ભારતીય ક્રિકેટ ટીમે દુબઈ સ્ટેડિયમમાં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી
જીતી 140 કરોડ દેશવાસીને ખુશીઓના રંગમાં
તરબતર કરી નાખ્યા છે. ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને ચાર વિકેટથી પરાજય
આપી ભારતે લાગલગાટ બીજી આઈસીસી ટ્રોફી જીતી છે અને બાર વર્ષ પછી ફરીવાર ચેમ્પિયન્સ
ટ્રોફી વિજેતા બન્યું છે. ત્રણ વખત આઇ.સી.સી. ચેમ્પિયન્સ ટ્રોફી જીતનારી ભારત પહેલી
ટીમ બની છે. 2002માં સૌરવ ગાંગુલી, 2013માં મહેન્દ્રસિંહ
ધોની અને 2025માં રોહિત શર્માની કેપ્ટનશિપમાં
આ ગૌરવ મળ્યું છે. ભારતનું એક દિવસીય આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બનવું
ટીમ ભાવનાને આભારી છે. ભારતની ટીમ માટે દુબઇનાં એકમાત્ર સ્થળે રમવાને લઇને આક્ષેપો
થયા. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્તરે ચર્ચા થઇ, પરંતુ હકીક્ત એ છે કે, રોહિતસેનાએ દરેક પ્રતિસ્પર્ધીને
હાર આપી છે. આ કોઇ શાનદાર ટીમ જ કરી શકે. ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વોનનું કહેવું
છે કે, સફેદ બોલ ક્રિકેટમાં ભારત આજે મહાશક્તિ છે. રોહિત શર્માની
ટીમ સિત્તેર-એંસીના દાયકામાં વેસ્ટ ઇન્ડિઝ ભોગવતી હતી એવો દરજ્જો ધરાવે છે. કોઇ બીજી
ટીમ તેને હરાવી શકવાની સ્થિતિમાં નથી. આ સ્પર્ધામાં ભારતે અપનાવેલી ચાર સ્પિનર (કુલદીપ
યાદવ, વરુણ ચક્રવર્તી, અક્ષર પટેલ અને રવીન્દ્ર
જાડેજા) રમાડવાની વ્યૂહરચના સફળ સાબિત થઈ. ફાઇનલમાં રોહિત શર્માની કેપ્ટન્સ ઇનિંગ્સ,
મિડલ ઓર્ડરમાં શ્રેયસ ઐય્યર, અક્ષર પટેલ અને કે.એલ.
રાહુલની રમતથી ભારત ફાઇનલમાં વિજયી થયું. આ બધું બહુ લાંબા સમય સુધી ભારતની ક્રિકેટપ્રેમી
જનતાને યાદ રહેશે.