ભારતે
ઓપરેશન સિંદૂરની સફળતા બાદ હવે રાજદ્વારી મોરચે પાકિસ્તાનના અણુ શત્રોના જોખમ અંગે
ચાવીરૂપ ઓપરેશન શરૂ કર્યું છે. ભારતે વૈશ્ચિક સંગઠનોના મંચ પરથી પાકિસ્તાનના અણુ શત્રોને
આંતરરાષ્ટ્રીય અણુ એજન્સીની સીધી દેખરેખ હેઠળ રાખવાની ભારપૂર્વકની માગણી કરી છે. ઓપરેશન
સિંદૂર વેળાએ પોતાની બરબાદી જોઈને થથરી ગયેલાં પાકિસ્તાને છેલ્લે પાટલે બેસીને અણુ
હુમલાની ધમકી આપીને આખી દુનિયા સમક્ષ અણુ જોખમનો ભય ઊભો કર્યો હતો. જો કે, હવે યુદ્ધવિરામ અમલી બનતાં ભારતે પાકિસ્તાનની
સામે રાજદ્વારી મોરચો ખોલી નાખ્યો છે. સાથોસાથ
પાકિસ્તાનની અણુ હુમલાની ધમકીથી કોઈ ડર ન હોવાની સ્પષ્ટ વાત કરીને ભારતીય વડાપ્રધાન
નરેન્દ્ર મોદી સહિતના ઉચ્ચ પદાધિકારીઓએ ભારતની હિંમત દર્શાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના
અણુ શત્રો અંગે લાંબા સમયથી ચિંતા વ્યક્ત થતી રહી છે. ખાસ તો ત્યાં ભારે પ્રભાવ ધરાવતા
આતંકી સંગઠનોના હાથમાં આ શત્રો ચડી જાય, તો તેનાથી ભારે નુકસાન
થવાનું જોખમ સતત સામે આવતું રહ્યું છે. ભારતની સાથોસાથ દુનિયાના સંખ્યાબંધ દેશો પાકિસ્તાનના
આતંકી ચહેરાને બરાબર ઓળખે છે. આવામાં તેના અણુ શત્રો તમામની માટે ચિંતાની બાબત બનતા
રહ્યા છે. આ વખતે ભારતે પાકિસ્તાનના આતંકી અડ્ડાઓને નિશાન બનાવ્યા હતા. તેના પૂરાવા પણ આખી દુનિયાને આપી દીધા હતા,
પણ પોતે અણુ સત્તા હોવાની સતત બડાશ ફૂંકતા અને ભારતને તેની ધમકીઓ આપવામાં
જરા પણ પાછીપાની ન કરતાં પાકિસ્તાનની અણુ શક્તિને કાબૂમાં લેવાની વિશ્વ સમુદાયે ભાગ્યે
જ કોઈ તસ્દી લીધી છે. ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ રીતે કહ્યંy છે કે, ભારત પાકિસ્તાનની અણુ ધમકીઓને સામે
ઝૂકશે નહીં. તો સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ આ મુદ્દે આંતરરાષ્ટ્રીય સમુદાયનું ધ્યાન
ખેંચ્યું છે કે, પાકિસ્તાન દુષ્ટ અને બેજવાબદાર દેશ છે,
તેની પાસે અણુ શત્રો વિશ્વ માટે જોખમી છે, માટે
આ શત્રોને આંતરરાષ્ટ્રીય અણુ ઊર્જા એજન્સીની દેખરેખ હેઠળ રખાવી દેવાની જરૂરત પણ તેમણે
વ્યક્ત કરી છે. ભારતે હવે સર્વપક્ષીય સાંસદોના
પ્રતિનિધિ મંડળને વૈશ્વિક સંસ્થાઓ અને ચાવીરૂપ દેશો પાસે મોકલીને પાકિસ્તાનના આતંકી
ચહેરા અને તેની સામે હાથ ધરાયેલાં ઓપરેશનની સાચી હકીકતથી માહિતગાર કરવાની તૈયારી કરી
લીધી છે. આવનારા દિવસોમાં ભારતના આ રાજદ્વારી ઓપરેશનથી પાકિસ્તાનના આતંક અને અણુ શત્રોના
જોખમો સામે મોરચો ખોલાશે. ઈરાનના અણુ શત્રોના મામલે અમેરિકાના નેતૃત્વ હેઠળના દેશો
જ્યારે કડક પગલાં લઈ રહ્યા છે, ત્યારે પાકિસ્તાની અણુ શત્રોના
જોખમ સામે એવી કાર્યવાહી હાથ ધરાય તે માટેનો સમય પાકી ગયો છે, પણ તુર્કી અને ચીનનું ખુલ્લું સમર્થન ધરાવતાં પાકિસ્તાન સામે અણુ શત્રોના મામલે
કોઈ નક્કર પગલાં લેવા માટે ભારતે વૈશ્વિક સ્તરે વધુ આક્રમક રાજદ્વારી પ્રયાસ હાથ ધરવા
પડશે એ નક્કી છે.