• રવિવાર, 26 જાન્યુઆરી, 2025

2030 સુધી એઇડ્સ નિર્મૂલનનું કપરું લક્ષ્ય

ભારત માટે જોખમી બની રહેલા એઇડ્સ અને એચઆઇવી સંક્રમણના જીવલેણ કેસોમાં ઓટ આવી રહી હોવાના આવકારદાયક અહેવાલ સામે આવી રહ્યા છે. સરકારે અગામી 2030 સુધી એઇડ્સના ખાતમાનાં સંયુક્ત રાષ્ટ્ર સંઘનાં લક્ષ્યને પહોંચી વળવા કમર કસી છે, પણ આ લક્ષ્યને હાંસલ કરવાનું ભારત માટે પડકારભર્યું બની રહે તેમ છે. જો કે, વિશ્વ એઇડ્સ દિવસે કેન્દ્રના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જે.પી. નડ્ડાએ જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં એઇડ્સને લીધ થતાં મૃત્યુની ટકાવારીમાં 79 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે નવા કેસની સંખ્યા પણ 44 ટકા જેટલી ઘટી છે. વ્યાપક સ્તરે હાથ ધરાઇ રહેલા લોકજાગૃતિ અને આરોગ્યલક્ષી કાર્યક્રમોને લીધે આ આશાભરી સ્થિતિ સર્જાઇ છે. આમ તો ભારતમાં છેક 90ના દાયકાથી સરકાર દ્વારા એઇડ્સ અને એચઆઇવીનાં જોખમો અને તેમાંથી બચાવ માટેના જાગૃતિના વ્યાપક કાર્યક્રમો ચલાવાઇ રહ્યા છે. આમ તો વૈશ્વિક સ્તરે 1988થી પહેલી ડિસેમ્બરે વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરાય છે. આ વખતે ઇન્દોરમાં આ માટેના રાષ્ટ્રીય કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ વખતે આ કાર્યક્રમની થીમ હતી ટેક ધ રાઇટ પાથ, માઇ હેલ્થ માઇ રાઇટ. આ થીમના આધારે વર્ષ 2030 સુધી એઇડ્સની નાબૂદીનો સંકલ્પ લેવાયો છે. જો કે, આધુનિક ભારતમાં ખાસ તો મહાનગરોમાં યૌન સંબંધોમાં મનસ્વિતા જે રીતે વધી રહી છે, તેની સાથોસાથ ડ્રગ્સનું સેવન પણ વધ્યું છે, તે જોતાં આ લક્ષ્યને હાંસલ કરવામાં મોટો પડકાર ઊભો થઇ શકે છે. અત્યારે ભારતમાં લગભગ 17.30 લાખ લોકો એઇડ્સનાં સંક્રમણ સાથે જીવી રહ્યા છે. હવે સરકારે સંયુક્ત રાષ્ટ્રનાં લક્ષ્યને હાંસલ કરવા તપાસ અને સારવારના નવા ઉપાય પર ધ્યાન કેન્દ્રિત કરવાની વ્યૂહરચના ઘડી કાઢી છે. ખાસ તો 2017ના એઇડ્સ નિયંત્રણ અંગેના કાયદાના અમલ પર વિશેષ ધ્યાન અપાશે. તેની સાથોસાથ 95:95:95ની ફોર્મ્યુલાને અમલી બનાવવાનાં પગલાં સરકાર લેશે. આ ફોર્મ્યુલા મુજબ 95 ટકા દર્દીને ખબર હોવી જોઇએ કે, તેમને એઇડ્સનું સંક્રમણ છે, 95 ટકાને સારવાર મળવી જોઇએ અને 95 ટકાને ખાસ એન્ટિ રેટ્રોવાયરલ થેરાપીથી સારવાર કરીને તેમના વાયરસના લોડને ઘટાડવામાં આવે. આ લક્ષ્યને હાંસલ કરવા માટે પણ સરકારે ધ્યાન આપવાની જરૂરત રહેશે. હાલે દેશમાં 81 ટકા દર્દીને ખ્યાલ છે કે, તેમને એઇડ્સનું સંક્રમણ છે, 88 ટકા દર્દીની સારવાર ચાલી રહી છે, જ્યારે 91 ટકા દર્દીના વાયરસના લોડને ઘટાડી શકાયો છે. હાલે વિશ્વમાં 0.7 ટકા વસ્તીને આ સંક્રમણ છે, જ્યારે ભારતમાં આ ટકાવારી માત્ર 0.2 ટકા જેટલી જ છે, પણ ભારતની મોટી વસ્તીને જોતાં આ ટકાવારી કુલ સંખ્યામાં ઘણી વધુ હોય તે સ્વાભાવિક છે. એઈડ્સ વિરુદ્ધ લાંબી લડાઈ પછી આ બીમારીની વિરુદ્ધ દેશમાં શક્તિશાળી ચિકિત્સા તંત્ર વિકસિત કરવામાં આવ્યું છે, સંક્રમિતોને એઈડ્સની દવા મફતમાં આપવામાં આવી રહી છે અને કોઈ દર્દી એચઆઈવી સંક્રિમત જણાય તો તેને દવા આપવાની જોગવાઈ કરવામાં આવી છે. આજે ભારતીય દવા કંપનીઓ દ્વારા આફ્રિકા, દક્ષિણ આફ્રિકા અને લેટિન અમેરિકાને એઈડ્સની સૌથી સસ્તી અને પ્રભાવી દવાઓનો પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે. શરૂઆતમાં આવા સંક્રમણના બચાવ માટે કોઈ ખાસ દવા નહોતી, આજે ઘણી દવાઓ છે, જેનાથી પીડિતોને રાહત મળે છે. તેમ છતાં સરકાર અને સામાજિક સંસ્થાઓએ એઇડ્સ નિવારણને માત્ર એક દિવસના કાર્યક્રમ પૂરતો કેન્દ્રિત રાખવાને બદલે સતત ધ્યાન આપીને અસરકારક પગલાં લેવાં જોઇશે. આમ થશે તો જ 2030નાં એઇડ્સ નિર્મૂલનનાં લક્ષ્યને હાંસિલ કરી શકાશે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd