અને દેશના વડા પ્રધાનની ખુરસી ખાલી નથી - સપના જોનારા નિરાશ થશે. તેજસ્વી
યાદવની જેમ રાહુલ ગાંધીને પણ ધોબીપછાડ લાગી છે. છીછરાં પાણીમાં માછલી પકડવાનું નાટક
પણ કર્યું! હવે બિહારે રાહુલ ગાંધીના વોટ-ચોરીના ઍટમ બૉમ્બ અને હાઇડ્રોજન બૉમ્બના ફુગ્ગા
ફોડી નાખ્યા છે. રાહુલ ગાંધીનો ગજ વાગતો નથી છતાં વોટ-ચોરીનાં ગાણાં ગાઈને તેઓ હાસ્યાસ્પદ
બન્યા છે. તેઓ 1995થી પક્ષમાં
સક્રિય થયા છે અને થી 2025 સુધીમાં રાહુલ
ગાંધીની નેતાગીરીમાં કૉંગ્રેસ 95 ચૂંટણી હારી
છે! આ રેકૉર્ડ છે. હવે કૉંગ્રેસ પક્ષના જીહજૂરિયા એમની નેતાગીરીમાં કેટલો વિશ્વાસ રાખે
છે તે જોવાનું છે. પરિવાર અને વંશવાદ લોકતંત્રમાં સ્વીકાર્ય નથી - એમ સમજવા માટે હજુ
કેટલા પરાજય બાકી છે? લાલુ યાદવના
શાસનકાળનું જંગલરાજ લોકોને યાદ છે. યુવા પેઢીને તેની જાણ છે તે પુરવાર કર્યું છે. તેજસ્વી
- એમના પિતા લાલુજી અને માતા રબડીદેવીને પ્રચારમાં પડદા પાછળ રાખ્યાં પણ એનડીએ - ભાજપના
નેતાઓએ જંગલરાજનો મુદ્દો ચગાવ્યો અને આખરે રાહુલ ગાંધી અને તેજસ્વીને `પલાયન'
કર્યા! હવે આ નેતાઓ સામૂહિક `અરણ્ય રુદન' કરી રહ્યા છે! ચૂંટણી જાહેર થઈ ત્યારથી તેજસ્વી મુખ્ય પ્રધાનપદના દાવેદાર હતા.
જાતિવાદ - યાદવ વંશના સમર્થનમાં ઉત્તર પ્રદેશના અખિલેશ યાદવ પણ ચૂંટણી પ્રચાર જંગમાં
ઉતર્યા, આ પછી રાહુલ ગાંધીને પ્રચારમાં ઉત્સાહ ઊડી જવાનું કારણ
યાદવો હાવી થઈ જવાની શંકા પણ હતી! ગમે તેમ પણ તેજસ્વીની પચીસ બેઠકોની સરખામણીએ રાહુલ
ગાંધીની કૉંગ્રેસને માત્ર છ બેઠકો મળી હોવાથી મહાગઢ - અથવા મહાગઠબંધનમાં નાક કપાયું
છે. એનડીએના મહા-વિજયમાં આદિત્યનાથ યોગી અને બાગેશ્વર બાબાનું યોગદાન નોંધપાત્ર છે.
એમણે હિન્દુ એકતા જગાવી અને ગેરકાયદે આવેલા ઘૂસપેઠીઆ સ્થાનિક લોકોના નોકરી-ધંધા પડાવે
છે. સલામતીનું જોખમ હોવાનું સમજાવ્યું. હૈદરાબાદના ઓવૈસીએ જોરદાર આક્રમક પ્રચાર કર્યો
પણ બિહારના મુસ્લિમ મતદારો વધુ સમજદાર નીકળ્યા. નીતિશકુમાર અને નરેન્દ્ર મોદીમાં વધુ
વિશ્વાસ જાહેર કર્યો. તેજસ્વી યાદવે યુવાનોને મનાવવા, પટાવવા
માટે સત્તા મળ્યા પછી પરિવારદીઠ એક વ્યક્તિને સરકારી નોકરી આપવાનું `પ્રણ'
જાહેર કર્યું. નીતિશકુમારે તો મહિલા સશક્તિકરણની યોજનાઓ અમલમાં મૂકી
છે. હવે દરેક મહિલાનાં બૅન્ક ખાતાંમાં દસ-દસ હજાર રૂપિયા જમા કરાવ્યા. કાગળ ઉપર વચન
નહીં - તાત્કાલિક અમલ. નીતિશ સરકારે ચૂંટણી પહેલાં રૂા. 3200 કરોડની કલ્યાણ યોજનાઓ અમલમાં
મૂકી. પાણી અને વીજળી પુરવઠો ઘેર ઘેર પહોંચાડીને લોકોને ખુશ કર્યા. સસ્તી, નિયમિત વીજળી મળે ત્યારે તેજસ્વી લાલુ યાદવના
ફાનસના ભાવ કોણ પૂછે? પ્રશાંત કિશોરે જનસુરાજ પક્ષ શરૂ કર્યો
અને બિહારી યુવાનોએ નોકરી-ધંધા માટે `બહાર' - મુંબઈ
કે દિલ્હી - કોલકાતા જવાની જરૂર નથી એવી ખાતરી આપી પણ રાજ્યની ડબલ એન્જિન સરકારે કેન્દ્રીય
કલ્યાણ યોજનાઓ અમલમાં મૂકીને લોકોને ખાતરી કરાવી છે કે વિકાસ થાય છે. હવે 3200 કરોડ રૂપિયાની કલ્યાણ યોજનાઓ
આગળ ધપાવીને તથા યુવાનોને નોકરી-ધંધાની જોગવાઈ કરવા માટે કેન્દ્ર સરકાર સાથે ખાનગી
ઉદ્યોગો પણ જોડાશે એવો વિશ્વાસ છે. લોકસભાની આગામી ચૂંટણીમાં આ જનાદેશનું પુનરાવર્તન
થાય તે માટે સુશાસન બાબુ - નીતિશકુમારની કસોટી હવે શરૂ થાય છે. બિહારની જનતાએ વોટિંગમાં
ભારે ઉત્સાહ બતાવ્યો. વડા પ્રધાન મોદીએ પણ કહ્યું કે વિરોધીઓને 65 વૉલ્ટનો આંચકો આપ્યો છે. 65થી વધીને બીજા તબક્કામાં 70 વૉટ - વૉલ્ટ થયા. ચૂંટણી પંચ
ઉપર આક્ષેપો કરનારા નેતાઓને મતદારોએ પાઠ ભણાવ્યો છે. મતદારોની યાદીમાંથી 65 લાખ નામોની બાદબાકી થઈ અને
નવાં બાવીસ લાખ નામ ઉમેરવામાં આવ્યાં ત્યારે `વોટ-ચોરી' વાળા
કોઈએ `ચૂં'
કર્યું નહીં. એટલું જ નહીં મતદાનનાં કોઈપણ કેન્દ્રમાં ફરીથી વોટિંગ કરાવવાની
માગણી થઈ નહીં તે બિહારની ઐતિહાસિક ઘટના છે. હવે તેજસ્વી કહે છે આ ચૂંટણી પંચે એનડીએને
વિજય અપાવ્યો છે - હવે બંગાળ અને તામિલનાડુમાં ચૂંટણી પંચને મતદાર યાદીમાં સુધારો નહીં
કરવા દેવાય... ઍટમ બૉમ્બ અને હાઇડ્રોજન બૉમ્બ ધડાકા થશે? શક્ય
છે કે હતાશ નેતાઓ ઉત્પાત મચાવે...