• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

પાકિસ્તાન નહીં સુધરે

ગુરુ પરબ એટલે કે ગુરુ નાનક જયંતીએ પાકિસ્તાનમાંના નનકાના સાહેબની મુલાકાત લેવા માટે શીખયાત્રીઓને છૂટ આપી પણ હિન્દુઓને રોકવાનું અપેક્ષિત છતાં નિંદાજનક કહી શકાય એવું પગલું પાકિસ્તાનના સત્તાવાળાઓએ લીધું છે. અૉપરેશન સિંદૂર બાદ નનકાના સાહેબની મુલાકાતે જનાર આ પ્રથમ શીખ જથા-યાત્રાળુઓના જૂથમાં કેટલાક હિન્દુઓ પણ હતા. હિન્દુઓને અલગ તારવી તેમને ધાર્મિક સ્થળે જવા ન દેવાનો પાકિસ્તાનનો નિર્ણય પહલગામ હુમલામાં આતંકવાદીઓએ ગોળી ચલાવતાં પહેલાં લોકોને તેમનો ધર્મ પૂછ્યો હતો એ બાબતની યાદ દેવડાવે છે. આ સાથે જ પાકિસ્તાને પોતાના બૌદ્ધિક અને નૈતિક નાદારીનો વધુ એક પુરાવો આપ્યો છે. દેશ તરીકે અનેક પડકારોનો સામનો કરી રહેલા પાકિસ્તાનને છેક શરૂઆતથી ભારત માટે ઈર્ષા રહી છે અને એ વાસ્તવિકતાને તેના વહેંતિયા નેતાઓ અને યુદ્ધખોર મિલિટરી શાસકો પચાવી શક્યા નથી કે તેઓ ક્યારેય ભારતની બરાબરી કરી નહીં શકે. આથી, તક મળે ત્યારે આવી હરકતો કરતા રહે છે. એશિયા કપમાં વિજેતા બનેલી ભારતીય ટીમને વિજેતા તરીકેની ટ્રૉફીથી વંચિત રાખવાનો પાકિસ્તાની ક્રિકેટ બોર્ડના વડા અને પાકિસ્તાનના ગૃહપ્રધાન મોહસીન નક્વીનો કિસ્સો પણ જાણીતો છે. ભારતમાં શીખો અને હિન્દુઓ વચ્ચે વૈમનસ્ય વધારવાનો પાકિસ્તાનનો કારસો જાણીતો છે અને વિદેશમાં ખાલિસ્તાની સમર્થકોને તેમના દ્વારા મદદ અપાતી રહે છે.  પાકિસ્તાનના અસ્તિત્વના પાયામાં જ એક વિચાર હતો કે, ધર્મનિરપેક્ષ ભારત ક્યારેય ટકી નહીં શકે. જોકે, સાત દાયકા કરતાં વધુ સમયથી આપણે તેમને ખોટા પાડયા છે. વળી, અૉપરેશન સિંદૂરમાં પાકિસ્તાનને મોંભેર પછડાટ આપ્યા પછી ભારતે એ વિશેની માહિતી આપવા માટે કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંઘની પસંદગી કરી ધર્મનિરપેક્ષતાની સાથે ભારતમાં મુસ્લિમોને સમાન તક મળે છે, એ સંદેશ આપ્યો હતો. પાકિસ્તાન માટે આ પચાવવું મુશ્કેલ હતું. આથી, વિશ્વ સ્તરે ભારતને અપશુકન કરાવવાના પ્રયાસમાં દર વખતે પાકિસ્તાન પોતાનું નાક કપાવી બેસે છે. એશિયા કપ પૂર્વે જ ભારતીય ક્રિકેટ ટીમે સ્પષ્ટ કરી દીધું હતું કે, જો આ સ્પર્ધા તેઓ જીતશે, તો પાકિસ્તાની મોહસીન નક્વીના હાથે તેઓ ટ્રૉફી નહીં સ્વીકારે. આમ છતાં, ફાઈનલ બાદ નફ્ફટાઈપૂર્વક નક્વીએ ઉપ-વિજેતા પાકિસ્તાની ટીમને વિજયી રકમનો ચેક આપ્યો, ભારતીય ટીમ આગળ ન આવી, તો ટ્રૉફી પોતાની સાથે લઈ નક્વી જતા રહ્યા. હવે, ગુરુ નાનક જયંતીએ હિન્દુઓને નનકાના સાહેબ જવા ન દઈ પાકિસ્તાનના સત્તાવાળા શું સાબિત કરવા માગે છે? એશિયા કપમાં અૉપરેશન સિંદૂર બાબતે વાત કરનાર તથા પાકિસ્તાની ટીમના અવળચંડા ક્રિકેટરોને જવાબ આપનાર ભારતીય ટીમના ખેલાડીઓને આઈસીસીએ દંડ-સજા ફટકારી છે પણ મોહસીન નક્વી સામે પગલાં ક્યારે, એવો સવાલ થવો સહજ છે.

Panchang

dd