અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જેના માટે ધમપછાડા કરી રહ્યા
હતા એ શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર વેનેઝુએલાના વિપક્ષી નેતા મારિયા મચાડોને જાહેર
થયો એ અરસામાં જ ગાઝા-ઈઝરાયલ વચ્ચે શાંતિ સમજૂતી અમલમાં આવી. ટ્રમ્પે હમાસ પર ભારે
દબાણ કર્યું હતું. મધ્ય-પૂર્વના દેશોએ પણ ભૂમિકા ભજવી તેને લીધે ઈઝરાયલે શત્રો મ્યાન
કર્યા છે. હમાસે શરતો સ્વીકારી છે, પણ જોવાનું એ છે કે, તણાવભર્યા માહોલમાં સમજૂતી કેટલી
ટકે છે. ગાઝામાં સંઘર્ષ વિરામનું એલાન થયું ત્યારે પણ ઈઝરાયલના હવાઈ હુમલા ચાલુ હતા.
લગાતાર બોમ્બ અને મિસાઈલમારાને લીધે ગાઝાપટ્ટી ખંડેરમાં ફેરવાઈ ગઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પને
શાંતિ પહેલ માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અભિનંદન પાઠવ્યા. ટ્રમ્પનો ઈઝરાયલ
પ્રત્યે પક્ષપાત જગજાહેર છે. નેતન્યાહુ સાથે સંઘર્ષ વિરામ ફોર્મ્યુલા તૈયાર કર્યા પછી
તેમણે પેલેસ્ટાઈન પર ભારે દબાણ કર્યું. હમાસને માનશે નહીં તો ખતમ કરી દેવાની ધમકી સુદ્ધાં
આપી હતી. એકંદરે લાંબા લોહિયાળ સંઘર્ષ પછી સ્થપાયેલી શાંતિ અને એ માટેના પ્રયાસો પ્રશંસા
યોગ્ય છે. રાજદ્વારી નિષ્ણાતો ચિંતિત એટલા માટે છે કે, આ સમજૂતી
દબાણ હેઠળ કરવામાં આવી છે. બળજબરીપૂર્વકની સંમતિ ટકી રહેશે એની ગેરેંટી નથી હોતી. ઈઝરાયલે
હવે આક્રમકતા મૂકીને સંયમ જાળવવો રહ્યો. હમાસે વીસસૂત્રી કાર્યક્રમના પાલન માટે પ્રતિબદ્ધતા
દર્શાવવી રહી. હમાસનું નિ:શત્રીકરણ અને ગાઝામાં વહીવટી દખલ બંધ કરવાની શરત કસોટીકારક
છે. અહીં એ નોંધનીય છે કે, ઈઝરાયલ-હમાસ વચ્ચે બે વર્ષથી જારી
સંઘર્ષ વચ્ચે અમેરિકાએ શાંતિ યોજના આગળ ધરી હતી, જેના પર ઈજિપ્તમાં
મળેલી આરબ દેશોની બેઠકમાં મહોર લાગતાં અશાંત ક્ષેત્ર તથા પશ્ચિમ એશિયામાં શાંતિની આશા
નક્કર બની શકી. હકીકતમાં આ સંઘર્ષની આગ ગાઝાને વટાવીને યમન, લેબેનોન
અને ઈરાન સુધી પહોંચી ચૂકી હતી. બે વર્ષ પહેલાં સાતમી ઓક્ટોબરે હમાસના આતંકવાદીઓએ ઈઝરાયલમાં
ઘૂસી જઈ 1200થી વધુ ઈઝરાયલી
અને અમુક વિદેશી નાગરિકોનાં મોત નીપજાવતો મોટો હુમલો કર્યો, ત્યારથી આ લોહિયાળ સંઘર્ષનો આરંભ થયો હતો. આ
હુમલા દરમ્યાન બસ્સોથી વધુ લોકોનું અપહરણ કરીને હમાસના આતંકવાદીઓ તેમને ગાઝા ઉઠાવી
ગયા હતા. ચોંકી ઊઠેલાં ઈઝરાયલે તાબડતોબ પગલાં ભરીને વ્યાપક હુમલો કરીને 65 હજારથી વધુ પેલેસ્ટીનિયન નાગરિકોના
માર્યા ગયાનો દાવો કર્યો હતો. આજે ગાઝા ખંડેર બની ચૂક્યું છે. લાખો લોકોને વારંવારના
પલાયન માટે મજબૂર બનવું પડયું છે. મોટી વિડંબના તો એ છે કે, ભલે ઈઝરાયલે હમાસના ક્રૂર હુમલાના જવાબમાં સૈન્ય
કાર્યવાહી કરી હોય, ભોગ તો સામાન્ય પેલેસ્ટીનિયન નાગરિકોને જ
બનવું પડયું છે. મૃત્યુ પામનારાઓમાં મહિલાઓ અને બાળકોની સંખ્યા મોટી છે. અહીં હોસ્પિટલથી
લઈને તમામ સાર્વજનિક સેવાઓ ધ્વસ્ત થઈ ચૂકી છે. સંયુક્ત રાષ્ટ્રે પણ પુષ્ટિ કરી હતી
કે ગાઝામાં લોકો ભૂખમરાનો શિકાર છે કેમ કે, ઈઝરાયલે રાહત સામગ્રી
પહોંચે તેવા તમામ રસ્તા બંધ કરી નાખ્યા હતા. ઈઝરાયલ અને અમેરિકાની દેખરેખમાં શરૂ થયેલી
કથિત રાહત સામગ્રી વિતરણ કામગીરીમાં પણ ઈઝરાયલે કરેલા હુમલા દરમ્યાન હજારો પેલેસ્ટીનિયનને
જીવ ખોવો પડયો હતો. કાલાંતરે આ લડાઈ ઈઝરાયલ અને લેબેનોન વચ્ચેના સંઘર્ષ સુધી વિસ્તરી
હતી. હુતી વિદ્રોહીઓ સાથે સંઘર્ષ બાદ તો આ લડાઈની આગ ઈરાન સુધી પહોંચી હતી. હુતીઓના
હુમલાથી સદ્રીમાર્ગે થતા વૈશ્વિક વ્યાપાર સુધી તેની ગંભીર અસર થઈ હતી. હાલમાં તો હવે
જ્યારે ઈઝરાયલ અને હમાસ સંઘર્ષ વિરામ માટે રાજી થયા છે ત્યારે હવે આ શાંતિ કાયમી રહે
તેવા પ્રયાસ થવા જોઈએ. જો કે, બેહદ આક્રમક વલણ અપનાવી રહેલું
ઈઝરાયલ ભવિષ્યમાં ચૂપ રહેશે કે કેમ એ કહેવું હાલની ઘડીએ તો અઘરું રહેશે. હમાસ વીસ ઈઝરાયલી
બંધક અને માર્યા ગયેલા લોકોના મૃતદેહ સોંપવા રાજી થયું છે. બદલામાં ઈઝરાયલ દ્વારા હમાસના
અમુક લડાકુઓ સહિત હજારો પેલેસ્ટીનિયન કેદીઓને મુક્ત કરવાના છે. આમ તો ગાઝામાંથી ઈઝરાયલી
સૈનિકોની વાપસીની પણ શરત છે જ, પરંતુ અમેરિકી કૃપાથી નિરંકુશ
વર્તી રહેલા ઈઝરાયેલ પાસેથી તેવી આશા રાખવી પણ અઘરી છે.