• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

કચ્છના પ્રવાસનની ખુશ્બૂ; થેંક્યુ બિગ-બી

કૌન બનેગા કરોડપતિ શોમાં હોટ સીટ પર જાવેદ અખ્તરની હાજરીમાં અમિતાભ બચ્ચને 83મા જન્મદિવસની ઉજવણી કરી... માતા તેજી બચ્ચન ઓડિયો ક્લિપમાં પોતાના હોનહાર પુત્ર પર ગર્વ મહેસૂસ કરી રહ્યા છે... દિવંગત માતાનો અવાજ સાંભળીને અમિતાભ ભાવુક થઈ ગયા... આ દૃશ્ય સાથે ટીવી શો નિહાળી રહેલા હજારો દર્શકોનીએ આંખો ભીંજાઈ ગઈ... અમિતાભની આ ખૂબી છે. પોતાના ચાહકોને, સંપર્કમાં આવનાર દરેકને બાંધી રાખે છે. બિગ-બીનો જાણે કે જાદૂ છવાઈ જાય છે. કચ્છ એટલે કચ્છમાં અમિતાભને યાદ કરવાનું નિમિત્ત પૂરું પાડયું 11મી ઓકટોબરના તેમના જન્મદિવસે... કચ્છમિત્ર કચ્છના હોટેલિયર્સ તથા ટૂર ટ્રાવેલ્સ ઓપરેટર્સ સાથે મળીને ટૂરિઝમ કોન્કલેવ કરવા જઈ રહ્યું છે... પૂર્વ તૈયારીની મિટિંગમાં એક સ્પષ્ટ મત આવ્યો કે, પ્રવાસન નિગમ ફરી ટેલિવિઝન પર કચ્છ સંબંધિત વિજ્ઞાપનો શરૂ કરે એ જરૂરી છે. તેમાંય અમિતાભવાળી `કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા' ટેગવાળી એડ તો જોઈએ ને જોઈએ... અમિતાભને કચ્છ સાથે વિશેષ સીધો સંબંધ નથી. તેના પુત્ર અભિષેક બચ્ચને જે ફિલ્મથી રૂપેરી પરદે પદાર્પણ કર્યું એ જે. પી. દત્તાની રેફયુજી કચ્છની રણકાંધીએ લખપત પાસે શૂટ થઈ હતી અને રણમાં અમિતાભે છકડાની સવારી કરીને શૂટિંગ કર્યું હતું. અમિતાભ માટે કચ્છનો સંદર્ભ લઈએ ત્યારે કચ્છી સંગીતકાર કલ્યાણજી-આણંદજીને પણ યાદ કરવા પડે.  પહેલાં વાત પ્રવાસનની. કચ્છ કુદરતની અણમોલ ભેટ જેવો પ્રદેશ છે. અહીંનું રણ, ભાગીતળ લોકસંસ્કૃતિ, માંડવી અને પિંગલેશ્વરનો સમુદ્ર કાંઠો, ઐતિહાસિક ધરોહર સાચવી બેઠેલી ઈમારતો, ધોરડો ને ધોળાવીરા, પુરાણપ્રસિદ્ધ યાત્રાધામો, બેનમૂન હસ્તકલા બધું જ હોવા છતાં દેશના અન્ય વિસ્તારોની સરખામણીએ કચ્છ પ્રવાસીઓ માટે નૈસર્ગિક આકર્ષણનું કેન્દ્ર બની શક્યું નહોતું ને અમિતાભની વિજ્ઞાપન ઝુંબેશે જાણે ચમત્કાર કર્યો... આજે કચ્છ વિશ્વ પ્રવાસનના નકશામાં એક આકર્ષણ લેખાઈ રહ્યું છે તેનું શ્રેય અમુક અંશે બચ્ચનને પણ જાય છે. યસ, મોદીએ ટ્રેન્ડ બદલ્યો. તેમની પારખુ નજરે કચ્છનું સામર્થ્ય પિછાણ્યું. ખુદ બે-ત્રણ દિવસનું રોકાણ કરીને રણસફારી અને કચ્છ કાર્નિવલ યોજ્યા. આ પ્રયાસોથી કચ્છ તરફ દેશ-દુનિયાનું ધ્યાન ગયું, એ પછી  `ખુશ્બૂ ગુજરાત કી' થીમ હેઠળ મહાનાયક બચ્ચન જ્યારે ટીવી પર કહેતા હોય - `કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા' એને કોર્ટમાં ચુકાદો સંભળાવતા જજના ફરમાન જેમ જ માનવું પડે. ટૂંકમાં 2010 દરમ્યાન અમિતાભની કચ્છયાત્રા પછી પ્રવાસન વિકાસની વિશાળ સંભાવનાઓ ખૂલી ગઈ. બીજીવાત કલ્યાણજીભાઈવાળી. 1985થી 1988 કચ્છમાં સળંગ દુષ્કાળ પડયો હતો. માનવી અને પશુઓની હાલત બદતર બની ગઈ હતી, ત્યારે તા. પમી મે, 1987ના રોજ વિખ્યાત કચ્છી સંગીતકાર બેલડી કલ્યાણજી-આણંદજીએ કિશોરકુમાર નાઈટ યોજીને દુષ્કાળ રાહત ભંડોળ એકઠું કર્યું હતું. જ્યુબિલી મેદાનમાં હજારોની મેદની વચ્ચે કલ્યાણજીભાઈએ વચન આપ્યું હતું... `મેઘરાજા મન મૂકીને વરસશે તો ઉજવણી માટે અમિતાભ બચ્ચનને કચ્છ લઈ આવીશ.અને લગભગ 24 વર્ષે બિગ-બીએ કચ્છની ધરતી પર પગ મૂક્યો હતો અને સદ્નસીબે અત્યારે કચ્છનો સારો કાળ ચાલી રહ્યો છે. વિકાસના રાજમાર્ગ પર કચ્છની ગાડી દોડવા લાગી છે.  પંદર વર્ષ પહેલાંનો સમય યાદ કરીએ તો પ્રવાસન ખાતાંએ બચ્ચનને મહદ્અંશે ઘેરાબંધીમાં રાખ્યા હતા તેમ છતાં ભુજ એરપોર્ટથી લઈને માંડવી સુધી તેઓ જ્યાં-જ્યાં ગયા ત્યાં ચાહકોની ભીડ એક ઝલક મેળવવા ઊમટતી હતી. ખુદ બચ્ચને એવી તાજુબી દર્શાવી કે, કચ્છમાં મારા પ્રત્યે આવો ઉમળકો દર્શાવાશે, આવો સત્કારે થશે એની કલ્પના નહોતી અને વાતે સાચી છે. કચ્છમાં ફિલ્મ શાટિંગ માટે અનેક કલાકાર આવી ગયા, પરંતુ અમિતાભ જેટલી પડાપડી ક્યાંય જોવા મળી નહોતી. આ બચ્ચનના વ્યક્તિત્વ, ખાનદાન અને વિચક્ષણ અભિનેતા તરીકેની તેમની ઈમેજનો પ્રતાપ છે. ભૂતનાથ કે અલ્લાદીનના જીન જેવી અવનવી ભૂમિકા ભજવતા થયા છે, પરતું ચાહકોના એક વિશાળ વર્ગના મનના ખૂણે હજુ શોલેનો જય, ત્રિશૂલ અને દીવારનો વિજય, ઝંઝીરનો પોલીસ ઈન્સ્પેક્ટર, નમકહલાલનો અર્જુનાસિંગ વલ્દ ભીમાસિંગ, અમર અકબરનો એન્થની અને અગ્નિપથનો વિજય દીનાનાથ ચૌહાણ જ જીવે છે. ગરીબી, મોંઘવારી, બેરોજગારીથી ત્રસ્ત હિન્દુસ્તાનની આમજનતાના એક વિશાળ વર્ગે અન્યાય સામે લડતાં હિંમતબાજ બચ્ચનની વિવિધ ભૂમિકાઓમાં પોતાની જ છબી જોઈ છે. અમિતાભનું વાસ્તવિક જીવને તેણે ભજવેલી અનેક એંગ્રી યંગમેનની ભૂમિકાઓ જેવું જ સંઘર્ષશીલ રહ્યું છે. માયસ્થેનિયા ગ્રેવીસની બીમારી, `કૂલી'નાં શાટિંગ વખતનો ગંભીર અકસ્માત અને અત્યારે દમ-લિવરની બીમારીથી પીડાઈ રહ્યા છે. સુપરસ્ટાર તરીકેનો ફતવો ભોગવ્યા પછી એબીસીએલની નાદારી જેવી હાલત વખતે આર્થિક સંકડામણે અનુભવી છે. અંગત જીવનમાં રેખા સાથેના પ્રેમસંબંધ દરમ્યાન પારિવારિક સંઘર્ષ થયો ને રાજકારણના ગંદવાડનોય અનુભવ લીધો છે. ટૂંકમાં બિગ-બીની જિંદગીના અનેક રૂપ છે. 1990ના દાયકામાં તેણે ઉપરાઉપરી નિષ્ફળતા પછી પાંચ વર્ષનો સંન્યાસ લીધો ત્યારે સૌ કોઇએ માન્યું કે એક યુગ પૂરો થયો. મીડિયાએ તો રાજ બબ્બરથી લઈને સંજય દત્ત સુધી નવા સુપરસ્ટારની અટકળો લગાવીને ઘણું લખી નાખ્યું હતું. બચ્ચન સાચા લડવૈયા પુરવાર થયા અને ફિનિક્સ પંખીની જેમ રાખમાંથી બેઠા થયા. કદાચ તેથી જ તેની ઘણીખરી સફળ ફિલ્મોના નાયકનું નામ વિજય રખાયું હશે.  આ વિજય એકમાત્ર એવો અભિનેતા છે જેની ત્રણ ત્રણ પેઢી ચાહક રહી હોય.  બોલીવૂડનો આજે પણ એ નંબર વન બાદશાહ છે. જ્યાં જાય ત્યાં એ રૂઆબથી કહી શકે છે હમ જહાં ખડે રહેતે હૈ લાઈન વહીં સે શુરૂ હોતી હૈ.. અમિતાભ પહેલેથી આવો જ છે કે અનુભવે ઘડાયો છે ? આ સવાલનો જવાબ ભુજના જાણીતા તસવીરકાર પરેશ કપ્ટાના અનુભવમાંથી મળી શકે. હમનાં શાટિંગ વખતે મુંબઈમાં પરેશ અમિતાભને મળી આવ્યો હતો એ કિસ્સાથી `કચ્છમિત્ર'ના વાચકો અજાણ નથી. અહીં અમિતાભે પરેશને શું કહ્યું હતું એની વાત વધુ એકવાર તાજી કરીએ. પોતાની વેનિટી વેનમાં ભોજન કરી રહેલા બચ્ચને પરેશને પૂછયું : `ક્યા કર રહે હો ?' જવાબ હતો : કચ્છમેં છોટી મોટી ફોટોગ્રાફી કર લેતા હું? બચ્ચને તુરત પરેશને ટપાર્યો : `તમે હાથલારી ચલાવતા હો, કે ફોટોગ્રાફી કરતા હો... પોતાનાં કામને કદી નાનું નહીં સમજવાનું અને જે કરો એ દિલથી કરો.' અમિતાભ આજે 83 વર્ષે પણ સક્રિય છે. ચહેરા પર કે અવાજમાં ઉમરની અસર વર્તાય. ઘણીવાર સોશિયલ મીડિયામાં અમિતાભ પોતાની શારીરિક લાચારી વિષે ગૂઢાર્થમાં લખતા હોય છે પણ તે આજે પણ અમિતાભ છે એક અને અજોડ. 83મા જન્મદિવસ નિમિત્તે અમિતાભને અભિનંદન. 

Panchang

dd