એક તરફ દેશમાં મહિલા સલામતીનો
મામલો દિવસો દિવસ ચિંતાજનક સ્વરૂપ લઈ રહ્યો છે તેમ તેમ રાજકીય નેતાઓની આ મુદ્દે
ઘટતી જતી સંવેદનશીલતા આ ચિંતાને જોખમી સ્વરૂપ આપી રહી છે. પશ્ચિમ બંગાળના
દુર્ગાપુરમાં મેડિકલ કોલેજની એક વિદ્યાર્થિનીની સાથે સામૂહિક દુષ્કર્મની ઘટનાના
હચમચાવી મૂકે તેવા બનાવમાં રાજ્યના મુખ્યમંત્રીએ આપેલી પ્રતિક્રિયામાં ઊલટું
પીડિતાને દોષી ઠેરવતી વાત કરીને દેશભરમાં ભારે ટીકા થઈ રહી છે. મમતા બેનર્જીએ જે
રીતે આ વિદ્યાર્થિની રાતના સાડા બાર વાગ્યે મેડિકલ કોલેજના પરિસરમાં શા માટે ગઈ
એવો સવાલ કરીને પોતાની સવેદનહીનતા છતી કરી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ પોતાના
રાજ્યનો બચાવ કરતા હોય તે રીતે એમ પણ કહ્યંy કે, છોકરીઓએ રાત્રે બહાર
નીકળવું જોઈએ જ નહીં. સ્પષ્ટ છે કે, તેમનાં આવાં નિવેદનથી
ગુનેગારોની હિંમત વધે છે. ખરેખર તો મમતાએ પીડિતા અને તેના પરિવારની પડખે રહીને
તેમની વેદના હળવી કરવાના પ્રયાસ કરવા જોઈએ, પણ તેઓ તેમને જ
દોષી ઠેરવી રહ્યા હોય એવો તાલ સર્જાયો છે. આમે પણ મમતા તેમના રાજ્યમાં કાયદો અને
વ્યવસ્થાની પરિસ્થિતિની સામે સવાલ ઊભા કરે એવા પ્રસંગોએ પ્રમાણભાન વિસરી જતા રહ્યા
છે. આવા કોઈ પણ પ્રસંગે તેઓ બેજવાબદારીભર્યાં નિવદેનો કરીને પોતાની સરકારનો યેનકેન
પ્રકારે બચાવ કરવા મચી પડે છે. થોડા સમય અગાઉ કોલકાતાના પાર્ક સ્ટ્રીટ વિસ્તારમાં
બનેલા દુષ્કર્મના બનાવે ભારે ચકચાર જગાવી હતી, ત્યારે પણ
મમતાએ બનાવને પાયા વગરનો ગણાવીને તેને રાજ્ય સરકારને બદનામ કરવાના ઈરાદા સાથે
સરખાવીને બચાવ કરવાના પ્રયાસ કર્યા હતા. સૌ કોઈ જાણે છે કે, ગયા
વર્ષે કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજના એક તબીબ સાથે દુષ્કર્મ બાદ તેમની હત્યા
નીપજાવવાના ચકચારી કિસ્સામાં રાજ્યના પોલીસ અને વહીવટ તંત્રે આરંભમાં તો બનાવનો
ઢાંકપિછોડો કરવાના પ્રયાસ કર્યા હતા, પણ તેનાથી દેશભરમાં
ભારે રોષ જાગતાં રાજ્ય સરકારે બનાવની તપાસ સીબીઆઈને સોંપી હતી. આમ તો બંગાળમાં
કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સતત બદતર રહી છે. રાજકીય હિંસા માટે પંકાયેલા આ
સંવેદનશીલ રાજ્યમાં સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો જે રીતે બેલગામ બન્યા છે
તેનાથી દેશભરમાં સ્વાભાવિક રીતે ચિંતા વધી રહી છે, પરંતુ
મહિલા સલામતી જેવા નાજૂક મામલે જે રીતે રાજ્ય સરકાર નરમ વલણ લઈને આંખ આડા કાન કરી
રહી છે તેને કોઈ પણ રીતે વાજબી ઠેરવી શકાય તેમ નથી. ઉહાપોહ થયા બાદ મમતાએ તેમનાં
નિવેદનને ફેરવી તોળ્યું છે, પણ જરૂરત તેમની માનસિકતાને
બદલવાની છે.