ઓસ્ટ્રેલિયાની સરકારે દેશમાં
16 વર્ષથી ઓછી વયનાં બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાદતો કાયદો પસાર કર્યો
છે. સરકારના આ નિર્ણયથી મોટી ટૅક કંપનીઓને ફટકો પડશે. જે કંપનીઓ કાયદાનો અમલ નહીં કરે
તેને 49.5 અૉસ્ટ્રેલિયન ડૉલરનો દંડ કરવામાં આવશે. સગીરો લૉગઈન ન કરી શકે એ માટે ટિકટોક
સહિત તમામ સોશિયલ મીડિયા સાઈટ્સે પગલાં લેવાં પડશે. નવા વર્ષે જાન્યુઆરી 2025થી કાયદાનો
અમલ થશે. સોશિયલ મીડિયા મિનિમમ એજ બિલ અન્ય દેશો કે જેઓ સગીરો માટે સોશિયલ મીડિયા પર
પ્રતિબંધ મૂકવા પ્રતીક્ષામાં છે તેમને માટે આ એક ટેસ્ટ બનશે. હાલ વિશ્વના વાલીઓ એક
જ ચિંતાથી ગ્રસ્ત છે, તે એટલે બાળકો દ્વારા સોશિયલ મીડિયાનો થતો વધુપડતો ઉપયોગ. મોટા
ભાગના સોશિયલ મીડિયા પર વપરાશકર્તાની ઓછામાં ઓછી વય 13 હોવાનું બંધન છે. જોકે, આ બાબતે
કડકાઈ કે ગંભીરતાનો સદંતર અભાવ છે. વિશ્વભરમાં આજે લાખો બાળકો સાતમા-આઠમા વર્ષે જ સોશિયલ
મીડિયાનો ઉપયોગ કરી રહ્યાં છે. આ સંદર્ભમાં અૉસ્ટ્રેલિયાની સંસદે કરેલા કાયદાનો કેટલાક
સાંસદોએ જોરદાર વિરોધ કર્યો છે. તેમનું કહેવું છે કે, પ્રથમ આ કાયદો કાગળ પર રહેશે
અને તેને અમલમાં મૂકવો મુશ્કેલ છે. આ ફક્ત રાજકીય ફાયદો મેળવવાની ચાલ છે. બીજો આક્ષેપ
અધિક મૂળભૂત અને ગંભીર છે. આવા પ્રતિબંધને લઈ બાળકોની પ્રતિભા અને કલ્પનાશક્તિ રુંધવાનું
કામ થશે. અૉસ્ટ્રેલિયા જેવા પ્રગતિશીલ રાષ્ટ્રને આ પગલું લેવાની ફરજ શા માટે પડી એનો
ગંભીર વિચાર ભારત સહિત બધા જ દેશોએ કરવાની આવશ્યક્તા છે. ભારતમાં પણ બાળકો-કિશોરો-યુવાનો
અૉનલાઈન ગૅમ્સ અને સોશિયલ મીડિયાની જાળમાં સપડાયા હોવાનું જોવા મળે છે, આથી આજે નહીં
તો કાલે અૉસ્ટ્રેલિયાના પગલાનું અનુકરણ કરવાની આવશ્યકતા ઊભી થશે. ભારતમાં ફેસબુક, ઈન્સ્ટાગ્રામ
પર અશ્લીલ માહિતી પ્રસારિત નહીં થવા દેવાની તકેદારી રાખવાની જવાબદારી નાખવી જોઈએ. ફિલ્મો
બાબત કંઈક પ્રમાણમાં સેન્સર બોર્ડની ધાક છે. એવી જ પદ્ધતિથી સરકાર નક્કી કરેલા નિયમોનું
પાલન કરવાની જવાબદારી સોશિયલ મીડિયાના મંચો પર નાખી શકે છે. સોશિયલ મીડિયા પર અનેક
એન્ટિ-સોશિયલ બાબતો બેફામ ફરે છે અને આનાથી સમાજ તથા ખાસ તો કૂમળી વયનાં બાળકો પર જે
પ્રભાવ થાય છે, તે લાંબા ગાળે નુકસાનકારક ઠરી શકે છે. દેશનું યુવાધન અશ્લીલતાનું `બંધાણી' બને એ સમાજ વિઘાતક જ ઠરે છે.
આથી, આવતી કાલે સફાળા જાગવું પડે એ પહેલાં અત્યારથી જ કેટલાંક પ્રતિબંધક પગલાં લેવાય,
એ સમયની માગ છે.