પાકિસ્તાન જેવા દુશ્મન દેશની સરહદે તૈનાત સીમા સુરક્ષા દળ માટે
સતત સાબદા રહેવાની અનિવાર્યતા રહેતી આવી છે.
સરહદે શાંતિ હોય કે તંગદીલી દુશ્મની સામે દેશની સલામતની પ્રથમ હરોળ બની રહેતાં
આ દળના એક જવાન પંજાબ સહરદેથી પાકિસ્તાની રેન્જર્સ
દ્વારા જબ્બે કરાતાં તેની સલામતી અંગે દેશભરમાં ચિંતા જાગી હતી. ઓપરેશન સિંદૂર પહેલાં બનેલા આ બનાવમાં હવે આ જવાન
પરત સોંપાયો છે. બન્ને દેશ વચ્ચે યુદ્ધની સ્થિતિ થોડી હળવી બન્યા બાદ પાકિસ્તાને સીમા
દળના આ જવાને પરત સોંપ્યો છે, તો ભારતે
પણ તેના સાટામાં પાકિસ્તાની રેન્જર્સના એક જવાનને મુક્ત કરી દીધો છે. ઉલ્લેખનીય છે
કે, સીમા દળના જવાન પૂર્ણમ સવા ગઈ 23મી એપ્રિલે પંજાબ સરહદ ભૂલથી ઓળંગી ગયા
હતા અને તેમને પાકિસ્તાની દળોએ જબ્બે કર્યા હતા,
ત્યારથી તેમની મુક્તિ માટે ભારતે પ્રયાસ આદર્યા હતા, પણ ઓપરેશન સિંદૂરને લીધે આ પ્રયાસ અટવાઈ જતાં આ જવાનની મુક્તિ અનિશ્ચિત બની
હતી. આવા સંજોગોમાં તેમના પરિવાર અને દેશમાં ભારે ચિંતા જાગી હતી. યોગાનુયોગ રાજસ્થાનની સરહદે પાકિસ્તાની રેન્જરના
એક જવાનને ભારતીય વિસ્તારમાંથી ઝડપી લેવાયો હતો. બન્ને દેશ વચ્ચે યુદ્ધવિરામ થયા બાદ
પાકિસ્તાન અને ભારતે એકમેકના જવાનોને મુક્ત કરી દીધા છે. સ્વાભાવિક રીતે ભારતીય જવાનના
પરિવાર અને તેમના સાથીદારોએ હાશકારો અનુભવ્યો છે. આ મુક્તિએ બન્ને દેશ વચ્ચેના રાજદ્વારી અને લશ્કરી સંપર્કો હજી કામ કરતા હોવાની
પ્રતીતિ કરાવી આપી છે. આમ તો ભૂતકાળમાં આવા બનાવ સામે આવતા રહ્યા છે, પણ યુદ્ધના માહોલમાં બનેલા બનાવોની ગંભીરતા વિશેષ બની જતી હોય છે. પૂર્ણમ સવાની મુક્તિ તો થઈ છે, પણ સામે આવી રહેલી વિગતો મુજબ પાકિસ્તાનીઓએ તેમની સાથે ભારે અત્યાચાર કર્યો
હતો. આમ તો આવા સંજોગોમાં અન્ય દેશમાં ઝડપાયેલા સલામતી જવાનોની સાથે ભારે માનવીય વહેવાર
કરવાનું અનિવાર્ય હોય છે. આ માટે આંતરરાષ્ટ્રીય કાયદા અને સંધીઓ પણ અમલમાં છે,
પણ પાકિસ્તાને માનવતાના આવા ધોરણોની પરવાહ કરી ન હોવાની ચોંકાવનારી હકીકતો
સામે આવી રહી છે. હાલે તો સીમા દળના આ જવાનની
દેખભાળ કરાઈ રહી છે અને તેમની સાથે કરાયેલાં વર્તનની વિગતો મેળવાઈ રહી છે, પણ આ બનાવ અને અત્યાચારની સામે આવી રહેલી વિગતોએ પાકિસ્તાનનો વધુ એક અમાનવીય
ચહેરો છતો કર્યો છે.