અમેરિકામાં ગેરકાનૂની રીતે વસી રહેલા નાગરિકોને દેશનિકાલ કરવાનું
શરૂ થઈ ગયું છે. આજે પ્રથમ વિમાન આવા ભારતીયોને લઈને અમૃતસર એરપોર્ટ પર લેન્ડ પણ થઈ
ગયું. 33 ગુજરાતી સહિત ભારતીયો અહીં
આવ્યા છે. તેમને અહીં વસાવવાની વ્યવસ્થા વગેરે કાર્યવાહી તો હવે થશે. શક્ય છે ત્યાં
ગયેલા અનેક લોકોનો પરિવાર તો અહીં હોય પણ ખરો એટલે કદાચ આ સમસ્યા બહુ વિકરાળ નહીં હોય.
આ સમગ્ર કાર્યવાહીમાં ભારતનું વલણ પહેલેથી જ યોગ્ય રહ્યું છે. અનેક દેશ પોતાના લોકોને
પરત લેવાનો ઈન્કાર કરી રહ્યા છે. ભારતે પહેલેથી જ આ બાબતે હકારાત્મક વલણ રાખ્યું છે.
કોઈ પણ દેશને પોતાની ધરતી ઉપર ગેરકાયદે રહેતા લોકોને કાઢવાનો અધિકાર છે. અમેરિકા પણ
આ કાર્યવાહી પ્રથમવાર કરી રહ્યું નથી. જો બાયડન પ્રમુખ હતા, ત્યારે પણ અનઅધિકૃત રીતે વસતા 4 લાખથી વધારે લોકોને તેમણે અમેરિકાથી બહાર
મોકલી દીધા હતા, જેમાં કેટલાક ભારતીયો પણ
હતા. ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી વખતે આ સંકલ્પ લીધો હતો તેથી તેઓ આ કાર્યવાહી કરે તેમાં
પણ નવાઈ નથી. જો કે, તેમણે ધારણા કરતાં વધારે વહેલું આ બધું શરૂ
કર્યું હોવાની લાગણી પણ સર્વત્ર છે. અમેરિકામાં અનઅધિકૃત રીતે અંદાજે એક કરોડ લોકો
વસે છે, જેમાંથી 40 લાખ મેક્સિકના છે. ભારતના 7 લાખ લોકો યુએસમાં અનઅધિકૃત રીતે વસી રહ્યા હોવાનું જાહેર થયું
છે. પહેલા તબક્કે 18,000 ભારતીયને
અહીં મોકલવાની કાર્યવાહી છે. આ નાગરિકોને પરત લેવા ભારત સરકાર તૈયાર છે તે ચોક્કસ સારી
વાત છે, પરંતુ હવે પ્રશાસને કેટલીક અન્ય બાબતો તરફ પણ
ધ્યાન આપવું જોઈએ. રાજ્યોનો સહયોગ લઈને સરકારે તે જોવું જોઈએ કે આમ અનઅધિકૃત રીતે આવા
લોકોને વિદેશ મોકલે છે કોણ ? આવા તત્ત્વો સામે કાર્યવાહી કરવી
જોઈએ. આવા તત્ત્વો-એજન્સીઓ માણસોને છેતરે તો છે સાથે જ તેમને મુશ્કેલીમાં પણ મૂકે છે,
જેની સહાયથી ભારતીયો નોકરી માટે વિદેશ જાય છે તે તંત્રને પણ સરકારે વ્યવસ્થિત
કરવું જોઈએ. અમેરિકા અને અન્ય દેશોને ભારતના કારીગરો કે કુશળ ટેક્નોક્રેટ્સની જરૂર
છે. અમેરિકા આજે આ કાર્યવાહી ઝડપથી કરી રહ્યું છે તે અલગ વાત છે, પરંતુ વિદેશી કર્મચારીઓ - કામદારો વગર તેમને પણ ચાલે તેમ નથી તે વાસ્તવિકતા
છે. ભારતના એ લોકો જેઓ અમેરિકામાં વસે છે તેમાંના આ કેટલાક અલબત્ત અનઅધિકૃત રીતે ત્યાં
વસ્યા હશે તે વાત અલગ છે, પરંતુ તેઓ શિક્ષિત છે, ત્યાંની ભાષા જાણે છે અને અન્ય કાયદાઓનું પણ પાલન કરે છે. અમેરિકાની સરકારે
તેમને અધિકૃત કરવા માટે વ્યવસ્થા કરી હોત તો તે વધારે યોગ્ય ગણાત. ઈન્ફર્મેશન ટેક્નોલોજી
ક્ષેત્રે તો ભારતીયોએ અમેરિકામાં નોંધપાત્ર કામ કર્યું છે, એક
સવાલ એ પણ થાય કે શા માટે અમેરિકા આવા નાગરિકો માટે હકારાત્મક વલણ નથી રાખતું
? જો કે, આ પ્રશ્ન કરવાથી અમેરિકામાં રહેતા ભારતીય કે અન્ય નાગરિકોનો વસવાટ સાચો પુરવાર
થતો નથી. અત્યારે તો ભારતીયો ત્યાંના વ્યવસાય-નોકરી મૂકીને અહીં આવી રહ્યા છે,
તેમના માટે અને સરકાર માટે પડકાર છે કે અહીં તેઓ શું કરશે?