• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

`પાણી ફર્યા' બાદ ખેતરો ઉપર રાહતની વર્ષા

ગુજરાત સરકારે કૃષિક્ષેત્ર માટે અત્યાર સુધીનું સૌથી મોટું એવું 10 હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે. કમોસમી વરસાદનો માર પડયા બાદ ચિંતામાં રહેલા ખેડૂતોને ભુપેન્દ્ર પટેલની સરકારે સધિયારો આપ્યો છે. સમીક્ષા બેઠક બાદ થયેલી આ જાહેરાતથી હજારો ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે. આખું પેકેજ ઘણું અગત્યનું છે, ખેડૂતો માટે આજનો દિવસ પણ ઘણો મહત્વનો રહ્યો તેમ કહેવાય પરંતુ સૌથી મોટી વાત એ છે કે જ્યાં સરવે થયો નથી તેઓ પણ રાહત માટે અરજી કરી શકશે તેવી જોગવાઈ સરકારે રાખી છે. 42 લાખ હેક્ટર જમીનમાં 100 ટકા નુકસાન ગણીને સરકારે આ નિર્ણય જાહેર કર્યો છે. નાના ખેડૂતને પણ રાહત પેકેજનો ફાયદો થશે. ગુજરાતમાં નવરાત્રિ અને દિવાળી પછી પણ વરસાદ વરસવાનું ચાલુ રહ્યું હતું. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં તો માવઠાંનો વરસાદ પણ 12 ઈંચ સુધી થયો હતો. ખેતીને પારાવાર નુકસાન થયું હતું. ગત બે દાયકામાં ન થયો હોય તેવો કમોસમી વરસાદ આ વર્ષે થયો તેને લીધે મહત્વના પાકને, માર્કેટિંગ યાર્ડમાં પડેલી જણસને નુકસાન થયું હતું. ખેડુતો હતાશામાં ધકેલાઈ ગયા હતા. રાજ્ય સરકારે જો કે મંત્રીઓને અસરગ્રસ્ત વિસ્તારમાં મોકલી તાત્કાલિક પગલાં લીધાં હતાં. બે દિવસ પહેલાં પોષણક્ષમ ભાવે ખરીદી કરવાની પણ જાહેરાત થઈ હતી પરંતુ જે માર પડયો છે, નુકસાન થયું છે તે જોતાં ખેડૂતોને બહુ મોટી અપેક્ષા હતી. આખરે શુક્રવારે સાંજે તેમની આંખના આંસુ લુછાય તેવી જાહેરાત થઈ હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કરેલી જાહેરાત અનુસાર 10 હજાર કરોડ રૂપિયાની ફાળવણી ખેડૂતો માટે થશે. જેમાં 6429 કરોડ કેન્દ્ર-એસડીઆરએફ અને 3386 કરોડ રાજ્યના અંદાજપત્રમાંથી ફાળવવામાં આવ્યા છે.પેકેજ આમ તો 9815 કરોડનું થાય પરંતુ સરકારે 10 હજાર કરોડની જોગવાઈ રાખી છે.મોસમ પછી પણ વરસેલા વરસાદથી થયેલી તારાજીનો ભોગ બનેલા 33 જિલ્લાના 251 તાલુકાના 16000થી વધારે ગામના ખેડૂતો સુધી આ રાહત પહોંચશે. સરકાર બે હેક્ટરની મર્યાદામાં પ્રતિહેક્ટર રૂ. 22000 ચૂકવશે.  સામાન્ય રીતે પૂર જેવી કુદરતી હોનારત કે પછી અતિવૃષ્ટિ- કમોસમી વરસાદ જેવા સમયે થતા સરવે અને રાહતની ચૂકવણી સરકારી રાહે ચાલતાં હોય છે પરંતુ ભુપેન્દ્ર પટેલે ફક્ત 3 દિવસમાં નુકસાનનો સરવે કરીને અહેવાલ સરકારને આપવા ઉચ્ચ સ્તરીય બેઠકમાં આદેશ આપ્યા હતા. ઝડપથી આ કાર્ય પૂર્ણ થયું હતું. જે સરકારની નિસબતની સાબિતી છે. માનવસર્જિત ઘટનાઓ વખતે જે થાય છે, કાયદો વ્યવસ્થાની સ્થિતિ વિશે ચર્ચા થતી રહે છે પરંતુ આ પેકેજ જાહેર કરીને સરકારે અગત્યનું કામ કર્યું છે. સરકાર તો રાહત જાહેર કરે જ પરંતુ પાક પદ્ધતિ, બદલાતા હવામાન સહિતના પરિબળોને ધ્યાને રાખી ખેડૂતોએ શું કરવું, સૌરાષ્ટ્રમાં જ્યાં આજે પણ પાણી માટે ખેડૂત સૌની યોજના- નર્મદા પાણી ઉપર આધારિત છે ત્યાં કેવી રીતે ખેતીમાં પરિવર્તન લાવવા તેના માટેનું માર્ગદર્શન સતત જરુરી છે. જો કે અત્યારે તો ખેડૂતને કુદરતે મારેલા ઘાને રુઝવવા સરકારે માતબર માત્રામાં મલમ ચોપડયો છે જે આવકાર્ય છે. સત્વરે તેની અમલવારી થાય, ખેડૂત સુધી તે રકમ પહોંચે તે જરૂરી છે.  

Panchang

dd